• શનિવાર, 02 માર્ચ, 2024

વિધાનસભ્યોને મળશે નવાં ઘર, મનોરા આવાસનું થયું ભૂમિપૂજન  

હાઈટૅક સુવિધાથી પરિપૂર્ણ ઈમારતમાં દરેક વિધાનસભ્યને 1000 ચોરસફૂટના ફ્લૅટ મળશે

મુંબઈ, તા. 3 : છેલ્લાં ત્રણ વર્ષથી મંત્રાલય નજીક વિધાનસભ્યો માટે મનોરા આવાસના રખડેલા પ્રોજેક્ટનું આખરે ગુરુવારે સવારે 10 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તથા જાહેર બાંધકામ વિભાગના પ્રધાન રવીન્દ્ર ચવ્હાણની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા અને વિધાન પરિષદના વિધાનસભ્યોને રહેવા માટે એક 40 માળની અને 28 માળની એક ઈમારત રૂા. 1300 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. સમુદ્રકિનારે 13,429.17 ચોરસ મીટરની જમીન માટે આશરે 5.4 એફએસઆય આપવામાં આવ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો બિલ્ટઅપ એરિયા 7,21,956.06 ચોરસ મીટર રહેશે. દરેક વિધાનસભ્યને 1000 ચોરસ ફૂટના ફ્લૅટ મળશે અને બંને ઈમારતમાં સુવિધાથી સંપૂર્ણ 358 ફ્લૅટ બનાવવામાં આવશે અને પાર્કિંગ એરિયામાં 809 વાહન પાર્ક થઈ શકશે.

આ ઉપરાંત, વિધાનસભ્યો માટે ઈમારતમાં જિમ, કેફેટેરિયા, હાઈટૅક કિચન, મલ્ટિ-પર્પસ હૉલ, પ્રત્યેક માળે કૉન્ફેરેન્સ હૉલ, વીઆઈપી લાઉન્જ, બિઝનેસ સેન્ટર, બુક સ્ટોર, લાઈબ્રેરી અને મિની થિયેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં મનોરા આવાસની નવી ઈમારતનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય સરકારનું છે.

દરમિયાન, મનોરા આવાસના ભૂમિપૂજન બાદ આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ગેરહાજરીમાં તેમની ખુરશી પર રાહુલ નાર્વેકરે અજિત પવારને બેસવાનો આગ્રહ કર્યો હતો. સ્ટેજ પર ટોચના પ્રધાનો માટે સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવી હતી. અજિત પવારની સીટ ચંદ્રકાંત પાટીલ અને નિલમ ગોર્હેની વચ્ચે રાખવામાં આવી હતી અને સીએમ શિંદેની ખુરશી ખાલી હતી. સીટ પર સીએમ શિંદેનું નામ હોવાથી અજિત પવાર ત્યાં બેસતા ખચકાયા હતા. તે વખતે નાર્વેકરે શિંદેના નામનું સ્ટિકર હટાવી દીધું હતું તે બાદ પવાર ખુરશી પર બેઠા હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ