• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ઝેર અને દૂષણની ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ લોકતંત્ર માટે અતિ મહત્ત્વની છે પણ મહારાષ્ટ્રની 29 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં જે રીતે મની પાવરનો મહિમા તથા અનેક જગ્યાએ પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના કિસ્સા સામે આવ્યા છે, તેના કારણે આ આખી પ્રક્રિયા પર બટ્ટો લાગ્યો છે. મતદારોને આકર્ષવા નાણાં વેરવામાં બધા જ રાજકીય પક્ષનો હિસ્સો એકસમાન જોવા મળ્યો છે. મતદાન અગાઉના દિવસે રાજ્યભરમાંથી રોકડ રકમ જપ્ત થઈ છે, ખાસ તો મુંબઈ અને આસપાસનાં ક્ષેત્રોમાં નાણાશાહીનો પ્રભાવ એટલો વધુ છે કે, ઉલ્હાસનગરમાંથી રૂા. પચાસ લાખ, કલ્યાણના કચોરે વિસ્તારમાંથી નવ લાખ, ભિવંડીમાંથી ચાર લાખ તથા અન્ય અનેક જગ્યાએથી નાની-મોટી રકમ જપ્ત કરાઈ છે. યાદ રહે, આ તો પકડાયેલા અને ચોપડે નોંધાયેલા કિસ્સા છે. આ વખતે તમામ નગરપાલિકા ક્ષેત્રમાં નાણાંની રેલમછેલ હોવાનું સામે આવ્યું છે. પ્રચારના પડઘમ શાંત થયા એ પછી મતદારોને લલચાવવા રોકડ ઉપરાંત સાડીઓ અને સોનું-ચાંદી પણ વહેંચવામાં આવ્યાના અહેવાલ છે. 

મતદારોને નાણાં વહેંચવા માટે વિવિધ રાજકીય પક્ષોની નવી-નવી રીત-રસમો ચોંકાવનારી છે. મતદાન માટેની સ્લિપ આપવાના ઓઠા હેઠળ, તો ક્યાંક ઈવીએમ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાવવાનાં બહાનાં હેઠળ મતદારોને રોકડ આપવામાં આવી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ ઓછું હોય તેમ શરાબ સંબંધિત ગુનાઓમાં પણ હાલના સમયમાં વધારો થયો છે, ખાસ તો મહત્ત્વની રૅલીઓની આસપાસ આવા કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. પહેલી જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી વચ્ચેના બાર દિવસમાં મુંબઈમાં શરાબ-સંબંધિત 97 ગુના નોંધાયા છે, ગયા વર્ષે આ સમયગાળામાં આવા 34 ગુનાની નોંધ થઈ હોવાથી એ તો સ્પષ્ટ છે કે, ચૂંટણી અને આ ગુનાઓ વચ્ચે સંબંધ છે. ઍક્સાઈઝ ખાતાના અંદાજ મુજબ, દેશી દારૂ અને તાડીનો કુલ 301 બલ્ક લિટર જથો આ બાર દિવસમાં પકડાયો છે, ગયા વર્ષે જાન્યુઆરીના સમયગાળામાં 35 બલ્ક લિટર દેશી દારૂ પકડાયો હતો. ચૂંટણી પહેલાં ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ આ જથો એકત્ર કરતા હોવાનું આ ખાતાના અધિકારીઓનો અભિપ્રાય છે. વળી, આ વખતે અનેક જગ્યાએ ઉમેદવારો અને કાર્યકર્તાઓ વચ્ચે હિંસાના અનેક બનાવ બન્યા છે. મુંબઈ અને આસપાસનાં પરાં જેવા વિસ્તારોમાં આ બધી પ્રવૃત્તિઓમાં આવેલો ઉછાળો ચિંતાજનક ગણાય. ચૂંટણી પ્રચારમાં રાજકારણીઓએ એકમેક સામે ઝેર ઓકવામાં કશું જ બાકી રાખ્યું નહોતું, એમાં નાણાં, શરાબ અને હિંસાનું આ વિષ લોકતંત્ર પર કલંક સમાન છે.