ફિક્કીના વાર્ષિક સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં અત્યંત મહત્ત્વનો, સૌને સ્પર્શતો અને સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે કૉર્પોરેટ ટૅક્સ 30 ટકાથી ઘટાડી બાવીસ ટકા કર્યો, સાથે જ વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી, આ પગલાંનો આશય અર્થતંત્રને વેગ આપવાનો તથા ઉદ્યોગોને વિસ્તરણ માટે પ્રોત્સાહિત કરવાનો હતો. વડા પ્રધાને સીધો સવાલ પૂછ્યો કે - આટલી કરરાહતો સરકારે આપી, આની સામે કંપનીઓએ પોતાના કર્મચારીઓના વેતનમાં કેટલો વધારો કર્યો? કેટલા નવા રોજગારોનું સર્જન કર્યું? નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી ઔપચારિક ટકોર નથી પણ વર્તમાન આર્થિક માળખાની વાસ્તવિક વિસંગતતા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. સરકારે જીએસટીમાં વ્યાપક સુધારણા કરી અને એ કર માળખાને વ્યવસ્થિત કર્યું અને એનો લાભ ગ્રાહકોને આપવામાં કંપનીઓ-વેપારીઓએ સક્રિયતા દાખવતાં અર્થતંત્ર ફૂલગુલાબી થયું હતું, એ ઉદાહરણ તાજું છે. રાહુલ ગાંધી વિદેશોમાં જાહેર મંચ પરથી ભારતીય અર્થતંત્રની પાયમાલીની વાતો કરે છે તથા બેકારી અને ઉત્પાદન ક્ષેત્ર નબળું પડ્યાની રોક્કળ કરે છે. આ બધાનો જવાબ પણ એક રીતે વડા પ્રધાને આ ટકોર દ્વારા આપ્યો છે. સરકારે વિવિધ કરોમાં કપાત કરી એની પાછળનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્રની શક્તિ, રોજગાર વધારવાનો હતો. આનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચશે એવી અપેક્ષા હતી, પણ એ ઉદ્યોગોએ પૂરી કરી નથી. ઉદ્યોગ જગતના અગ્રણીઓએ વડા પ્રધાનની ટકોરની નોંધ લીધી જ હશે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશની ટોચની કંપનીઓના નફામાં અનેકગણો ઉછાળો થયો છે તથા કરરાહતો અને ઈઝ અૉફ બિઝનેસ મોરચે લેવાયેલાં પગલાંને કારણે તેમની બૅલેન્સશીટ પણ સધ્ધર થઈ છે. આનો લાભ શૅરધારકો અને પ્રમોટર્સ સુધી જે ઝડપે પહોંચ્યો છે, એવી ત્વરા કે તત્પરતા સામાન્ય કર્મચારીઓના પગારધોરણોમાં વૃદ્ધિ બાબતે જોવા મળી નથી. સરકારે શ્રમ કાયદાઓમાં પણ કર્મચારીલક્ષી સુધારા કર્યા છે, લઘુતમ વેતનથી લઈને પ્રોવિડન્ટ ફન્ડ તથા અન્ય લાભ દરેક કર્મચારીને મળે એ દિશામાં પ્રયાસ રહ્યા છે. છતાં કંપનીઓ એક યા બીજી રીતે આ લાભથી નોકરિયાતોને વંચિત રાખવાની છટકબારીઓ શોધી લે છે. સરકારી આંકડા મુજબ, 2023 અને 2024માં નિયમિત પગારદાર કર્મચારીઓની સરેરાશ માસિક આવક વાર્ષિક આશરે પાંચ ટકાના દરે વધી હતી. આ સમયગાળામાંના ફુગાવાને ધ્યાનમાં લેતાં આ વધારો લગભગ સ્થિર રહે છે. અર્થશાસ્ત્રનો સાદો-સરળ નિયમ છે કે, બજારમાં વપરાશ ત્યારે જ વધે છે જ્યારે સામાન્ય માણસના હાથમાં ખર્ચવા માટે પૂરતાં નાણાં હોય છે. દેખીતી રીતે જ ઊંચી આવક માગનું સર્જન કરશે અને રોકાણની રિકવરીને મજબૂત બનાવશે. જીડીપીમાં આશરે 60 ટકા હિસ્સો ધરાવતા વપરાશને (ક્ન્ઝમ્પ્શન) ટકાવી રાખવા માટે હવે ઉદ્યોગોએ સ્થિર થઈ ગયેલા વેતન પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. કૉર્પોરેટ જગત નફાનો મોટો હિસ્સો જો રિઝર્વ ફંડમાં જમા કર્યા કરશે અને કર્મચારીઓને વંચિત રાખશે તો લાંબા ગાળે તેની અસર ઘરેલુ માગ પર પડશે. કોઈપણ અર્થતંત્રની સાચી પ્રગતિ માત્ર શૅરબજારના આંકડા કે મોટી કંપનીઓના બૅલેન્સશીટ પરથી માપી શકાતો નથી, છેવાડાના માણસના જીવનધોરણમાં સુધારો થાય તે સાચો વિકાસ થયો ગણાય. વડા પ્રધાને ભલે હળવી શૈલીમાં આ વાત કરી હોય પણ તેની પાછળ સ્પષ્ટ વિચાર છે કે, વિશ્વસ્તરીય ગુણવત્તા અને નાવીન્યની દિશામાં આગળ વધવા માટે કંપનીઓ પાસે કુશળ, સજ્જ અને આર્થિક રીતે સંતુષ્ટ માનવબળ મૂળભૂત જરૂરિયાત છે. આ સંદર્ભમાં નોંધપાત્ર બાબત એ છે કે, સરકારી કર્મચારીઓને સમયાંતરે વેતન અને મોંઘવારી ભથ્થાંમાં વધારો જાહેર થાય છે. પણ, આ લાભ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળતો નથી. વડા પ્રધાનની ટકોરથી સ્પષ્ટ છે કે, તેઓ આ વિસંગતિ પ્રત્યે સજાગ છે.
વડા પ્રધાનની ટકોર બાદ હવે આ મોરચે કૉર્પોરેટ વિશ્વની જવાબદારી છે કે નીતિગત સુધારા અને કરરાહતો દ્વારા સરકારે સર્જેલી સકારાત્મકતાને સંકુચિત દૃષ્ટિકોણથી વેડફી નાખવાને બદલે રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે. ઉત્પાદન અને રોજગાર વધારે.