• શનિવાર, 25 માર્ચ, 2023

સિદ્ધાર્થ સાગરે પણ `કપિલ શર્મા શૉ'ને અલવિદા કહ્યું   

ધ કપિલ શર્મા શૉ વીકેન્ડ પર જોવામાં આવતો એક પોપ્યુલર કૉમેડી શૉ છે. કપિલ શર્માને આ શૉને કારણે દુનિયાભરમાં ઓળખ મળી છે. કપિલનો આ શૉ વર્ષોથી ચાલી રહ્યો છે. એક સમય હતો જ્યારે સુનિલ ગ્રોવર સહિતના કૉમેડિયન પણ કપિલની ટીમનો ભાગ હતા. કપિલના શૉના અમુક પાત્રો ખૂબ જ હિટ થયા છે અને તેના સંવાદો પણ લોકોના મોઢે ચઢી ગયા છે. અત્યારે તેની નવી સિઝન ચાલી રહી છે. સમયની સાથે અનેક કલાકારો અલગ થયા અને અનેક કલાકારો નવા પણ જોડાયા. 

ધ કપિલ શર્મા શૉની વર્તમાન સિઝનમાં કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર અને ભારતી સિંહ સહિતના કલાકારો જોડાયા નથી. સુનીલ ગ્રોવર તો લાંબા સમય પહેલા જ શૉ છોડીને જતો રહ્યો હતો અને હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. સિદ્ધાર્થ સાગર પણ હવે કપિલ શર્માનો સાથ છોડી રહ્યો છે.  

સિદ્ધાર્થ સાગરે કપિલ શર્માના આ શૉમાં સેલ્ફી માસી, ઉસ્તાદ ઘર છોડદાસ, ફનવીર સિંહ અને સાગર પગલેટ સહિતના પાત્રો ભજવીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે, પરંતુ તે હવે કપિલનો સાથ છોડવા જઈ રહ્યો છે અને તેની પાછળનું કારણ પ્રોડ્યુસર્સ સાથે પૈસા બાબતે થયેલા મતભેદ છે. સિદ્ધાર્થ પોતાની ફીમાં વધારો ઈચ્છતો હતો, પરંતુ મેકર્સ આ અૉફર માટે રાજી નહોતા માટે કૉમેડિયને શૉ છોડવાનો નિર્ણય લીધો છે. 

સિદ્ધાર્થ સાગર કપિલ શર્મા શૉ માટે મુંબઈ શિફ્ટ થયો હતો, પરંતુ તે હવે પાછો દિલ્હી જતો રહ્યો છે. હવે શૉમાં તે પાછો આવે તેની શક્યતા ઘણી ઓછી જણાઈ રહી છે. સિદ્ધાર્થ પહેલા કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, ચંદન પ્રભાકર, સુનીલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ કપિલનો શૉ વિવિધ કારણોસર છોડી ચૂક્યા છે. સિદ્ધાર્થ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કપિલની ટીમ સાથે જોડાયો હતો.