અમેરિકાની યુદ્ધખોરીને લીધે હવે આખા વિશ્વના દેશોએ સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલો વધારો અનેક વસ્તુની કિંમતો વધારવામાં નિમિત્ત બનશે. ગૅસની અછતને લીધે ખાદ્ય વસ્તુ, બહારના ભોજનની કિંમત વધી જ ગઈ હતી. દૂધના ભાવમાં તો વારંવાર વધારો થતો રહે છે હવે અન્ય વસ્તુઓની કિંમત વધશે. એ સમજી જ શકાય કે ઈંધણનો આ ભાવવધારો સરકારની મરજીથી થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અૉઈલ 100થી 120 ડૉલર પ્રતિબેરલ થયું. ભારત 90 ટકા જેટલું કાચું તેલ આયાત કરે છે માટે આ ભાવવધારો તેને સીધો અસર કરે જ. છતાં જન સામાન્ય તો એવું જ માને અને ઈચ્છે કે આપણને મોંઘવારીથી બચાવવાની જવાબદારી આપણી સરકારની છે.
ઈરાન-અમેરિકા, ઇઝરાયલના
યુદ્ધને લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન અસરગ્રસ્ત છે.
આ સ્થિતિ તો અઢી માસથી છે. કૉમર્શિયલ ગૅસના ભાવ વધ્યા તેને એક માસ થવા આવ્યો. સરકારી
પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ 1600 કરોડ સુધીની ખોટ સહન કરીને ઈંધણના ભાવ ટકાવી રહી હતી,
પરંતુ હવે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે તે સ્પષ્ટ છે. ચાર વર્ષથી ઈંધણના ભાવ સ્થિર
હતા.વડા પ્રધાને રવિવારે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નિયંત્રિત કરવાની સલાહ આપી ત્યારે જ
નક્કી હતું કે હવે કિંમત વધશે. શુક્રવારે વહેલી સવારે સમાચાર હતા કે પેટ્રોલ હવે
97 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલ 93 રૂપિયે મળશે. ઈંધણનો ભાવવધારો થાય એટલે મોંઘવારીની
આગની જ્વાળા વધારે ઝડપથી ફેલાય. શાકભાજી, દૂધથી લઈને માણસોનું પરિવહન, મુસાફરી પણ હવે
મોંઘાં થવાનાં.
સત્તાવાર આંકડા પણ કહે
છે, મોંઘવારી વધી રહી છે - વધી ગઈ છે. માર્ચ 2026માં ફુગાવાનો દર 3.88 ટકા હતો જે વધીને
એપ્રિલમાં 8.30 ટકા સુધી પહોંચી ગયો છે. પેટ્રોલિયમ પેદાશોમાં મોંઘવારી એપ્રિલમાં
88.06 ટકા રહી છે, માર્ચમાં 51.5 ટકા હતી. જથ્થાબંધ ફુગાવો વધ્યો છે. અૉઈલના ભાવમાં
હજી વધારો થવાની પૂરતી સંભાવના છે. યુદ્ધ માનવ સર્જિત આફત છે તો બીજી તરફ અલ નીનોની
સ્થિતિ પણ છે.
એક તરફ યુદ્ધને લીધે
ઉદ્ભવેલું સંકટ, બીજી તરફ કુદરતનો સંભવિત કોપની વચ્ચે અત્યારે વિશ્વ ઝઝૂમી રહ્યું છે
ભારતની સ્થિતિ વિશિષ્ટ છે. વસ્તી, જરૂરતો, સંસાધનોનો ઉપયોગ અન્ય દેશ કરતાં વધારે છે.
અત્યારે જ પેટ્રોલના ભાવ વધારાથી ઉચાટની સ્થિતિ છે. આગળ શું થશે તે જોવાનું છે, હજી
અત્યંત મુશ્કેલ સંજોગ નથી પરંતુ તેનાં વાદળ તો ઘેરાઈ ગયાં છે.