• બુધવાર, 04 નવેમ્બર, 2026

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી : નિશ્ચિત માત્ર અનિશ્ચિતતા

અમેરિકાની ચૂંટણી સિસ્ટમ વિશ્વથી અલગ છે અને મધ્યસત્ર ચૂંટણીઓનાં પરિણામ એક-બે અપવાદો બાદ કરતાં સત્તામાં હોય એ પક્ષની વિરુદ્ધ આવવાનો ઇતિહાસ છે. છેલ્લા ત્રણેક દાયકામાં માંડ બે વાર સત્તાધારી પક્ષને જીત મળી છે. એક 1998માં બિલ ક્લિન્ટન અને બીજું 2002માં જ્યૉર્જ ડબ્લ્યુ. બુશને. ડૉનાલ્ડ ટ્રમ્પની અપ્રુવલ રાટિંગ અૉક્ટોબરમાં 36 ટકા હતી, આથી નિયમ જેવા અપવાદને તેઓ પોતાની તરફેણમાં પલટી શકે એવી શક્યતાઓ આછીપાતળી જણાય છે. ટ્રમ્પની નીતિઓને કારણે દુનિયાના અનેક દેશોને સહેવાનું આવ્યું છે, પણ સૌથી વધુ અસર કદાચ અમેરિકાના નાગરિકો પર થઈ છે અને આ મધ્યસત્ર ચૂંટણીઓ એક રીતે ટ્રમ્પની નીતિઓ અંગેનો જનમત સંગ્રહ છે, પણ તેનાં પરિણામોનો પ્રભાવ અમેરિકાની સીમાઓની બહાર પણ પડશે. અત્યારે અમેરિકન કૉંગ્રેસનાં (સંસદ) બંને ગૃહોમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અને વિરોધી ડેમોક્રેટ્સ વચ્ચેનું સંતુલન એવું છે કે, ચૂંટણીમાં થોડીક બેઠકોનો ફરક પણ પલડું બીજી તરફ નમાવી શકે છે. ડેમોક્રેટ્સ તરફ પલડું નમ્યું તો ટ્રમ્પ નબળા પડશે, પણ એનો અર્થ એ જરાય નથી કે તેમની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડશે, તેમની પાસે વિટો પાવર તો રહેશે જ અને તેનો ઉપયોગ પૂરેપૂરો કરી મિ. વિટો બનવાનું વચન તેઓ પહેલા જ આપી ચૂક્યા છે. આથી, ચૂંટણીનાં પરિણામોને કારણે ઘણું બધું બદલાશે અને ખરેખર તો કશું જ નહીં બદલાય એવી પરિસ્થિતિ છે.

ટ્રમ્પનો પરાજય એ વાતનું પ્રતિપાદન હશે કે મેક અમેરિકા ગ્રેટ અગેઈન ઝુંબેશ નબળી પડી છે. ચૂંટણી પૂર્વેનાં સર્વેક્ષણોમાં મતદારોએ અર્થતંત્રને સૌથી મહત્ત્વનો મુદ્દો ગણાવ્યો છે, ક્રૂડના ભડકે બળતા ભાવ, ટેરિફ નીતિને પગલે ફુગાવો-મોંઘવારી વધ્યા છે, બેરોજગારી પણ મોટો મુદ્દો છે. જોકે, ટ્રમ્પને મતદારો-નાગરિકોની યાતનાઓ કરતાં પોતાની છબિની વધુ ચિંતા છે, એવું વારંવાર પુરવાર થયું છે અને પોતાના કાર્યકાળમાં અમેરિકન અર્થતંત્ર ફૂલગુલાબી થયું છે એવાં બણગાં તેઓ વારંવાર ફૂંકે છે. વિરોધીઓએ ફુગાવા માટે ઈરાન યુદ્ધને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, એઆઇમાં જોરદાર રોકાણને પગલે અમેરિકન શૅરબજારોમાં તેજી છે, પણ ક્રૂડના ભાવ વધતાં રહેશે તો આ ફુગ્ગો ફૂટતાં વાર નહીં લાગે. યાદ કરો, 2022માં ક્રિપ્ટોની તેજીનો તોખાર પૂરઝડપે હતો ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ક્રિપ્ટોની ચડતી કળાને ગ્રહણ લાગ્યું હતું, આવું એઆઇની બાબતમાં નહીં થાય એની ખાતરી કોઈ આપી શકે એમ નથી. ધારો કે, ટ્રમ્પના પક્ષને બંને ગૃહોમાં બહુમતી મળે છે તો પછી તેઓ ઝાલ્યા નહીં ઝલાય અને યુદ્ધ મોરચે વધુ આક્રમક બનશે અને ડેમોક્રેટ્સ જીત્યા તો પણ યુદ્ધ નહીં અટકે, હા યુદ્ધ બજેટ બાબતમાં ટ્રમ્પના હાથ જરૂર બંધાઈ જશે. એક સર્વેક્ષણ અનુસાર, બંને ગૃહોમાં ડેમોક્રેટસનો હાથ ઉપર રહે એવી શક્યતા 73 ટકા જેટલી ઊંચી છે. યુરોપ સાથેના તંગ થયેલા સંબંધો ડેમોક્રેટ્સનું બળ વધતા હળવા બની શકે છે. વળી, યુક્રેન પ્રત્યે તેમની સહાનુભૂતિ જગજાહેર છે. 

ભારત માટે આ ચૂંટણીનાં પરિણામો કેવાં સાબિત થશે? ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ છેલ્લા ઘણા સમયથી અંતિમ તબક્કામાં છે, આવામાં ડેમોક્રેટ્સનું સંખ્યાબળ કૉંગ્રેસમાં વધશે તો વિલંબ વધશે. જોકે, આ બાબત ભારતની તરફેણમાં જઈ શકે છે કેમ કે ડેમોક્રેટ્સનું માનવું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ દેશમાં મોંઘવારી-ફુગાવો વધારવાનું મહત્ત્વનું કારણ છે. જોકે, રાતોરાત કે તળિયાઝાટક ફેરફારની આશા રાખવી વધુ પડતી છે. ટ્રમ્પના કાર્યકાળનો ઉત્તરાર્ધ પણ પૂર્વાધ જેવો જ રહેશે- અનિશ્ચિતતાથી સભર.