• બુધવાર, 11 નવેમ્બર, 2026

સમૃદ્ધ, સલામત વિકસિત ભારતનો સંકલ્પ

વિક્રમ સંવતનું નવું વર્ષ આશા અને આત્મવિશ્વાસ સાથે શરૂ થાય છે : સમૃદ્ધ, સલામત વિકસિત ભારતનું સ્વપ્ન સિદ્ધ કરવાના સંકલ્પ સાથે આગળ વધીએ. આ વર્ષે દિવાળી પહેલાં સમગ્ર વિશ્વમાં જે અશાંતિ અને અજંપો હતો તે જોતાં સૌને આવનારા દિવસોમાં શું થશે? તેની ચિંતા હતી. યુદ્ધ પ્રાદેશિક મર્યાદા વટાવીને વ્યાપક બનવાની દહેશત હતી, વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતાના વમળમાં ખેંચાઈ રહ્યાં હતાં. પણ અચાનક અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીનાં પરિણામ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરાજયે પરિસ્થિતિ પલટાવી નાખી છે. હવે નવી આશાનાં કિરણ પ્રસર્યાં છે અને અંધકાર પછી પ્રકાશ રેલાવી રહ્યાં છે.

વિશ્વના દેશોની આર્થિક અવદશા હોવા છતાં ભારત - આપણું અર્થતંત્ર સધ્ધર રહ્યું. ટ્રમ્પના ટેરિફ આક્રમણ અને `હોર્મુઝની ખાડી બંધ થવાથી ક્રૂડતેલ'નો પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા અને તેની અસરથી ભાવવધારાનો ભડકો થવાની આશંકા હતી. સ્વદેશી રાજકીય પક્ષો અછત અને ભાવવધારાની હવા જમાવવા ફૂંક મારી રહ્યા હતા પણ નિષ્ફળ ગયા. આપણા અર્થતંત્રના પાયા મજબૂત હોવાથી અને સરકારે યોગ્ય નીતિ નિર્ણય યોગ્ય સમયે લીધા હોવાથી અર્થતંત્ર મોટી આપત્તિમાંથી ઊગરી ગયું છે.

આજે સ્થિતિ એવી છે કે વિશ્વ બૅન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ - આઇએમએફને પણ આપણા ગતિ-પ્રગતિશીલ અર્થતંત્ર ઉપર પૂર્ણ ભરોસો છે. વર્ષ 2027-28 દરમિયાન વિકાસદરનું અનુમાન 6.7 ટકા હતું તે વધારીને પૂરા સાત ટકા કરવામાં આવ્યું છે. આનો અર્થ સ્પષ્ટ છે: ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપી વિકાસ પામતા અર્થતંત્રમાંનું એક છે! 

આપણા વિપક્ષી નેતાઓ અર્થતંત્ર ખરાબે ચડયું હોવાનો સતત પ્રચાર કરીને એમનું દેવાળિયાપણું પ્રદર્શિત કરી રહ્યા છે. વાસ્તવમાં આ વર્ષે આપણે દિવાળી ખરેખરી ઊજવી છે. માત્ર શૅરબજાર નહીં - તમામ બજારોમાં ભારે પ્રોત્સાહક ખરીદી નીકળી છે. લોકોની ખરીદશક્તિ અને અર્થતંત્રમાં વિશ્વાસની પ્રતીતિનું આ ઉદાહરણ છે અને અર્થતંત્રમાં અતૂટ વિશ્વાસ હોય ત્યારે રાજતંત્રમાં પણ કોઈ જાતની અનિશ્ચિતતા કે અસ્થિરતાનો સવાલ નથી, સ્થાન નથી. 

ભારતમાં રાજકારણ અસ્થિર કરવા માટે સ્વદેશી નેતાઓનો `હાથ' વિદેશી લોકોએ પકડયો છે. ભારત વિશ્વમાં આર્થિક મહાસત્તા બની જાય તે વિદેશી તાકાતોને સ્વીકાર્ય નથી તેથી જ ભારતના નિરાશ - હતાશ નેતાઓને હથેળીમાં ચાંદની જેમ સત્તાની ખુરશી બતાવી રહ્યા છે! પણ સત્તાનું ગાજર બતાવનારા લોકોના જ હાથ હેઠા પડયા છે.

અમેરિકાની કૉંગ્રેસ (સંસદ) ઉપર સંપૂર્ણ બહુમતી વિપક્ષને મળ્યા પછી ટ્રમ્પના શાસન તંત્રની કસોટી આગામી જાન્યુઆરીમાં થશે. ટ્રમ્પની નીતિ અને ઈરાન ઉપરની ચડાઈમાં અમેરિકાની નિષ્ફળતાનું નાક કપાયું છે. શસ્રો ખૂટયાં, ધીરજ ખૂટી અને ભાવવધારાના કારણે અમેરિકાને ફરીથી મહાન-ગ્રેટ બનાવવાની આશા પણ ખૂટી છે. છતાં ટ્રમ્પ હજુ હાર્યા જુગારીની જેમ ઈરાન ઉપર ફરીથી આખરી હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે! પણ લડાઈમાં એમના સાથીદાર અને ભાગીદાર ઇઝરાયલના નેતન્યાહૂના હાથમાં સત્તા અને લડવાની નેતાગીરી નથી. હવે ટ્રમ્પ કેવું દુ:સાહસ કરે છે તે જોવાનું છે. યુક્રેને પણ રશિયાને હંફાવ્યું છે - અનેક ડ્રૉન હુમલા કરીને બરબાદી કરી છે. હવે રશિયાની સામે યુરોપના દેશો મેદાનમાં ઊભા થઈ રહ્યા છે. આમ જોતાં વિશ્વશાંતિ હજુ `રેડઝોન'માં છે તેથી ભારત સાવધાન છે.

અર્થતંત્ર સલામત હોવાથી મોદી સરકારને આર્થિક મોરચાની ચિંતા ઘટી છે પણ બેદરકાર કે નચિંત રહેવાય તેમ નથી. આગામી વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબ વિધાનસભાની ચૂંટણી છે - જેન-ઝીના આંદોલન અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ ઇન્ડિ મોરચાની કસોટી થશે. રાજકીય મોરચે મોદી સરકાર પડકારનો પ્રતિકાર કેવો કરે છે તેના ઉપર રાજકારણના ભવિષ્યનો આધાર હશે. સધ્ધર અર્થતંત્ર સાથે રાજતંત્ર પણ સધ્ધર રહે તે જોવાની જવાબદારી જનતાની છે. વિક્રમ સંવતનું નવું વર્ષ ભારતને વધુ સધ્ધર, સમૃદ્ધ અને સલામત બનાવે એવી અભ્યર્થના. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ