• શનિવાર, 13 જૂન, 2026

કભી નરમ, કભી ગરમ ટ્રમ્પ; આ વખતે બોલ્યું પાળજો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ એકવાર યુદ્ધનો રાઉન્ડ શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે નરમ વલણ લીધું છે. અમેરિકી પ્રમુખે કહ્યું છે કે, તેહરાન સાથે લડાઈ પોતે બંધ કરી રહ્યા છે અને બહુ જલદી સંધિ થઈ જશે. બીજી તરફ, ઈરાને પણ હોર્મુઝ ખાડી ખોલી નાખવાના સંકેત આપ્યા છે. લાંબા સમયથી સર્જાયેલો તનાવ હળવો થવાની ઊજળી સંભાવનાએ શૅરબજારનો મૂડ સુધારી દીધો છે. શુક્રવારે મુંબઈ સ્ટૉક એક્સ્ચેન્જનો સૂચકાંક 1700 અંક ઊછળતાં રોકાણકારોને 10 લાખ કરોડનો ફાયદો થયો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીથી જનજીવન અને પ્રકૃતિ બેહાલ હોય ને વરસાદી વાદળ વરસે ત્યારે કેવી રાહત અનુભવાય એવું જ કંઈક શ્રીમાન ટ્રમ્પના હળવા બનેલા મિજાજ પછી જણાઈ રહ્યું છે, પરંતુ આ વાદળ રાહતનાં છે કે નહીં એ કહેવું અનિશ્ચિતતાભર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેના યુદ્ધ પછી ત્રીસથી વધુ વાર ડીલ કે સમજૂતીનું એલાન કરી ચૂક્યા છે. `અભી બોલા અભી ફોક' કરવું એમના માટે નવી વાત નથી. ટ્રમ્પની માન્યતા કે ધારણા કે પ્રસ્તાવને ઈરાન કઈ રીતે સ્વીકારે છે એ જોવું મહત્ત્વનું બની રહેશે. ટ્રમ્પ ઈરાન પાસેથી હોર્મુઝ જળમાર્ગ વિનાશરત ખુલ્લો મુકાય અને  પરમાણુ કાર્યક્રમ પડતો મુકાય એવી ખાતરી માગી રહ્યા છે, જેનો તેહરાનના શાસકો તરફથી ઇનકાર થતો આવ્યો છે.

ટ્રમ્પ કેવા અણધાર્યા છે એનો ખ્યાલ એ વાત પરથી આવશે કે, હજુ ગુરુવારે રાત્રે જ તેમણે ઈરાનને નેસ્તનાબૂદ કરવાની આકરી ધમકી આપી હતી. ગુરુવારે સવારે જ અમેરિકાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. જેના જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને જોર્ડનને નિશાન બનાવતાં મિસાઇલ-ડ્રૉન છોડયાં હતાં. અખાતી દેશનાં કુલ 18 સ્થાનો ઈરાનનું લક્ષ્ય બન્યાં હતાં.

અમેરિકા-ઇઝરાયલની સંયુક્ત શક્તિને પહોંચી વળવું ઈરાન માટે લાંબાગાળે શક્ય ન જ હોય, છતાં તેણે પોતાની વ્યૂહાત્મક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને લશ્કરી આક્રમણનો લગાતાર મજબૂત જવાબ આપ્યો છે. અમેરિકાએ પણ યુદ્ધમાં આર્થિક અને વિમાન-ડ્રૉન સહિત સંરક્ષણ સરંજામને ભારે નુકસાન સહન કરવું પડયું છે. ઇઝરાયલની લડાઇમાં ટ્રમ્પ કૂદી પડયા અને લશ્કરી મોરચે ભારે ખુવારી સહન કરવી પડી એનો ટ્રમ્પ વહીવટી તંત્રના ભાગીદારો અને અમેરિકી જનતા જવાબ માગી રહી છે. તાજેતરના એક સર્વેક્ષણ મુજબ ટ્રમ્પની લોકપ્રિયતામાં ખાસ્સો એવો ઘટાડો થયો છે.

ઈરાન સાથેના યુદ્ધથી જાન-માલની ખુવારી તો થઈ છે, પણ વિશ્વની શાંતિ હણાઈ ગઈ છે. તેલ-ગૅસ કટોકટી અને ભડકે બળતા ઈંધણના ભાવની તીવ્ર અસરથી વિકાસશીલ અને વિકસિત દેશો પણ પરેશાન છે. ટ્રમ્પની આ વખતની શાંતિ માટેની ખાતરી ટકાઉ નીવડે તો દુનિયાને મોટી રાહત થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક