દુબઈથી તેલ અવિવ જઈ રહેલા ફ્લાયદુબઈનું વિમાન હવામાં પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ હતું ત્યારે ભારતીય પાઇલટ સ્મિત મચ્છર તથા અન્ય પ્રવાસીઓ અને ક્રૂના સભ્યોએ દાખવેલી સમજદારી, અસાધારણ હિંમત તથા યોગ્ય સમયે લેવાયેલા નિર્ણયોની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. જોકે, આ આખી ઘટના પાછળ કેટલાક પ્રશ્નો હજી પણ અનુત્તર છે, 174 લોકોના જીવ બચાવનારા સ્મિત મચ્છર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી વાતચીતનો વીડિયો પણ વાયરલ થયો છે અને જે રીતે કેન્દ્ર સરકાર તથા મુંબઈગરા અને દેશવાસીઓ મચ્છર પરિવારની પડખે ઊભા રહ્યા છે એ અનન્ય છે. વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિના સતત બદલાતાં સમીકરણો વચ્ચે આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસ કેટલી હદે જોખમી બની શકે છે, એનું ઉદાહરણ આ ટળી ગયેલી દુર્ઘટના છે. શક્યતા તો એવી પણ વર્તાવાઈ રહી છે કે વિમાનનું અપહરણ કરી 9-11 જેવી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ હતો. કારણો એવાં અપાઈ રહ્યાં છે કે એક તો આગામી સાતમી અૉક્ટોબરે ઇઝરાયલ પર હમાસ દ્વારા થયેલા હુમલાને ત્રણ વર્ષ થઈ રહ્યાં છે અને બીજું ઇઝરાયલમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હોવાથી એ પહેલાં ભાંગફોડનો ઈરાદો હતો. જોકે, કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની ઉતાવળ ન હોવી જોઈએ, પણ પ્રશ્નો પુછાવા તો જોઈએ જ.
સામાન્યપણે,
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ જ્યાંથી ઉડાણ ભરતી હોય અને જે દેશમાં લૅન્ડ થવાની હોય એ બન્ને વચ્ચેના સંબંધોને જોતાં પાઇલટ્સનું બૅકગ્રાઉન્ડ ચેક કરાતું હોય છે, જે ફ્લાયદુબઈની ફ્લાઈટ બાબતમાં પણ થયું જ હશે. છતાં, પ્રશ્ન એ છે કે, દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાઈટના સહ-પાઇલટ તરીકે ઓમાનનો નાગરિક શા માટે હતો? ફ્લાઈટમાં આટલા મોટા પ્રમાણમાં ઇઝરાયલી નાગરિકો હોવા છતાં ઝીણવટભરી તકેદારી માટે જાણીતો આ દેશ થાપ કેવી રીતે ખાઈ ગયો? એવું કહેવાય છે કે, કો-પાઇલટ માનસિક રીતે અસ્વસ્થ હતો, અત્યારના તબક્કે તો તેના વિશે કોઈ વધુ માહિતી ઉપલબ્ધ નથી અને આ કાવતરું હતું કે માનસિક રુગ્ણ વ્યક્તિની પ્રતિક્રિયા એ પણ સ્પષ્ટ નથી. સાઉદી અરેબિયા, યુએઈ અને ઓમાન જેવા દેશો આ મામલાની તપાસમાં સહકાર આપી રહ્યા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મુલાકાતમાં કહ્યું છે કે, આમાં ઈરાનનો હાથ હોવાની તપાસ થઈ રહી છે. હાલની પ્રવાહી પરિસ્થિતિ જોતાં, આવું કંઈક નીકળ્યું તો શું થશે એની કલ્પના જ કરવી રહી, ખાસ તો ઇઝરાયલમાં ચૂંટણી માથા પર છે ત્યારે. ઇઝરાયલ અને તેની જાસૂસી સંસ્થા મોસાદ આવાં કાવતરાંનો બદલો લેવા માટે જાણીતા છે.
9-11ની ઘટના પછી વિમાનના કૉકપીટની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી અને વિમાન પ્રવાસને લગતા નિયમો પણ આકરા કરાયા હતા. બહારથી વિમાનને જોખમ ન રહે એ માટેના તમામ પ્રયાસો હાથ ધરાય છે, પણ જોખમ કૉકપીટમાં જ હોય ત્યારે શું કરવું? કો-પાઇલટ ચાકુ સાથે વિમાનમાં કેવી રીતે પ્રવેશ્યો એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. હવાઈ યાત્રામાં તકેદારી અને ચોંપ વધશે, પાઇલટોનું ક્રાનિંગ કડક થશે તથા ઈમર્જન્સી સાથે કેવી રીતે કામ પાર પાડવું એની ટ્રાનિંગ પણ પાઇલટ્સને અપાશે, પણ અનેક પ્રશ્નો અનુત્તર છે. સ્મિત મચ્છર તથા અન્યોની બહાદુરીને સો-સો સલામ, કેમ કે તેમણે ઘાયલ હોવા છતાં જે કંઈ કર્યું એ ન કરી શક્યા હોત તો? આ પ્રશ્નનો જવાબ હાલની પરિસ્થિતિમાં કપરો બન્યો હોત.