અઠંગ રાજકારણી શરદ પવારે સોય ઝાટકીને કહ્યું છે કે, અમે ક્યાંય જવાના નથી, જેને આવવું હોય તે અમારી સાથે આવી શકે છે. છેલ્લા થોડા સમયથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં બે જૂથના વિલીનીકરણની વાતો તથા પવાર સિનિયર પણ ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનમાં જોડાઈ જશે, એવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય એવું માનવામાં આવે છે. અજિત પવાર જૂથ ભાજપ સાથે રાજ્યમાં સત્તામાં છે અને આ એક કારણસર જ આ જૂથનું અસ્તિત્વ અને શક્તિ અકબંધ છે. આથી, અજિત પવાર જૂથના નેતાઓ તો પહેલેથી જ બન્ને રાષ્ટ્રવાદીઓના વિલીનીકરણના વિરોધી છે. એટલું જ નહીં, અમે એનડીએના ઘટક પક્ષ છીએ અને રહીશું એવાં નિવેદનો પણ આ જૂથના નેતાઓ વારંવાર કરે છે. આમ છતાં તેમાં આંતરિક વિખવાદ પણ છે અને વારંવાર એ સપાટી પર આવતા હોવા છતાં શરદ પવાર સાથે જવામાં તેમને રસ નથી, કેમ કે એક કાળના રાજકીય ચાણક્ય અને તેમનો પક્ષ બધી જ રીતે અત્યારે નબળા પડયા છે. જોકે, શરદ પવારનું આગળનું પગલું શું હશે એનો કયાસ આટલાં વર્ષોમાં કોઈ કાઢી શક્યું નથી અને તેઓ પણ બોલવું એક, કરવું બીજું અને સિગ્નલ કંઈક ત્રીજું જ આપવું એ કળામાં માહેર છે. હાલમાં, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં વાતાવરણ ગરમ હોવા છતાં શરદ પવારે ન તો આ બાબતમાં કોઈ નિવેદન આપ્યું છે અને ન તો પક્ષની બેઠકમાં તેના પર ચર્ચા થઈ છે. આ ઉપરાંત, મતદાર સંઘ પુનર્રચના ખરડાને ટેકો આપવાની તેમના પક્ષની કહેવાતી તત્પરતા અને અૉક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બારામતીની મુલાકાત લેવાના છે, એ જોતાં શરદ પવારનું એમ કહેવું કે, અમે કોઈની સાથે જવાના નથી એ વાત ગૂગલી સાબિત થઈ શકે છે, પવાર પક્ષના વિલીનીકરણ વિના એનડીએમાં જોડાશે? 1999થી અનેક વાર એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, શરદ પવાર ભાજપ સાથે ગઠબંધન કરશે, પણ તેઓ દર વખતે આવું કરવાનું ટાળતા રહ્યા. આખરે, અજિત પવારની ધીરજ ખૂટી અને તેમણે કાકા સાથે છેડો ફાડયો અને શરદ પવાર રાજકીય કારકિર્દીમાં પહેલીવાર નબળા પડયા છે. હવે, બન્ને રાષ્ટ્રવાદીના ભાવિ સામે પ્રશ્નાર્થ છે. અજિત પવારનો પુત્ર પાર્થ લગામ પોતાના હાથમાં રાખવા માગે છે, આથી પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેનો સમાવેશ ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પક્ષના પદાધિકારીઓની યાદીમાં નથી. આ બાબતને વહીવટી ભૂલ ગણાવાઈ હતી, પણ ચાર મહિના પછી પણ એ સુધારાઈ નથી.