પ્રયાગરાજમાં માઘ સ્નાન સમયે બનેલી ઘટનાએ કડકડતી ઠંડીના વાતાવરણમાં પણ ગરમી લાવી દીધી છે. ધર્મ કે રાજકારણ સંદર્ભે વિવાદ થતાં રહે છે, પરંતુ અહીં વિવાદ હિંદુ ધર્મના સર્વોચ્ચ ગણાતા વ્યક્તિઓ પૈકીના એક એવા શંકરાચાર્યની આસપાસ છે. કોણ સાચું? કોણ ખોટું? તેની ચર્ચા કદાચ અનંત છે, પરંતુ આ વિવાદનો શક્ય તેટલો જલદી અંત આવવો જરૂરી છે. કારણ કે, સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાને તીવ્ર રાજકીય સ્વરૂપ પણ આપવામાં આવી રહ્યું છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પ્રયાગમાં માઘ
સ્નાન માટે ગયા ત્યારે તંત્રએ તેમને અટકાવ્યા ત્યારથી વિવાદ શરૂ થયો છે. સ્વામી અને
તેમના અનુયાયીઓ રોષે ભરાયા છે. તંત્રએ પોતાના ખુલાસા કરી દીધા છે, પરંતુ હવે પ્રકરણ
બંને પક્ષના પોતાના પણ હાથમાં નથી. પહેલા દિવસે સ્નાન સંદર્ભે તંત્ર અને સ્વામીના સમુદાય
વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ તેઓને એવું કહેવામાં આવ્યું કે, શંકરાચાર્ય પદનો
દાવો તમે સાબિત કરો. સુપ્રીમ કોર્ટમાં થયેલી એક અપીલને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ
કહ્યું કે, અૉક્ટોબર-2022માં જ્યોતિર્પીઠમાં નવા અભિષેક ઉપર પ્રતિબંધ મુકાયો હતો. માઘમેળા
વખતે વહીવટી તંત્રએ તેમને કહ્યું છે કે, તેઓ શંકરાચાર્ય છે તેવું 24 કલાકમાં સાબિત
કરે.
આ ઘટના થોડી ચોંકાવનારી છે. મધરાત્રે અધિકારી શિબિરમાં
જઈને નોટિસ પાઠવે તો તેની ચર્ચા વધારે થાય તે સ્વાભાવિક છે. સ્વામીએ તો પ્રશાસન સંદર્ભે
ગંભીર આરોપ લગાવ્યા છે. મૂળ મુદ્દો મધરાત્રે નોટિસ ફટકારવા ઉપરાંત આ સાબિતી મગાયાનો
પણ છે. અહીં સૌથી અગત્યની બાબત એ છે કે, પ્રયાગ જેવું સ્થળ માઘ સ્નાન જેવો અવસર છે
ત્યારે શંકરાચાર્ય કે કોઈપણ સંત-સાધુ સંદર્ભે વિવાદ થાય તે યોગ્ય નથી. બંને પક્ષે ઉકેલ
તરફ જવું જોઈએ અને વિવાદ આગળ ન વધે તેવા પ્રયાસ થવા જોઈએ.