• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

વિયેતનામની ફ્લાઈટ વિલંબમાં મુકાતા મુંબઈ ઍરપોર્ટ પર સેંકડો પ્રવાસીઓ પરેશાન  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 26 : મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર ગુરુવારે રાત્રે અજીબોગરીબ ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટથી વિયતનામ જનારી વિયેતજેટની ફ્લાઈટમાં 300 જેટલા પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

પ્રવાસીઓ પ્લેનમાં બેસીને ટેકઅૉફની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કલાકો સુધી પ્લેન ત્યાં જ ઊભું હોવાથી કંટાળેલા પ્રવાસીઓએ હંગામો કર્યો હતો. પ્લેનમાં ખાવા-પીવાનું અને પાણીની પણ સુવિધા ક્રૂ મેમ્બર્સે પૂરી પાડી ન હોવાથી પ્રવાસીઓ રોષે ભરાયા હતા અને ઍરપોર્ટ પર હંગામો કર્યો હતો, જે બાદ ફ્લાઈટને રિ-શેડયુલ કરીને શુક્રવારે સાંજે ચાર વાગ્યે ટેકઅૉફ કરવામાં આવશે એવું ક્રૂ મેમ્બર્સે જણાવ્યું હતું, પરંતુ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નહોતી એવું એક પ્રવાસીએ જણાવ્યું હતું.

પ્રવાસીઓને જાણ કર્યા વગર ફ્લાઈટ રિ-શેડયુલ કરવામાં આવી હોવાથી રોષે ભરાયેલા પ્રવાસીઓએ વિયેતજેટ ઍરલાઈનની બેદરકારી વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી. ફ્લાઈટ અને ટેક્નિકલ ફોલ્ટ લાઈન વચ્ચે પ્રવાસીઓને આશરે 12 કલાક સુધી હાલાકી વેઠવી પડી હતી. પ્લેનમાં બેસેલા પ્રવાસીએ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરી હતી અને ઍરલાઈનનું લાઈસન્સ રદ કરવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ કલાકથી વધુ સમય સુધી પ્લેનમાં અમે બેઠા છીએ, પરંતુ પ્લેન સ્ટાફ દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી, તેમણે અમને પીવાનું પાણી પણ નથી આપ્યું. ફ્લાઈટમાં નાનાં બાળકોને સૌથી વધુ તકલીફ થઈ રહી છે, તેમાંથી કેટલાક બેહોશ થયા છે. આ મામલે ગંભીર નોંધ લેવામાં આવે તેવી વિનંતી.

વિયેતજેટ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે ટેક્નિકલ ખામી સર્જાતા પહેલા ફ્લાઈટને રાત્રે એક વાગ્યે રિ-શેડયુલ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સમયમાં ફેરફાર કરીને રાતના 8.30 વાગ્યે કરવામાં આવી છે.વિયેતજેટ ઍરલાઈનની અગાઉ પણ ઘણી ફરિયાદો આવેલી છે. આ ઘટના પૂર્વે દક્ષિણ કોરિયામાં ફ્લાઈટ રદ કરીને પ્રવાસીઓનું ભાડું પાછું આપવાનો ઈનકાર કરતાં ઍરલાઈનની મુશ્કેલીઓ વધી હતી. વિયેતજેટની ફરિયાદોમાં વધારો થતાં ઍરલાઈન અૉથોરિટી પર ઍક્શન લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હેડલાઇન્સ