ભારતવિરોધ પાકિસ્તાન માટે પ્રાણવાયુ છે, તેનો કદી ભરોસો થઈ શકે નહીં. થોડા દિવસો પહેલાં દેશ દિવાળી પર્વની ઉજવણીમાં મશગૂલ હતો, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પાકપ્રેરિત આતંકવાદીઓએ ખૂની ખેલ ખેલ્યો. કિશ્તવાડમાં બે સ્પેશિયલ પોલીસ અધિકારી (એસપીઓ)ની હત્યા અને ફૂલગાંવમાં સીઆરપીએફ ચોકી પર હુમલો ચિંતા વધારનારી ઘટના છે. બન્ને બનાવ ચોવીસ કલાકની અંદર બન્યા. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ તદ્દન સામાન્ય છે અને હવે બહુ જલદી સ્થાયી શાંતિ પુન:સ્થાપિત થશે એવા દાવા અને આશાવાદનો પડદો ચીરાઈ ગયો છે. ખીણમાં હજુ પણ આતંકના રક્તબીજ અસ્તિત્વ ધરાવે છે, જે લાગ મળે એટલે તરત જ ત્રાટકીને ભારતનાં સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા તત્પર હોય છે. સીઆરપીએફની ચોકી પર ગોળીબારમાં ત્રણ જવાન ઘાયલ થયા. કિશ્તવાડમાં બે એસપીઓ લાપતા થયા. બે દિવસ બાદ તેમના ગોળીઓથી વીંધાયેલા મૃતદેહ હાથ લાગ્યા. નિ:સંદેહ આપણી સુરક્ષા એજન્સીઓ માટે આ આંખ ઉઘાડનારા હત્યાકાંડ છે. અહીં એ નોંધનીય છે કે, ગયા વર્ષે આ જ અરસામાં રાજધાની નવી દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટ થતા 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની વ્યાપક છાનબીનમાં આ ધડાકા પાછળ જમ્મુ-કાશ્મીરના પુલવામાના એક ડૉક્ટરની મુખ્ય ભૂમિકા સામે આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે આતંકવાદી હુમલાને તમામ રાજકીય પક્ષોએ વખોડી કાઢયો છે. કાશ્મીર અત્યારે કેન્દ્રશાસિત છે અને વિધાનસભામાં નેશનલ કૉન્ફરન્સ (એનસી) સત્તા ધરાવે છે. એનસીએ કાશ્મીર હવે આતંકવાદમુક્ત થઈ ચૂક્યું હોવાના કેન્દ્રના દાવા સામે પ્રશ્ન ઊભા કર્યા છે. રાજનીતિમાં આવું બનવું અપેક્ષિત છે, પરંતુ કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રદેશમાં રાજકીય બયાનબાજી કર્યા કરવાના બદલે ઓમર અબ્દુલ્લા સરકારે ગુપ્ત બાતમી મેળવવાનું નેટવર્ક સુદૃઢ કરવા તથા સુરક્ષાવ્યવસ્થાને વધુ મજબૂત થાય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આતંકવાદના સામનામાં ખૂબ સારો તાલમેલ હોવો જરૂરી છે. પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા નજીક રહેતા લોકોમાં એવો વિશ્વાસ જગાવવો પડશે કે તેઓ કોઈ ભય કે દબાણ વિના સુરક્ષા એજન્સીઓ સાથે સહયોગ કરે. ટૂંકમાં, કાશ્મીરમાં આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે જનતાનો ભરોસો પુન:સ્થાપિત થાય એવી નક્કર રણનીતિ જરૂરી છે. એમાં કોઈ બેમત નથી કે, કાશ્મીરમાં આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થિતિ ઘણી સુધરી છે. હવે સ્થાનિક લોકો વચ્ચે રહેનારાં તત્ત્વોને ખુલ્લા પાડવાનો મોટો પડકાર બાકી છે.