• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ઔરંગઝેબની કબરનો વિવાદ

ઔરંગઝેબની કબર ઉખેડી ફેંકવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આંદોલનની હાક આપ્યા પછી મંગળવારે મોટા ભાગનાં હિન્દુ સંગઠનો ઠેર ઠેર રસ્તા પર ઉતર્યાં હતાં. નાગપુરમાં આ આંદોલને હિંસક વળાંક લેતાં કેટલીક દુકાનો અને ઘરોને આગ ચાંપવામાં આવી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી છે અને કેટલાક તોફાનગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ લાદ્યો છે.

આ બનાવની માહિતી આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ પરના હુમલા કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય એવી મક્કમ ઘોષણા કરીને તોફાનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તોફાનની એક ઘટના સવારે બની હતી અને પછી તે વિસ્તારમાં શાંતિ હતી, પણ સાંજે કેટલાક લોકોએ હલ્લો કરતાં પરિસ્થિતિ કાબૂમાં લાવવા અશ્રુવાયુનાં ટોટાં ફોડવા પડÎા હતા. આ સ્થળેથી એક ટ્રૉલી ભરીને પથ્થર પણ મળી આવ્યા હતા. કેટલાક લોકોએ પોતાનાં ઘરોમાં પથ્થર જમા કરી રાખ્યા હતા. આ ઉપરાંત, ભારે પ્રમાણમાં શત્રો પણ હાથ કરવામાં આવ્યાં છે, જેને લઈ હિંસાના બનાવો પૂર્વનિયોજિત હોવાની ખાતરી થઈ છે.

એકંદરે ‘છાવા’ ફિલ્મને લીધે મહારાષ્ટ્રમાં જ નહીં, પણ દેશભરના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. હિન્દુઓની તીવ્ર ભાવના કચડી ખુદની રાજકીય રોટી શેકનારાઓની વૃત્તિ ઔરંગઝેબના કારણે જ બહાર આવી છે. ઔરંગઝેબનું ખરું રૂપ ઈતિહાસનાં તથ્યોમાં પુરાવા સહિત નોંધવામાં આવ્યું છે.

ઔરંગઝેબની કબરને કંઈ થશે તો એ સારું નહીં હોય એમ કહેનારા સેક્યુલરવાદીઓ પણ ઓછા નથી! ધર્માંધ મુસલમાનો અને હિન્દુત્વ વિચારના વર્ગ વચ્ચેનો સંઘર્ષ અહીં જ છે.

છત્રપતિથી સાવરકર સુધી, સાવરકરથી ડૉ. હેડગેવાર સુધી આ મહાપુરુષોએ ધર્માંધતા વિરુદ્ધની લડત લડી છે. આમ છતાં કહેવાતા સેક્યુલરો માટે ઔરંગઝેબ જેવા લોકો આસ્થાનું પ્રતીક છે! પણ આ દિવસો હવે પૂરા થયા છે એમ ઔરંગઝેબની કબરનો વિરોધ કરનારા કહે છે.

સોવિયેત રશિયાનું વિભાજન થયા પછી ત્યાંની સરકારે લેનિનની સમાધિની દેખરેખનો ખર્ચ કરવાનો સ્પષ્ટ નકાર કર્યો હતો. રશિયાએ લેનિનના વિચારો સુધ્ધાંને તિલાંજલિ આપી છે. એમાંથી આજનું રાષ્ટ્રભિમાની રશિયા ઊભું છે. જગતના ઈતિહાસમાં આવી ઘટના નવી નથી. 2014માં ત્રિપુરામાં સત્તાંતરણ થયા પછી લેનિનના પૂતળાને જેસીબીથી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. જેઓને આપણા દેશથી, આપણા ધર્મથી કંઈ લેવા દેવા નથી, એવાઓનાં પૂતળાં અને મજારને શા માટે જાળવવી એ પ્રશ્ન છે.

અબ્દુલ હમીદથી અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રભક્ત મુસલમાનોની એક શ્રેણી આ દેશમાં છે અને તેઓનાં સ્મારક પણ આપણા દેશમાં છે. જોકે, હિન્દુઓ પર આક્રમણ કરનારાઓને ‘પીર’ બનાવવામાં આવે છે. કબર ઔરંગઝેબની હોય કે યાકુબ મેમણની, ધર્માંધ મુસલમાનો કરતાં વટલાયેલા મુસલમાનો તેના પર વધુ કાગારોળ મચાવી રહ્યા છે. યાદ રહે અસ્મિતા પ્રખર હોય છે, પરાક્રમથી તે સિદ્ધ થાય છે અને તેમાં ધર્માભિમાનનું તેજ હોય છે. ઔરંગઝેબની કબર હોવી જોઈએ તેની હિમાયત કરનારાઓએ તેના પ્રતિ જાહેરમાં આસ્થા જાહેર કરવાની હિંમત દાખવશે?