ચીનનો જ્યાં લગાતાર વર્ચસ્વવાદી એજન્ડા અમલમાં હોય છે એ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં બળ કે દબાણથી વર્તમાન પરિસ્થિતિ બદલવા સામે `ક્વાડ' દેશોની ચેતવણીનો મતલબ સ્પષ્ટ છે કે, બીજિંગની વિસ્તારવાદી નીતિ અને કથિત દાદાગીરીને કોઈ ચલાવી લેશે નહીં. હકીકતમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વેપાર-વ્યવહાર ઉપરાંત સુરક્ષાની દૃષ્ટિએ પણ ભારે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ચીન આ ક્ષેત્રમાં વારંવાર ચંચુપાત કરીને પોતાની તલવાર વીંઝવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. ભારત, અમેરિકા, જાપાન અને અૉસ્ટ્રેલિયા એ `ચાર દેશો'એ આ ક્ષેત્રમાં કાયમી શાંતિ, સ્થિરતા અને મુક્ત વ્યવહાર જળવાયેલો રહે એ સુનિશ્ચિત કરવા વ્યૂહાત્મક સુરક્ષા મંચની રચના કરી છે જેને ચતુષ્કોણીય સુરક્ષા સંવાદ-ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ-`ક્વાડ' તરીકે ઓળખવામાં આવે છે.
ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં આયોજિત ક્વાડ શિખર સંમેલનના ઘોષણાપત્રમાં કોઈ દેશના નામોલ્લેખ વિના કેટલીક બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે. એક તો ચારે દેશ અસ્થિરતા ઊભી કરતી એકપક્ષીય કાર્યવાહીનો સખત વિરોધ કરે છે, ઉપરાંત મનસ્વી રીતે નિકાસ પ્રતિબંધો લાદીને આર્થિક દબાણ ઊભું કરતી યુતિઓને પણ કોઈ સ્થાન ન હોવું જોઈએ. `ક્વાડ' બેઠકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી આ સંગઠનની અગત્યતા દર્શાવે છે. થોડાં વર્ષ પહેલાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન આપવાની જરૂરત જણાતાં 2007માં આ જ શહેર-મનિલામાં ચારે દેશના અધિકારીઓએ વિચાર-વિમર્શ કર્યો હતો, ત્યારબાદ દસ વર્ષ પછી 2017માં ફરીથી વાતચીતનો તંતુ સાધવામાં આવ્યો અને જ્યારે મનિલામાં ચારે દેશના રાષ્ટ્રાધ્યક્ષો મળ્યા તેનાથી એ પ્રમાણ મળ્યું છે કે, આ ક્ષેત્રની સુરક્ષા અને પોતાનાં હિતોના રક્ષણ માટે `ક્વાડ' એકદમ ગંભીર છે.
અહીં એ નોંધનીય છે કે, ચીનને `ક્વાડ'ની રચના અને પ્રવૃત્તિ પહેલેથી નાપસંદ છે. એ આ સંગઠનને પોતાના વિરોધની ઝુંબેશ હોવાનું માનતું રહ્યું છે. `ક્વાડ'ની અધ્યક્ષતા ભારતે કરવાની હતી. ગયા વર્ષે જ ભારતે શિખર સંમેલનની યજમાનીનું આયોજન કર્યું હતું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળતાં જ ટેરિફ, પેટ્રોલ તેમ જ શાંતિના નોબેલ એજન્ડા આગળ ધરીને ઈરાન યુદ્ધમાં પરોવાઈ ગયા હતા એટલે `ક્વાડ'ની બેઠક ઠેલાતી રહી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સંગઠન માટે ખૂબ આશાવાદી જણાય છે. તેમણે આ સંગઠનને રચનાત્મક અને ભરોસામંદ લેખાવતાં કહ્યું કે, દરિયાઈ સુરક્ષા, વિશ્વસનીય સપ્લાય ચેઈન, નવી ટેક્નૉલૉજી અને આપત્તિ વ્યવસ્થાપન જેવાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવાનો વ્યાપક અવકાશ છે.
આ બેઠકની પાશ્ચાદભૂમાં મોદીની ટ્રમ્પ સાથેની બેઠક મહત્ત્વપૂર્ણ રહી. ઘરઆંગણે મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સના શાનદાર દેખાવથી ટ્રમ્પની તાકાત ક્ષીણ થઈ છે. મોદી પ્રત્યે તેમણે હંમેશની જેમ સ્પેશિયલ ટિપ્પણી કરીને તેમને મજબૂત નેતા લેખાવ્યા.
ક્વાડની મનિલા શિખર બેઠક મહત્ત્વપૂર્ણ રહી. આ સંગઠન કોઈ દેશ પર દબાણ ઊભું કરવાથી દૂર રહીને પારસ્પરિક સહયોગ સાધીને રચનાત્મક ભૂમિકા નિભાવી રહ્યું છે. ચારે દેશો ચીન સાથેના પોતાના દ્વિપક્ષીય સંબંધોને અલગ રાખીને સામૂહિક હિતો પર ધ્યાન કેન્દ્રિત કરે એ જરૂરી છે.