ચાંદીમાં ખરેખર ચાંદી થઈ ગઈ છે. છેલ્લા કેટલાય દિવસથી સતત ઊંચા જઈ રહેલા ચાંદીના ભાવ આખરે સોમવારે કિલોદીઠ ત્રણ લાખ રૂપિયાને પાર કરી ગયા છે. ગયા વર્ષના છેલ્લા મહિનામાં સિલ્વરનો દર પોણા બે લાખથી અઢી લાખની રેન્જમાં અથડાતો રહ્યો હતો અને ઈશુના નવા વર્ષનાં ત્રણ અઠવાડિયાંમાં સંક્રાંતિના કાળમાં ક્રાંતિ કરતા ત્રીસ ટકાની વૃદ્ધિ સાથે ત્રણ લાખના સીમાચિહ્નને આંબી ગયો છે. સોનાની વધતી કિંમતોને કારણે રોકાણકારો ચાંદી તરફ વળ્યા છે, તો સૌરઊર્જા, ઈલેક્ટ્રોનિક વેહિકલ્સ અને મોબાઈલ-કૉમ્પ્યુટર અને મુખ્યત્વે તો બૅટરીઝમાં સિલ્વરના ઉપયોગને પગલે વધેલી માગ દરોમાં ઊર્ધ્વગતિનું કારણ બન્યાં છે. ચાંદીની માગમાં અડધોઅડધ ઉછાળો તેના ઔદ્યોગિક ઉપયોગને આભારી છે અને અપેક્ષા એવી છે કે, આગામી સમયમાં સાડા ત્રણ લાખના અૉલટાઈમ હાઈ સુધી આ ચળકતી ધાતુ પહોંચી જશે.
ભારતમાં ચાંદીનું ઉત્પાદન ઓછું હોવાને કારણે આપણે આયાત પર નિર્ભર છીએ. મૅક્સિકો,
ચિલી, બોલિવિયા, આર્જેન્ટિના તથા પેરુ જેવા લેટિન અમેરિકન દેશો ચાંદીનાં ઉત્પાદનમાં
મોખરે છે, પણ હાલ યુએસએના બદલાતા તેવર અને આ દેશોનાં કુદરતી સંસાધનો પર જગત જમાદાર
સમા દેશનો ડોળો હોવાથી ચાંદીનું ઉત્પાદન દબાણ હેઠળ છે. વળી, રશિયા-યુક્રેન ઉપરાંત ઈરાનમાં
અનિશ્ચિતતા, ચીન-તાઈવાન સંઘર્ષ ઉપરાંત અમેરિકાની ટેરિફ અંધાધૂંધીને કારણે વૈશ્વિક અર્થતંત્ર
દબાણ હેઠળ છે. અનિશ્ચિતતાના આવા કાળમાં રોકાણકારો સોનાને સુરક્ષિત ગણે છે અને તેમાં
રોકાણ વધારે છે, પરંતુ સોનામાં પણ તેજીને કારણે ચાંદી પર પસંદગીનો કળશ ઢોળાતો હોવાનું
જોવા મળે છે. વળી, ઉત્પાદન કરતાં ચાંદીની માગ વધુ હોવાને કારણે પણ ભાવ વધી રહ્યા છે.
અૉક્ટોબર, 2024માં ચાંદી કિલોદીઠ એક લાખ પર પહોંચી હતી અને ત્યાંથી બે લાખના આંકડા
સુધી પહોંચતાં 14 મહિના લાગ્યા હતા, 12મી ડિસેમ્બર, 2025ના રોજ આ સીમાચિહ્ન વટાવ્યા
બાદ એક મહિનાથી થોડા વધુ સમયમાં ત્રણ લાખને પાર પહોંચી ગઈ છે. એમ તો ચાંદીમાં એકાએક
કડાકો બોલવાનો ભય પણ છે. જોકે, પરિબળો અને પરિસ્થિતિ જોતાં હાલ તુરત તો આમાં કોઈ ફેરફાર
થાય એવી શક્યતાઓ ઓછી જણાય છે.