• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં ઇતિહાસનું પુનરાવર્તન

દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના નેતાઓ કહે છે કે મુંબઈનો મેયર મહાયુતિનો જ હશે. શિવસેના અને એકનાથ શિંદેનું નિવેદન છે કે મેયરપદે તો મહાયુતિમાંથી જ કોઈ આવશે. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતનું એક જ રટણ ચાલુ છે, દેવની ઇચ્છા હશે તો મેયર અમારા પક્ષનો હશે. શિંદેએ પોતાના 29 નગરસેવકોને પંચતારક હૉટેલમાં રાખ્યા હોવાથી જાત-ભાતના તર્ક-કુતર્ક-વિતર્ક થઈ રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો એવાં આવ્યાં છે કે ભાજપ શિંદેસેના વિના સ્વબળે મેયર બનાવી શકે એમ નથી. તો, ઉદ્ધવ ઠાકરેને રાજ્યમાં સત્તા કરતાં બીએમસીનો વહીવટ પોતાના હસ્તક રહે એમાં વધુ રસ છે અને નગરસેવકો અને કાર્યકર્તાઓને પકડી રાખવા તેઓ હવા ફેલાવી રહ્યા છે કે શિંદેસેનાના અનેક નગરસેવકો અમારી સાથે આવવા તત્પર છે. તો બીજી તરફ એવા પણ અહેવાલ છે કે શિવસેના ઉબાઠાના કેટલાક નગરસેવકો આઉટ અૉફ રિચ છે. શિંદેસેનાએ પહેલાં અઢી વર્ષ માટે મેયરપદ અમને આપો એવી માગ ઉદ્ધવની સેનાએ 2019માં મુખ્ય પ્રધાનપદની કરેલી માગ જેવી જ છે. ભાજપ માટે 2019ના ઇતિહાસના પુનરાવર્તન સમાન સ્થિતિ છે.

મુંબઈ મહાનગરપાલિકામાં મહાયુતિને બહુમતી કરતાં ચાર બેઠકો વધુ મળી હોવા છતાં અને 89 નગરસેવકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં મેયર કોનો હશે, એ મુદ્દે રહસ્ય ઘૂંટાય છે. એમાંય શિંદેએ પોતાના 29 નગરસેવકોને મુંબઈની પંચતારક હૉટેલમાં રાખ્યા હોવાથી, તેમાં સસ્પેન્સનો વધુ એક થર ઉમેરાયો છે. ભાજપના તથાકથિત અૉપરેશન લોટસનો ભય કે બંને શિવસેનાઓના નગરસેવકો વાડ કૂદાવી એક પાલામાંથી બીજામાં જવાની દહેશત જેવા કારણે અટકળ તરીકે આગળ કરાઈ રહ્યા છે. પરદા પાછળની હિલચાલમાં ભાજપ અને ઉદ્ધવસેના વચ્ચે ગુપ્ત સમજૂતી થયાના અહેવાલ છે. ઉદ્ધવસેનાના નગરસેવકોને તોડી લેવા માટે શિંદેના પ્રયાસો ચાલુ હોવાના કારણે આ પગલું લેવાયાની ચર્ચા છે. મુંબઈ આસપાસના કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકા (કેડીએમસી) ક્ષેત્રમાં ચૂંટણી પહેલાં ભાજપે મિત્ર પક્ષ શિવસેના સહિત તમામ પક્ષના નેતાઓને પોતાના પાલામાં લીધા હતા અને આ બાબતને લઈને ભાજપ-શિવસેના વચ્ચે તણાવ વધ્યો હતો. હવે, કેડીએમસીમાં પણ ભાજપ-શિવસેના સાથે મળીને મેયર લાવી શકે એમ છે, પણ ભાજપના 51 અને શિંદેના 54 નગરસેવક હોવાથી અહીં પણ મેયરપદ માટે રસ્સીખેંચ છે. શિવસેના (ઉબાઠા)ના અગિયાર નગરસેવકોને તોડી લેવા શિંદે સક્રિય થયા હોવાના અહેવાલને પગલે મુંબઈમાં ભાજપને આડકતરો ટેકો આપી ઉદ્ધવ મુંબઈ અને આસપાસ પોતાના નગરસેવકોને તોડી લેવાના પ્રયાસો પર અંકુશ લાવવા મરણિયા થયા છે.

એકનાથ શિંદેએ પહેલાં અઢી વર્ષ માટે શિવસેનાના મેયરની માગ કરી છે. આવું જ 2019માં ઉદ્ધવે કર્યું હતું, એ વખતે તો પહેલેથી સમજૂતી હોવા છતાં ઠાકરેએ મુખ્ય પ્રધાનપદ માટે આગ્રહ રાખતાં યુતિ તૂટી હતી. ભાજપ આ વખતે સમાધાનકારી ભૂમિકા લે એમાં સાર છે, કેમ કે 2029માં સ્વબળે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ લડવા માટે અત્યારે પોતાની પ્રતિષ્ઠાને બટ્ટો લાગે એવું નહીં કરે. આગામી મહિનાઓમાં અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે, એ જોતાં ભાજપ મિત્ર પક્ષ માટે મેયરપદનો ત્યાગ કરે તો એનાથી લાંબા ગાળે લાભ થશે.