• શનિવાર, 20 એપ્રિલ, 2024

શૅરબજારમાં સક્રિય રોકાણકારોમાં સતત 10મા મહિને ઘટાડો  

એપ્રિલમાં રોકાણકારો ઘટીને 312 લાખ થયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જમાં સક્રિય રોકાણકારોમાં સતત દસમા મહિને ઘટાડો જોવા મળ્યો છે.

જૂન, 2022માં એનએસઈમાં સક્રિય રોકાણકારો 380 લાખ હતા. એ એપ્રિલ, 2023માં ઘટીને 312 લાખ થયા છે. માર્ચ, 2023માં એક્ટિવ ઇન્વેસ્ટર્સની સંખ્યા 327 લાખની હતી. માર્ચ, 2023 અને એપ્રિલ, 2023ના એક મહિનામાં રોકાણકારોની સંખ્યામાં 15 લાખનો ઘટાડો થયો છે.ગયા એક વર્ષ દરમિયાન જો કોઈ રોકાણકારોએ એક ટ્રેડ કર્યો હોય તો એને સક્રિય રોકાણકાર ગણવામાં આવે છે.

છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક અને સ્થાનિક લેવલે જે આર્થિક અચોક્કસતાની સ્થિતિ જોવા મળી રહી છે એની સીધી પ્રતિકૂળ અસર ઇક્વિટી માર્કેટ પર જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક તેમ જ સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં વળતર મર્યાદિત રહ્યું છે એને કારણે રોકાણકારોની સક્રિયતા ઘટી છે. ઇક્વિટી માર્કેટમાં વોલેટિલિટી પણ વધી છે.

નાણાકીય વર્ષ 2022-23માં સેન્સેક્ષમાં માત્ર 0.70 ટકાની વૃદ્ધિ થઈ છે. નિફ્ટીમાં 0.60 ટકા, બીએસઈ મિડકૅપ ઇન્ડેક્સ 0.18 ટકા અને સ્મોલકૅપ ઇન્ડેક્સમાં 4.46 ટકાનો ઘટાડો થયો છે.

સક્રિય રોકાણકારોમાં 6.80 લાખનો ઘટાડો

જૂન, 2022થી એપ્રિલ, 2023 દરમિયાન સક્રિય રોકાણકારોમાં 6.80 લાખનો ઘટાડો થયો છે. જૂન, 2022માં એક્ટિવ ઇન્વેસ્ટર્સની સંખ્યા 380 લાખની હતી એ એપ્રિલ, 2023માં ઘટીને 312 લાખ થઈ છે.જૂન, 2022માં રોકાણકારોની સંખ્યા 377 લાખ, અૉગસ્ટમાં 375 લાખ, સપ્ટેમ્બરમાં 374 લાખ, અૉક્ટોબરમાં 367 લાખ, નવેમ્બરમાં 360 લાખ અને ડિસેમ્બરમાં 353 લાખ થઈ હતી.જાન્યુઆરી, 2023માં રોકાણકારોની સંખ્યા 343 લાખ, ફેબ્રુઆરીમાં 336 લાખ, માર્ચમાં 327 લાખ થઈ છે.