• શનિવાર, 14 નવેમ્બર, 2026

ઉજવણીના ઉત્સાહ ઉપર `દૂધ ફરી વળ્યું'

મોંઘવારીને ભુલાવીને દેશની જનતાએ દિવાળીની ઉજવણી કરી લીધી, ધૂમ ફટાકડા ફોડયા પરંતુ ભાવવધારાએ પીછો છોડયો નથી. લાખો પરિવારની સવાર જેનાથી શરૂ થાય છે તે દૂધના ભાવવધારાથી નવા વર્ષનો આરંભ થયો. `ટેસ્ટ અૉફ ઈન્ડિયા' કહેવાતા અમૂલ દૂધની કિંમતમાં ફરી વધારો થયો અને અનેક લોકોની સવારની ચાનો સ્વાદ થોડો બગડયો. પ્રતિ લિટર રૂા. 2થી 4નો ભાવવધારો દૂધમાં થયો છે, થોડા દિવસો પહેલાં મોંઘા થયેલા ચા-કૉફીની ચૂસકી વધારે મોંઘી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. દહીં અને દૂધની મીઠાઈ પણ મોંઘી થશે. ખાદ્યતેલના ભાવ તો વધારે છે જ, કઠોળ- શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. 

કાયમ થતું આવ્યું છે તેમ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થાંમાં વૃદ્ધિ થઈ છે તેને લીધે તેમની ખરીદશક્તિ જળવાઈ રહે, પરંતુ નિજીક્ષેત્ર કે નાના વેપારીઓની આવક મોંઘવારીની સાપેક્ષે વધતી નથી. સરકારી કર્મચારીઓને પણ પોતાને મળેલો વધારો વધતી મોંઘવારી સામે અપૂરતો લાગી રહ્યો છે. દૂધના ભાવનો વધારો સાંભળી-વાંચીને નાગરિકો નારાજ થયા જ છે. નવા વર્ષની શરૂઆત જ તેનાથી થઈ, ચાર-પાંચ દિવસની ઉજવણીના આનંદ ઉપર `દૂધ ફરી વળ્યું.' અલબત્ત, અમૂલ કે અન્ય મધ્યસ્થીઓ પાસે કિંમત વધારવાનાં વિવિધ કારણો છે, પશુપાલકોને ચારાનો ભાવ અને અન્ય સંચાલનખર્ચ અહીં ભાગ ભજવે છે, પરંતુ અંતિમ ભોગ તો ગ્રાહક જ બને છે. 

છૂટક મોંઘવારી - ફુગાવાનો દર છેલ્લા આંકડા અનુસાર વધીને 6.09 ટકા પહોંચી ગયો છે. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ મોંઘવારી માટે 4 ટકા વત્તા 2 ટકાની મર્યાદા એટલે મહત્તમ 6 ટકા સુધીનું લક્ષ્ય રાખ્યું છે. ફુગાવો આ 6 ટકાની સપાટી વટાવી જાય તે જોખમી છે અને અત્યારે તે સ્થિતિ છે. ઉત્પાદન ખર્ચ વધવાને કારણે ચીજવસ્તુ મોંઘી થતી હોય તેવું પણ બની રહ્યું છે. `કન્ઝ્યુમર ફૂડ પ્રાઈઝ ઈન્ફ્લેશન' એટલે કે `સીએફપીઆઈ' વધીને 8.94 ટકા થયો છે. મોંઘવારી નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ બૅન્કે થોડા સમય પૂર્વે જ રેપોરેટમાં વધારો કર્યો. આ તમામ પગલાં તેની રીતે લેવાઈ રહ્યા છે. 

વર્ષની શરૂઆતથી જ ચાલી રહેલા યુદ્ધે `ક્રૂડ' મોંઘું કર્યું હતું. હવે તે સ્થિતિ નિયંત્રણમાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થવા જોઈએ તેવી જન અપેક્ષા છે. જન સામાન્યની મનની વાત આ છે. મોંઘવારી તો નિયંત્રણમાં આવવી જ જોઈએ. દેશમાં અનેક મુદ્દે, અનેક પ્રકારે આંદોલન ચાલે છે, તે આંદોલનના પ્રતિકાર ચાલે છે. મોંઘવારીના મુદ્દે કોઈ કંઈ બોલતું નથી. મુદ્દો તો આ છે પરંતુ કોઈને સૂઝતો જ નથી. `જ્ઞાનેશ કુમાર કો જાના હોગા'ની જેમ એક નારો, `મહેંગાઈ કો જાના હોગા' લાગવો જોઈએ. જોકે, એવી જરૂર ન પડે, તે દિશામાં સરકારે વિચારવું જોઈએ. વિપક્ષ કે યુવાનો આ પ્રશ્ને કોઈ `જંતર' વગાડે તે પહેલાં સરકારે મોંઘવારીને નાથવાનો `મંતર' ભણવો જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ