• શનિવાર, 13 જૂન, 2026

શિવકુમાર પર દાવ : કૉંગ્રેસની લાંબી ગણતરી

છેલ્લા કેટલાક સમયથી પક્ષના આંતરિક બાબતોમાં અઘરા નિર્ણય ટાળતા રહેવાની નીતિ અખત્યાર કરનાર રાહુલ ગાંધીએ આખરે કર્ણાટકમાં હિંમત બતાવીને પક્ષની સરકારનો ચહેરો બદલાવ્યો છે. મુખ્ય પ્રધાન એન. સિદ્ધારમૈયાએ રાજીનામું આપીને સરળતાથી ડી.કે. શિવકુમારને શાસનધુરાની સોંપણી કરી છે. શિવકુમાર ત્રીજી જૂને રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. ચૂંટણીઓમાં એક પછી એક કારમા પરાજયને લીધે કૉંગ્રેસના હાઈ કમાન્ડનો આત્મવિશ્વાસ હચમચાવી ગયો હતો. જે કેરળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત પછી પુનઃ મજબૂત બન્યો છે. અહીં એ નોંધનીય છે કે, મોવડીમંડળના આદેશ પર કોઈ મુખ્ય પ્રધાન ખુરશી છોડીને અનુગામીને સત્તાનું હસ્તાંતરણ કરે એવું 22 વર્ષ પહેલાં બન્યું હતું. 2004માં કેરળના મુખ્ય પ્રધાન એ. કે. એન્ટોનીએ તત્કાલીન કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના કહેવાથી સહજતાથી ઓમન ચાંડી માટે રાજીનામું આપી દીધું હતું.

રાજીનામું આપનાર સિદ્ધારમૈયાએ રાજ્યસભામાં ચૂંટાઈને દિલ્હીની રાજનીતિની અૉફર નકારી કાઢીને અને કર્ણાટકના રાજકારણમાં જ રહેવાની મરજી જાહેર કરી છે. આમ તો 2023ની ગઈ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપનો ગઢ ધ્વસ્ત કરીને કર્ણાટકમાં ફરી સત્તા હસ્તગત કરી એ સફળતામાં ડી. કે. શિવકુમારની મોટી ભૂમિકા હતી. તેમના ઊર્જાવાન નેતૃત્વએ રાજ્યના કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં ચેતનાનો સંચાર કર્યો હતો. એટલું જ નહીં તેમણે કેન્દ્રીય એજન્સીઓના તપાસના દબાણનોય સામનો કરવો પડÎો હતો.

ચૂંટણીનાં પરિણામો પછી ડીકેએ પોતાને મુખ્ય પ્રધાનપદે જોવા માટે કાર્યકર્તાઓ આતુર હોવાનો મત જાહેરમાં પ્રગટ કર્યો હતો, છતાં કૉંગ્રેસ મોવડીમંડળે તેમને નજરઅંદાજ કરીને નાયબ સીએમ પદ આપ્યું અને મુખ્ય પ્રધાનની ખુરશીએ સિદ્ધારમૈયાને  બેસાડયા હતા. ત્રણ વર્ષ પછી કૉંગ્રેસ નેતૃત્વને આવનારી નવી ચૂંટણીનો અંદાજ આવી ગયો હોય તેમ ડી. કે. શિવકુમારને રાજ્યની બાગડોર સોંપી દીધી છે. કૉંગ્રેસે યોગ્ય સમયે યોગ્ય ઉમેદવારને પસંદ ન કરવાની ચૂક ભૂતકાળમાં કરી છે અને એની કિંમતે ચૂકવી છે.

કર્ણાટકમાં  સત્તાનાં સમીકરણ બદલાયાં પછી કૉંગ્રેસમાં તેના વમળ અનુભવાઈ રહ્યાં છે. સિદ્ધારમૈયાના સમર્થકો દ્વારા થતાં વિરોધ પ્રદર્શન પક્ષ માટે ચિંતાનો વિષય છે. અલબત્ત મળતા સંકેતો મુજબ નવા પ્રધાનમંડળમાં સિદ્ધારમૈયાના વફાદારોને પણ સ્થાન મળવાની સંભાવના છે. ડી. કે. શિવકુમાર સામે હવે કર્ણાટકની બાગડોર સંભાળીને સુશાસન સ્થાપવા ઉપરાંત 2028ની આવનારી ચૂંટણી માટે પક્ષને તૈયાર કરવાનો અને કૉંગ્રેસમાં બધાનો વિશ્વાસ જીતવાનો એમ ત્રેવડો પડકાર છે. કર્ણાટક અગાઉ ભાજપનો ગઢ રહી ચૂક્યું છે એટલે હવેની પરીક્ષામાં શાસન વિરોધી પરિબળો ન ઉદ્ભવે એ પણ ડીકેએ જોવું રહ્યું. એ ધ્યાન રહે કે, કૉંગ્રેસ સમક્ષ સૌથી મોટો પડકાર પછાત વર્ગો લઘુમતી અને અંત્યજોનું સમર્થન જાળવી રાખવાનો છે. આ વર્ગોમાં સિદ્ધારમૈયાની મજબૂત પક્કડ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક