• શનિવાર, 16 મે, 2026

કેરલમમાં સતીશન : દેર આયે દુરસ્ત આયે

ચૂંટણી વખતે વિરોધીઓ ડાબેરી પક્ષો તો ઠીક પોતાની પાર્ટીના જ નેતાઓ પીઠ પાછળ જેની ઠેકડી ઉડાડી હોય એવા કેરલમના વિરોધી પક્ષ નેતા વી. ડી. સતીશનને મુખ્ય પ્રધાન બનાવવાનો કૉંગ્રેસનો નિર્ણય દેર આયે મગર દુરસ્ત આયે એવો છે. વિધાનસભામાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને (યુડીએફ) સૌથી ઓછી બેઠકો મળી તો હું રાજકારણ છોડી દઈશ, એવો સતીશનનો વિશ્વાસ મશ્કરીનું કારણ બન્યું હોવા છતાં 140માંથી 102 બેઠકો ગઠબંધનને અપાવવામાં તેમનું યોગદાન મોટું હતું. કૉંગ્રેસ મોવડીમંડળે મુખ્ય પ્રધાનપદનો નિર્ણય લેવામાં દસ દિવસ કાઢી નાખ્યા અને સ્થાનિક નેતાની જગ્યાએ દિલ્હીમાં ગાંધી પરિવારની નિકટની વ્યક્તિને મુખ્ય પ્રધાન બનાવવાની હિલચાલ પણ ચાલી. દેશમાં માંડ ચાર રાજ્યોમાં (કર્ણાટક, તેલંગણા, હિમાચલ અને હવે કેરલમ) સરકાર ધરાવતી કૉંગ્રેસને આખરે કાર્યકર્તાઓની માગ અને ગઠબંધનમાંના સાથી-પક્ષોના આગ્રહ સામે ઝૂકવું પડયું હોય એવું જણાય છે.

કેરલમમાં કૉંગ્રેસને 102માંથી 63 બેઠકો મળી છે, પણ ચૂંટણી પહેલાંના મોરચા યુડીએફે રાજ્યમાં સદી કરી અને આમ બે તૃતીયાંશ કરતાં વધુ બહુમતી હોવા છતાં ચોથી મેએ આવેલાં ચૂંટણી પરિણામ બાદ દેશના સૌથી જૂના રાજકીય પક્ષે અનેક ચર્ચા-વિચારણાઓ બાદ સતીશનને નાયિક્કુમ એટલે કે કેરલમના નાયક બનાવ્યા છે. એમ તો રાહુલ ગાંધીના નિકટવર્તી અને દિલ્હીના દરબારી કે. સી. વેણુગોપાલનું નામ પણ સીએમની રેસમાં આગળ હતું. મક્કમ પીઠબળ ધરાવતા સ્થાનિક લોકપ્રિય નેતાને મુખ્ય પ્રધાનપદ ન આપવું, કેમ કે તે વધુ કદાવર થઈ જશે તો પક્ષના મોવડીઓને નહીં ગાંઠે એવી કૉંગ્રેસની વર્ષો જૂની ગણતરી રહી છે. પણ સતીશનના કિસ્સામાં તેમને જૂની રૂઢિ તોડવી પડી છે, કેમ કે એક તો સાથી પક્ષ મુસ્લિમ લીગે (જેની બાવીસ બેઠકો છે) સતીશનના નામને ટેકો આપ્યો હતો. બીજું, સ્થાનિક સ્તરે પણ મુખ્ય પ્રધાન દિલ્હીનો નહીં એવી ભાવના હતી, જે કમને પણ સ્વીકારવાની ફરજ પડી છે. એમ તો રેસમાં અન્ય નામ પણ હતાં, પણ પસંદગીનો કળશ સતીશન પર ઢોળાયો.

સતીશન સામે પડકારો અનેક છે. એક તો કેરલમની આર્થિક વૃદ્ધિનો વેગ દક્ષિણનાં રાજ્યોમાં સૌથી ઓછો છે. આ ઉપરાંત, યુવાનોમાં બેરોજગારીનું ઊંચું પ્રમાણ. આ ઉપરાંત, ચૂંટણીમાં યુડીએફે આપેલાં વચનો પૂરાં કરવાં માટે સરકારી તિજોરી પર મોટી તાણ આવશે, એ માટે નાણાં ક્યાંથી ઊભાં કરવાં એ પ્રશ્ન પણ છે. રાજકીય પડકાર ડાબેરીઓ અને ભાજપ એમ બેતરફી રહેશે. રાજ્ય વિધાનસભામાં ભાજપે પહેલીવાર ત્રણ બેઠકો અને 11 ટકાથી વધુ મત હિસ્સો મેળવ્યો છે. તો, મુસ્લિમ લીગના ટેકાથી મુખ્ય પ્રધાન બનેલા સતીશન માટે રાજ્યમાં ધાર્મિક સંતુલન જાળવવાનો પડકાર પણ છે. હવે, આ નવા કેરલમ મૉડેલને સફળતા મળે એ કૉંગ્રેસના ભાવિ માટે પણ મહત્ત્વની બાબત ઠરશે.