• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

હવે યુરોપ પર ટ્રમ્પની કરડી નજર

વિશ્વ શાંતિ અને સુરક્ષા માટે અમેરિકાને ગ્રીનલૅન્ડ પર કબજો જોઈએ છે અને એમાં આડખીલી બની રહેલા આઠ યુરોપિયન દેશો-નાટોના સહયોગીઓ-મિત્ર રાષ્ટ્રો પર ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અતિ પ્રિય ટેરિફ શસ્ત્ર ઉગામ્યું છે. પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવે એ રીતે યુરોપિયન યુનિયનના ડેન્માર્ક, નૉર્વે, સ્વિડન, ફ્રાન્સ, જર્મની અને યુનાઈટેડ કિંગ્ડમ જેવા દેશો પર વધારાનો દસ ટકા ટેરિફ લાદવા સાથે એવી ચીમકી પણ ટ્રમ્પે આપી છે કે, પહેલી જૂન સુધી આ બાબતમાં કોઈ ડીલ નહીં થાય તો ટેરિફ વધારીને પચીસ ટકા કરી દેવાશે. યુરોપિયન યુનિયને પણ ટ્રમ્પના આ પગલાં સામે નમતું ન જોખવાની વાત ઉચ્ચારી છે. તો ટ્રમ્પે ગ્રીનલૅન્ડમાં પોતાનાં દળો મોકલનારાં યુરોપિયન રાષ્ટ્રો જોખમી રમત રમી રહ્યા હોવાનો આક્ષેપ કરવા સાથે કહ્યું છે કે, ચીન અને રશિયાનો ડોળો ગ્રીનલૅન્ડ પર છે અને ડેન્માર્ક પોતાના આ ક્ષેત્રનું સંરક્ષણ કરવા સક્ષમ નથી. આ ટાપુ રાષ્ટ્રનું અમેરિકાની રાષ્ટ્રીય સલામતી તથા વિશ્વ શાંતિની દૃષ્ટિએ મોટું મહત્ત્વ છે અને માત્ર અમેરિકા જ તેની સુરક્ષાની ખાતરી આપી શકે એમ છે, એવાં બણગાં પણ ટ્રમ્પે તેમની ટેવ મુજબ ફૂંક્યા છે. યુરોપિયન રાષ્ટ્રોનું કહેવું છે કે, ટ્રમ્પનું ટેરિફ પગલું યુરોપ અને અમેરિકાની સહિયારી સમૃદ્ધિ માટે જોખમ ઊભું કરનારું છે અને આનો લાભ ચીન અને રશિયાને થશે.

ડેન્માર્ક અમેરિકાના વડપણ હેઠળના લશ્કરી સંગઠન નાટોનું સભ્ય છે અને ગ્રીનલૅન્ડ તેના અખત્યાર હેઠળનો સ્વાયત્ત પ્રદેશ છે. અમેરિકાની નજર છેલ્લા દોઢસો વર્ષથી કુદરતી સંપદાથી સમૃદ્ધ આ રાષ્ટ્ર પર છે. ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં પણ ગ્રીનલૅન્ડને ખરીદી લેવાની તૈયારી દેખાડી હતી અને આ વખતે તેઓ આ દાવાને લઈને વધુ આક્રમક છે. કૅનેડા તરફ મેક અમેરિકા ગ્રેટ અગેઈન (માગા) તરફીઓ અને ટ્રમ્પ પ્રશાસનનો અભિગમ બાદ આ દેશ ચીન તરફ ઢળ્યો છે. કૅનેડાએ ચીનથી આયાત થતાં ઈલેક્ટ્રોનિક વેહિકલ પરનો ટેરિફ સો ટકાથી ઘટાડી માત્ર 6.1 ટકા કરી નાખ્યો છે. જવાબમાં ચીને કૅનેડાના કનોલાનાં બી પરનો ટેરિફ 84 ટકાથી ઘટાડી 15 ટકા કરી નાખ્યો છે. આના કારણે કૅનેડાના ખેડૂતોને મોટો લાભ થશે. આમ, વિશ્વ વેપારમાં અમેરિકાની દાદાગીરીનો લાભ ચીનને થઈ રહ્યો છે. જોકે, વારે-તહેવારે જાતભાતની ટેરિફ ઝીંકતા અને ખુદને ટેરિફ કિંગ કહેવડાવતા ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીનાં વર્તુળોમાં પણ ટેરિફ પ્રહાર મુદ્દે અસ્વસ્થતા વધી રહી છે. આ સાથે જ યુરોપિયન યુનિયને પણ આ વખતે નમતું ન જોખવા અને લડી લેવાના મિજાજમાં હોવાનો અણસાર આપ્યો છે. હવે, આ સ્થિતિ લાંબી વાટાઘાટો કે સામસામી આક્ષેપબાજી સુધી જાય છે કે, ટ્રમ્પ ગ્રીનલૅન્ડમાં વેનેઝુએલાવાળી કરે છે, એના પર બધો મદાર છે કે, આ કોકડું કેવું ગૂંચવાય છે.