હોર્મુઝની સામુદ્રધુની પર સર્જાયેલું સંકટ એ માત્ર ભૌગોલિક કે રાજકીય વિવાદ નથી. વૈશ્વિક સ્તરે દરિયાઈ માર્ગે થતાં ખાતરના કુલ વેપારનો આશરે ત્રીજો ભાગ આ સાંકડા જળમાર્ગ પર નિર્ભર છે. આથી, ત્યાં થતી કોઈપણ હલચલ સીધી રીતે ભારતનાં ખેતરો, સામાન્ય નાગરિકોનાં રસોડાં અને સરવાળે સરકારની તિજોરી પર આર્થિક પ્રહારો કરે છે. હોર્મુઝમાં ટ્રાફિક અવરોધાતાં જ વૈશ્વિક બજારમાં યુરિયાના ભાવ બમણા અને ડીએપીના ભાવ 35 ટકા સુધી ઊછળ્યા છે. ભારત પોતાની જરૂરિયાતના નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તેમ જ ઘરેલુ ખાતર ઉદ્યોગ માટેના મુખ્ય કાચા માલ એવા એલએનજી અને સલ્ફર માટે પશ્ચિમ એશિયા પર ભારે નિર્ભર છે. પરિણામે, આ આંતરરાષ્ટ્રીય ભાવવધારો ભારતમાં ખાતર સબસિડીના અંદાજોને ખોરવી નાખે છે.
ખાસ કરીને ખરીફ પાકની વાવણીના ટાણે જ આ સંકટ અને અલ
નિનોની આશંકાથી નબળા ચોમાસાની આગાહીને લીધે સરકારે યુરિયા અને ડીએપીની માગના અંદાજો
ઘટાડવા પડયા છે. આ આયાતી મોંઘવારીની સીધી અસર ખેડૂતોના ખર્ચ પર પડે છે, જે તેમની નફાકારકતા
ઘટાડે છે અને ગ્રામીણ વપરાશની માગને નબળી પાડે છે. આ કટોકટી લાંબી ખેંચાઈ તો ખાદ્ય
મોંઘવારીમાં પરિણમશે, જે આમ આદમીના ઘરના બજેટને ખોરવી નાખશે. ખાદ્ય ઉત્પાદકો અને એગ્રો-પ્રોસાસિંગ
ઉદ્યોગો માટે પણ કાચા માલનો ખર્ચ વધશે. આ સ્થિતિનો વાસ્તવિક ઉકેલ માત્ર સબસિડી વધારવામાં
નથી, કારણ કે તે માત્ર ‘સપ્લાય શોક’ને ‘સ્પેન્ડિંગ શોક’ (નાણાકીય બોજ)માં ફેરવે છે. સરકારે યુરિયાને પણ ન્યુટ્રિઅન્ટ બેઝ્ડ
સબસિડી હેઠળ લાવવું પડશે, જેથી તેનો અતિરેક અટકે અને જમીનનું સ્વાસ્થ્ય જળવાય. લાંબા
ગાળાની સુરક્ષા માટે નેનો યુરિયા, બાયો-ફર્ટિલાઇઝર્સ અને ગ્રીન એમોનિયા જેવા સ્થાનિક
વિકલ્પો ઝડપથી અપનાવવા પડશે. સાથે જ હોર્મુઝને બાયપાસ કરવા સાઉદી અરેબિયાના લૅન્ડ-ઍન્ડ-સી
રૂટ જેવા વૈકલ્પિક સપ્લાય લૉજિસ્ટિક્સ વિકસાવવા પર ભાર મૂકવો પડશે.
હોર્મુઝમાં શું થશે એના પર આપણું નિયંત્રણ નથી, પણ
સ્માર્ટ ખાતર નીતિ, વૈવિધ્યસભર આયાત સ્રોતો અને વૈજ્ઞાનિક ખેતી દ્વારા દેશની આંતરિક
ક્ષમતા અને આત્મનિર્ભરતા ચોક્કસ મજબૂત કરી શકીએ છીએ. પડકાર મોટો છે અને તેની સામે ઝઝૂમવા
સિવાય વિકલ્પ નથી. સમય પાતળો છે, પણ ખમીર જાળવવાનું છે.