• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

સાતત્યપૂર્ણ સુરીલી યાત્રાનું પૂર્ણવિરામ

ગુજરાતી ફિલ્મગીતોને જન ગણની જીભે રમતાં કરવામાં જેમનું માતબર યોગદાન રહ્યું તેવા ગૌરાંગ વ્યાસે જન્માષ્ટમી પર્વના કલાકો પૂર્વે જ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. 88 વર્ષની વયે મૃત્યુ નિર્વિકલ્પ ઘટના છે છતાં ભાવકો, ચાહકો આંચકો અનુભવે તે પણ સ્વાભાવિક છે. સિનેમા અને સુગમ સંગીત ક્ષેત્રે છ દાયકાની તેમની યાત્રા વિરામ પામી તે સુદીર્ઘ હતી,  સફળ અને સુફળ હતી એમ કહી જ શકાય. પિતા અવિનાશ વ્યાસના તેઓ ખરા અર્થમાં વારસદાર રહ્યા. ફિલ્મ હિન્દી હોય કે ગુજરાતી, દર્શકો-ભાવકોનો એક બહુ મોટો વર્ગ જ્યારે એમ માને છે કે ટેક્નૉલૉજીની દૃષ્ટિએ ઉત્તમ ફિલ્મોમાં પણ સંગીતનું માધુર્ય ખૂટે છે તેવા સમયે ગૌરાંગભાઈએ કરેલાં સ્વરાંકનોનું સ્મરણ કાનોને તરત થઈ જ આવે.

1938ના નવેમ્બરની 24મી તારીખે જન્મેલા ગૌરાંગભાઈને આમ તો બાળપણમાં રમવા માટે રમકડાંને બદલે હાર્મોનિયમના સૂર મળ્યા હતા તેમ કહીએ તો અતિરેક નથી. કોઈએ તાલીમ આપી નહોતી ત્યારે પાંચ વર્ષની વયે તેમણે સ્વસૂઝથી હાર્મોનિયમ ઉપર `વૈષ્ણવજન...' વગાડયું તે ક્ષણથી જ પરખાઈ ગયું કે પુત્રના લક્ષણ સ્વરાંકનમાંથી... કોઈપણ પુત્ર આમ તો પિતાની આંગળી પકડીને આગળ વધે, ગૌરાંગભાઈએ ખરા અર્થમાં `આંગળી ઝાલી' હતી પિતા અવિનાશ વ્યાસની. સ્વરાંકનો-સંગીતમાં તેઓ પિતાના પગલે-હસ્તે ચાલ્યા. `જેસલ તોરલ', `ઉપર ગગન વિશાળ'માં પિતાજીની સાથે સંગીત આપ્યા ઉપરાંત તેમણે સંગીત આપ્યું. સિદ્ધિઓ શરૂઆતથી તેમને વરી હતી, `લાખો ફુલાણી' પ્રથમ ફિલ્મ હતી જેમાં ગૌરાંગભાઈએ સ્વતંત્ર સંગીત આપ્યું અને કિશોર કુમારે પણ કોઈ ગુજરાતી સિનેમામાં ગીત ગાયું હોય તેવી તે પ્રથમ ફિલ્મ. પ્રફુલ્લ દવેના કંઠને પણ પાર્શ્વગાયન માટે ગૌરાંગ વ્યાસે પારખ્યો હતો. 

આ સફર પછી તો ગતિશીલ રહી. આશા ભોસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, ભૂપેન્દ્ર સિંઘ સહિતના હિન્દી ભાષા-ફિલ્મના ગાયકો પાસે ગૌરાંગભાઈએ ગીત ગવડાવ્યાં, જેમાં `દીકરી તો પારકી થાપણ કહેવાય' જેવું સંવેદનાઓને ઝંકૃત કરતું સ્વરાંકન-ગીત પણ સમાવિષ્ટ છે. `હુતુતુતુ... જામી રમતની ઋતુ' તો ગૌરાંગ વ્યાસ પોતે ગાતા ત્યારે સભાગૃહ જાણે કબડ્ડી રમતું હોય તેવી પ્રતીતિ થતી. ફિલોસોફિકલ ગીતને પણ કેટલું હળવાશથી રજૂ કરીને લોકપ્રિય બનાવી શકાય તેનું ઉત્તમ દૃષ્ટાંત આ છે. તેમણે સ્વરાંકન કર્યાં હોય તેવી ફિલ્મોની સંખ્યા તો 100થી વધારે છે. શ્રેષ્ઠ સંગીત માટેનાં 11 પુરસ્કાર તેમને પ્રાપ્ત થયાં હતાં. 

સંગીત ક્ષેત્ર તેમને ભાવથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. નવી પેઢી પ્રતિભાશાળી છે, નવા કલાકારો આવશે, કામ કરી રહ્યા છે અને કરશે જ. ગૌરાંગભાઈએ કરેલું કામ શ્રોતાઓના કાન કે સ્મૃતિમાં જ નહીં, ગુજરાતી સિનેમાસંગીતના ઇતિહાસમાં અંકિત રહેશે.  

ઇ-પેપરના નવા શુલ્ક