• શનિવાર, 27 એપ્રિલ, 2024

આજથી બીએસઈ, એનએસઈમાં ટી+ઝીરો સેટલમેન્ટ વ્યવસ્થાનો અમલ

એનએસઈ અને બીએસઈએ મુખ્ય શૅર્સનો સમાવેશ કરતી યાદી જાહેર કરી

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 27 : એનએસઈ અને બીએસઈએ આવતી કાલથી-28 માર્ચથી શરૂ થઈ રહેલા ટી+ઝીરો સેટલમેન્ટ વ્યવસ્થા હેઠળ પ્રત્યેકે 25-25 શૅર્સનો સમાવેશ કરતી યાદી જાહેર કરી છે. એનએસઈએ  ટી+ઝીરો સેટલમેન્ટ હેઠળ એસબીઆઈ, એમઆરએફ, હિન્દાલ્કો જેવા વિવિધ 25 શૅરોને નવી વ્યવસ્થા હેઠળ સામેલ કર્યા છે જ્યારે બીએસઈએ તેની યાદીમાં અંબુજા સિમેન્ટ્સ, બજાજ અૉટો, બીપીસીએસ, સિપ્લા, એસબીઆઈ અને વેદાંત સહિત વિવિધ શૅર્સને સામેલ કર્યા છે

સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) મહિનાની 28 તારીખથી ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ શરૂ કરવાની ઘોષણા કરી હતે. સેબીનાં ચૅરપર્સન માધબી પુરી બૂચે તાજેતરમાં જાહેર કર્યું હતું કે ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ વ્યવસ્થા શરૂઆતમાં વૈકલ્પિક ધોરણે કરવામાં આવશે જેમાં થયેલા શૅર સોદાનું તે દિવસે સેટમેન્ટ કરવામાં આવશે

ટી પ્લસ ઝીરો હેઠળ તાત્કાલિક સેટલમેન્ટ થશે, અત્યારે ભારતીય શૅરબજારમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ તમામ શૅર્સ માટે લાગુ થયેલી છે. ગયા વર્ષે માધબી પુરી બૂચે જાહેર કર્યું હતું કે વર્ષ 2024ના માર્ચ આખર સુધીમાં સેબી ટી પ્લસ ઝીરો સેટલમેન્ટનાં ધોરણોનો અમલ કરશે અને ત્યારથી 12 મહિના બાદ ટી પ્લસ ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ ધોરણો લાગુ થશે. એક દિવસની ટૂંકી સેટલમેન્ટ સાઈકલ શરૂ કરનાર ભારત વિશ્વમાં ચીન પછી બીજો દેશ છે. અન્ય વૈશ્વિક શૅરબજારોમાં અત્યારે બે દિવસની અંદર સેટલમેન્ટ થાય છે

ગયા ડિસેમ્બર માસમાં સેબીએ જાહેર કર્યું હતું કે પ્રથમ તબક્કામાં ટી પ્લસ ઝીરો હેઠળ બપોરના 1.30 સુધી થયેલા સોદા માન્ય ગણાશે અને તે પછી સાંજના 4.30 સુધીમાં ફન્ડ્સ અને સિક્યુરિટીઝનું સેટલમેન્ટ કરવામાં આવશે. બીજા તબક્કામાં ફન્ડ્સ અને સિક્યુરિટીઝ બંને માટે ઇન્સ્ટન્ટ સેટલમેન્ટનો ટ્રેડ ટુ ટ્રેડ ધોરણે વૈકલ્પિક અમલ થશે. ટ્રેડિંગ 3.30 કલાક સુધી ચાલશે. બીજા તબક્કામાં વૈકલ્પિક ઇન્સ્ટન્ટ સેટલમેન્ટનો અમલ થયા બાદ પહેલા તબક્કા હેઠળ શરૂ કરવામાં આવેલી ટી પ્લસ ઝીરો વ્યવસ્થા બંધ થશે

માર્કેટ કૅપના આધારે ટોચની 500 કંપનીઓ ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ માટે પાત્ર ઠરશે. 200, 200 અને 100 એમ ત્રણ તબક્કામાં સૌથી ઓછાથી સૌથી વધારે માર્કેટ કૅપ ધરાવતી કંપનીઓનું સેટલમેન્ટ સાઈકલમાં સ્થળાંતર થશે.