• શનિવાર, 27 એપ્રિલ, 2024

ચાલુ ખાતાની ખાધ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટીને $ 10.5 અબજ

નવી દિલ્હી, તા. 26 (પીટીઆઈ) : ભારતની ચાલુ ખાતાની ખાધ (માલસામાન અને સેવાઓની આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટીને 10.5 અબજ ડૉલર (રાષ્ટ્રીય આવકના 1.2 ટકા) થઈ હોવાનું રિઝર્વ બૅન્કે જણાવ્યું છે.

ગયા વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં તે 11.4 અબજ ડૉલર (રાષ્ટ્રીય આવકના 1.3 ટકા) હતી.જોકે, વેપારખાધ ગયા વર્ષના 71.3 અબજ ડૉલરથી સહેજ વધીને 71.6 અબજ ડૉલર થઈ છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં ચીજવસ્તુઓની નિકાસ 105.6 અબજ ડૉલરથી વધીને 106.7 અબજ ડૉલર જ્યારે આયાત 176.9 અબજ ડૉલરથી 178.3 અબજ ડૉલર થઈ છે.

સેવાઓની નિકાસ ડિસેમ્બર ત્રિમાસિકમાં 5.2 ટકા વધીને 87.8 અબજ ડૉલર થઈ હતી. આ વધારો સોફ્ટવેર બિઝનેસ અને પ્રવાસન સેવાની નિકાસવૃદ્ધિને આભારી હતો.

એપ્રિલ-ડિસેમ્બરના નવ મહિનામાં ચાલુ ખાતાની ખાધ 65.6 અબજ ડૉલરથી ઘટીને 31 અબજ ડૉલર થઈ છે. ખાનગી રવાનગી આવક (મુખ્યત્વે વિદેશવાસી ભારતીઓએ મોકલેલાં નાણાં) 2.1 ટકા વધીને 31.4 અબજ ડૉલર થઈ હતી. સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) ગયા વર્ષના બે અબજ ડૉલરથી વધીને 4 અબજ ડૉલર થયું હતું, જ્યારે ફોરિન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ) 4.6 અબજ ડૉલરથી વધીને 12 અબજ ડૉલર થયું હતું.

જોકે, એપ્રિલ-ડિસેમ્બરમાં એફડીઆઈ ગયા વર્ષના 21.6 અબજ ડૉલરથી ઘટીને 8.5 અબજ ડૉલર થયું હતું. તેની સામે ફોરિન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં ગયા વર્ષના 3.5 અબજ ડૉલરના ઘટાડા સામે આ વર્ષે 32.7 અબજ ડૉલરનો વધારો નોંધાયો હતો.

ડિસેમ્બર ત્રિમાસિકમાં વિદેશી વેપારી કરજ ગયા વર્ષના 2.5 અબજ ડૉલરથી વધીને 2.6 અબજ ડૉલર થયું હતું.

બધી આવક અને જાવક સરભર કર્યા પછી વિદેશી હૂંડિયામણની અનામતોમાં ડિસેમ્બર ત્રિમાસિકમાં 6 અબજ ડૉલરનો (ગયે વર્ષે 11.1 અબજ ડૉલર) અને એપ્રિલ-ડિસેમ્બરમાં 32.9 અબજ ડૉલરના વધારો થયો હતો.