• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

અદાણી સિમેન્ટ લૉબી ગ્રુપ સિમેન્ટ ઍસો. અૉફ ઈન્ડિયામાંથી ખસી ગઈ   

સીએમએ સાથે અનેક બાબતો વિશે થયેલા મતભેદના પગલે અદાણી ગ્રુપનો નિર્ણય 

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ):  અંબુજા સિમેન્ટ અને એસીસી સિમેન્ટની માલિકી ધરાવતી અદાણી સિમેન્ટ કંપનીએ  સિમેન્ટના ભાવનું લૉબિંગ કરતા સંગઠન સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન (સીએમએ)માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ સંગઠન દેશની લગભગ તમામ મોટી સિમેન્ટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. 

સીએમએ સાથે અનેક બાબતોએ થયેલા મતભેદના પગલે અદાણી સિમેન્ટના મૅનેજમેન્ટ દ્વારા આ સંગઠનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હોવાનું આ ઘટના સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું. 

પાછલાં અમુક વરસોથી અંબુજા સિમેન્ટ અને એસીસી સિમેન્ટે સીએમએ સાથે તેમના પ્રોડ્કશન અને સેલ્સના ડેટા શેર કરવાનું બંધ કરી દીધું છે અને આ બંને કંપનીઓ સીએમએની સક્રીય મેમ્બરશિપ ધરાવતી નથી, એમ એક સ્થાનિક બ્રોકરેજ કંપનીના એનાલિસ્ટે જણાવ્યું હતું. 

દેશના કમ્પટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ સીએમએ ઉપર સિમેન્ટના ભાવ ઉપર ગેરકાયદે નિયંત્રણ ધરાવતી કાર્ટેલ સાથે સાઠગાંઠનો આરોપ મૂક્યા બાદ સીએમએ દ્વારા સિમેન્ટ ઉત્પાદન અને તેના વેચાણના આંકડા કંપનીઓ પાસેથી લેવાનું સક્રીયપણે બંધ કર્યું હતું. 

આ નિર્ણય કદાચ તેમની પ્રક્રિયાનો ભાગ હોઈ શકે અને તેઓ એ સ્પષ્ટ કરવા માગતા હશે કે હવે પછી આવનારા સંભવિત કેસોમાં તેમની સામેલગીરી નથી, આ તેમનું અગમચેતીનું પગલું હોઈ શકે, એમ તેમણે જણાવ્યું હતું. અદાણી ગ્રુપ અને સીએમએએ આ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા આપી નથી.