ગયા મહિને ઇન્ડિગો ઍરલાઇન્સની કામગીરી ખોરવાઈ પડી ત્યારે પ્રવાસીઓને પારાવાર હાલાકી સહન કરવાની આવી. ઍરલાઇન્સને ડિરેક્ટોરેટ જનરલ અૉફ સિવિલ એવિયેશને (ડીજીસીએ) રૂા. 22.2 કરોડનો ભારેખમ અને અભૂતપૂર્વ દંડ ફટકારી યોગ્ય સંદેશ આપ્યો છે. ગત ત્રીજીથી પાંચમી ડિસેમ્બર દરમિયાન સર્જાયેલી કટોકટીને પગલે ત્રણ દિવસમાં 2507થી વધુ ફ્લાઇટો રદ થઈ અને 1853 જેટલી મોડી પડી અને તેના કારણે ત્રણેક લાખ પ્રવાસીઓ રઝળી પડયા હતા. જોકે, સવાલ એ છે કે આ દંડ અભૂતપૂર્વ છે, પણ શું એ પૂરતો છે? શું બધું જ બરાબર થઈ રહેશે કે ફરક પડશે? જવાબ છે, ના. એક તો, ઇન્ડિગો દેશના નાગરી ઉડ્ડયન ક્ષેત્રના બજારનો 61 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વળી, કંપનીમાં માળખાકીય ફેરફારો થયા નથી અને મોટાં માથાં યથાવત્ છે, કેટલાક કર્મચારીઓને ચાલતા કરાયા છે. વળી, ફેબ્રુઆરી મહિનાની દસમી તારીખથી પાયલટની ફરજના કલાકો સંબંધી નિયમો અમલમાં આવવાના છે. આવામાં, આ દંડ તથા અન્ય પગલાં અપૂરતાં જણાય છે. ઇન્ડિગોમાં સુધારા થશે કે કેમ અને પ્રવાસીઓને ફરી હાલાકીનો સામનો કરવો નહીં પડે એની ખાતરી કોઈ આપી શકે એમ નથી.
નવેમ્બર,
2025માં અમલમાં આવનારા કર્મચારીઓના કામના નિયમન સંબંધી નિયમોને અમલમાં મૂકવા માટે ઇન્ડિગો
પાસે બે વર્ષનો સમય હતો, છતાં પોતાના કદ અને પહોંચનો લાભ ઉપાડવા ઍરલાઇન્સે આ બાબતમાં
હળવે હલેસે ચલાવ્યે રાખ્યું. કંપનીના સીઈઓ અને સીઓઓને ડીજીસીએએ માત્ર ચેતવણી અને ચીમકી
આપી છે. દંડની રકમ અભૂતપૂર્વ હોવા છતાં ઇન્ડિગોના ચોખ્ખા નફાના 0.31 ટકા જેટલી માંડ
છે. માન્યું કે ઍરલાઇન્સનો કારભાર ઓછા માર્જિન અને ઊંચા ખર્ચ વચ્ચે તાલમેલ બેસાડી ચલાવવાનો
હોય છે. એ પણ ખરું છે કે ઍરલાઇન્સને મોટો દંડ ફટકારી કે તેમાં બેફામ ફેરફારો કરવાનું
જોખમ લેવાનું ડીજીસીએએ ટાળ્યું છે, પણ ખર્ચ ઘટાડવાના નામે ઍરલાઇન્સે કરેલી ભૂલો અને
નિયમો ન પાળવા માટે પોતાના બજાર કદનો ગેરલાભ લેવાના પ્રયાસોને નજરઅંદાજ ન કરી શકાય.
આશા રાખીએ કે આમાંથી ઇન્ડિગો અને ડીજીસીએ બંને શીખ લેશે અને પ્રવાસીઓનો વિચાર કરશે.