રાજ્યના રિક્ષા-ટૅક્સીચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના આદેશને કારણે ઊભો થયેલો વિવાદ માંડ શાંત પડયો ત્યાં હિન્દીને લઈને વધુ એક ભડકો થાય એ પહેલાં રાજ્ય સરકાર હરકતમાં આવી છે. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે હિન્દી ભાષા પરના પ્રભુત્વની પરીક્ષાને લઈને શિવસેના (ઉબાઠા) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કરેલા વિરોધને પગલે સરકારે આગામી 28મી જૂને લેવાનારી આ પરીક્ષા હાલ તુરંત તો રદ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ભાષા વિભાગ દ્વારા છેક 1951થી આ પરીક્ષા ગેઝેટેડ તથા નૉન-ગેઝેટેડ અધિકારીઓ માટે લેવાય છે અને આનો આશય સરકારી કર્મચારી-અધિકારીઓને હિન્દીનું મૂળભૂત ભાષા જ્ઞાન હોય એ છે, પણ ભાજપ મહારાષ્ટ્ર પર હિન્દી ભાષા થોપવા માગે છે, એવી બુમરાણને ઊગતી જ ડામતાં મરાઠી ભાષા ખાતાના પ્રધાન ઉદય સામંતે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.
વર્ષમાં બે વાર લેવાતી હિન્દી પરના પ્રભુત્વની આ પરીક્ષાનો
આશય સરકારી કર્મચારીઓ-અધિકારીઓ કેન્દ્ર સાથે પત્રવ્યવહાર કરી શકે એ માટે બાવીસ સત્તાવાર
ભાષાઓમાંથી એક એવી હિન્દીનું જ્ઞાન હોય એ જ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ પરીક્ષા
લેવાય છે અને 1976માં તેના વિશે કેટલાક નિયમો પણ રાજ્ય સરકારે ઘડÎા હતા. દસમા ધોરણમાં
હિન્દી વિષય ન લીધો હોય એવા કર્મચારીઓ માટે આ પરીક્ષા ફરજિયાત હોય છે અને આવા કર્મચારીઓ
નોકરીમાં રજૂ થાય એના ત્રણ વર્ષની અંદર આ પરીક્ષા આપવી જરૂરી હોય છે. કોઈ કર્મચારીએ
આ પરીક્ષા આપી ન હોય તો તેનું પ્રમોશન અટકી જતું હોય છે. આ પહેલાં કેન્દ્ર સરકારની
રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ ત્રિભાષા ધોરણ સ્વીકારતા રાજ્યની શાળાઓમાં પહેલા ધોરણથી
હિન્દી ભાષાને ફરજિયાત બનાવી હતી. મહાયુતિ મરાઠીઓ પર હિન્દી ભાષા થોપવાનો પ્રયાસ કરી
રહી છે, એવો વિરોધનો સૂર ઊઠતાં અને ઠાકરેબંધુઓએ સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કર્યા
પછી તથા એ વખતે મુંબઈ પાલિકાની ચૂંટણી માથા પર હોવાથી રાજ્ય સરકારે નમતું જોખતાં હિન્દીને
બદલે ત્રીજી ભાષા કોઈપણ લઈ શકાય એવો નિર્ણય લેતા વિવાદ શમી ગયો હતો. રાજ્યના વહીવટમાં
મરાઠી ભાષાનો ઉપયોગ થતો હોય તો હિન્દી ફરજિયાત શા માટે એવો સવાલ યોગ્ય છે, પણ આટલાં
વર્ષો સુધી જે મુદ્દે કોઈનું ધ્યાન ગયું નહોતું એ અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યો, એ બાબત
પણ વિચાર કરવા પ્રેરે એવી છે. જોકે, અત્યારે તો આ નિરર્થક વિવાદ પર પડદો પડી ગયો હોય
એવું લાગે છે.