દેશના સ્વચ્છતમ શહેર તરીકે નવી મુંબઈનું શીર્ષ સ્થાને પહોંચવું યોગાનુયોગ નથી, સ્થાનિક પાલિકા તંત્રના સઘન પ્રયાસો તથા નાગરિકોના સહભાગથી સતત આઠ વર્ષ આ સ્થાન શોભાવનાર મધ્ય પ્રદેશના ઈન્દોરને પાછળ મૂકી નવી મુંબઈ દેશની 4700 શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો સહભાગ ધરાવતા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં અવ્વલ આવ્યું છે. દસ લાખથી વધુની વસ્તી ધરાવતાં શહેરોની શ્રેણીમાં ટોચ પર નવી મુંબઈ પછી ગુજરાતનું સુરત અને આંધ્ર પ્રદેશનું વિજયવાડા બીજા અને ત્રીજા ક્રમે છે. નવી મુંબઈનું આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને પહોંચવું એ સાતત્યસભર પ્રયાસ, યોગ્ય દિશામાં લેવાયેલાં પગલાં તથા તંત્ર-નાગરિક સહભાગને આભારી છે.
ત્રીજી
મુંબઈ અને ચોથી મુંબઈની વાતો દાયકાઓથી સાંભળવા મળે છે, પણ નવી મુંબઈનું આયોજન અને વિકાસ અને તેનું સ્વચ્છ શહેર તરીકે ટોચના સ્થાને પહોંચવું એનાથી જાણે કે એક આખું ચક્ર પૂરું થયું છે. નવી મુંબઈએ આ સિદ્ધિ કેવી રીતે મેળવી? નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એનએમએમસી) દ્વારા દરરોજ 350 ટન ભીનો કચરો અને 400 ટન જેટલા સૂકા કચરાનો નિકાલ કરવા ઉપરાંત શહેરના 291 રૂટ પર 246 જેટલા સેનિટેશન વેહિકલ્સ સ્વચ્છતા માટે સક્રિય છે. આ ઉપરાંત, ગંદાં પાણી પર પ્રક્રિયા કરી તેને ફરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવી પાલિકાએ 11.4 એકરમાં ફેલાયેલા એક સમયના ડમ્પિંગ ગ્રાઉન્ડને શહેરી જંગલમાં પરિવર્તિત કર્યું છે અને આવો વધુ એક પાર્ક વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, લોકો દ્વારા કાઢી નખાતા વાપરેલાં વસ્ત્રોનું રિસાઈકાલિંગ કરાય છે, આ પ્રોજેક્ટમાં 200થી વધુ મહિલાઓને સાંકળવામાં આવી છે, તો બાંધકામના કચરામાંથી પેવર બ્લૉક્સ બનાવવાનો પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો છે. મૂળ તો નવી મુંબઈ પ્લાન્ડ સિટી હોવાથી વ્યાપક લીલોતરી, વિશાળ માર્ગો અને ફૂટપાથ તથા બગીચાઓ અને રમતગમતનાં મેદાનો અને શહેરને પૂરથી બચાવવા માટે હૉલ્ડિંગ પૉન્ડ્સની વ્યવસ્થા હતી, છતાં સ્થાનિક પાલિકાએ લોક-સહભાગથી જે રીતે શહેરને સ્વચ્છતાની મિસાલ બનાવી છે, એ સરાહનીય છે. અનેક રાજ્યો કરતાં વધુ બજેટ ધરાવતી દેશની સૌથી ધનાઢય મુંબઈ મહાનગરપાલિકાએ તથા અન્યોએ પણ આમાંથી પ્રેરણા લેવા જેવું છે. જોકે, નિરીક્ષકોનું કહેવું છે કે, નવી મુંબઈ પાલિકાએ આ સન્માનથી સંતુષ્ટ થવાને બદલે પર્યાવરણ સંબંધી પડકારો હાથ ધરવા જોઈએ, વિકાસના નામે આડેધડ થઈ રહેલાં કાર્યોને કારણે નવી મુંબઈની હવાની ગુણવત્તા સતત કથડી રહી છે, આ દિશામાં પણ કંઈક કરવું જોઈએ. નવી મુંબઈ પાલિકાએ આ અવસરનો ઉપયોગ પર્યાવરણ અને સાર્વજનિક સ્વાસ્થ્ય મોરચે કશુંક નક્કર કરવાના સંકલ્પ માટે કરવો રહ્યો.