• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

મે મહિનામાં ચીનનો વેપાર ઘટયો, આર્થિક સુધારણા મંદ પડી 

બેરોજગારીના પ્રમાણમાં વધારો

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ): મે માસમાં ચીનની નિકાસ વાર્ષિક ધોરણે 7.5 ટકા ઘટી છે જ્યારે આયાત 4.5 ટકા ઘટી છે. કોરોના વાયરસનો ઉપદ્રવ ઘટયા બાદ અર્થતંત્રમાં આવેલા સુધારાની ગતિ ઊંચા વ્યાજદરના દબાણના કારણે વૈશ્વિક માગ મંદ પડવાના સંકેત મળી રહ્યા છે.  

એપ્રિલમાં નિકાસ અનેપક્ષિત ધોરણે 8.5 ટકાના દરે વધ્યા બાદ તે મે માસમાં ઘટીને 283.5 અબજ ડૉલરની થઈ હોવાનું કસ્ટમ્સ વિભાગ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. તે સાથે ચીનની આયાત ઘટીને 217.7 અબજ ડૉલરની થઈ હતી, જે પાછલા માસમાં 7.9 ટકાના ઘટાડા સામે સહેજ સુધારી હતી. 

ચીનના વૈશ્વિક વેપારની પુરાંત 16.1 ટકા ઘટીને 65.8 અબજ ડૉલરની થઈ છે. ચીનમાં ફૅક્ટરી ઉત્પાદનમાં આવેલા ઘટાડા સાથે ગ્રાહકોની ખરીદી શક્તિ પણ ઘટવાના પગલે વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઈકોનોમી ધરાવતા ચીનમાં બેરોજગારીનો આંક વધી રહ્યો છે. 

અૉક્સ્ફર્ડ યુનિવર્સિટીના અર્થશાત્ર વિભાગના પ્રાધ્યાપક લૉયડ ચેનના જણાવ્યા અનુસાર અમેરિકાનું અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યંy હોવાની અમારી ધારણા છે અને તેથી ચીનની નિકાસ પણ આગામી સમયમાં મંદ રહેશે. 

ચીન દ્વારા ગયા ડિસેમ્બર મહિનામાં કોવિડ સંબંધિત નિયંત્રણો દૂર કરવામાં આવ્યા પછી તેના અર્થતંત્રમાં તેજીનો ચમકારો થયો હતો, પરંતુ તેજી હવે ઓસરી રહી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.

ચીનના નાગરિકો બેરોજગારી અને મંદીના ભયથી રિટેલ ખરીદી સાવ પાંખી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું છે. ચીન દ્વારા અમેરિકાની  નિકાસ વાર્ષિક ધોરણે 18.2 ટકા ઘટીને 42.5 અબજ ડૉલરની થઈ હતી જ્યારે આયાત 9.9 ટકા ઘટીને 14.3 અબજ ડૉલરની થઈ હતી. જ્યારે વેપારની પુરાંત 21.9 ટકા ઘટીને 28.1 અબજ ડૉલરની થઈ હતી.