• શનિવાર, 27 એપ્રિલ, 2024

ફૅડની નાણાનીતિ કડક બનવાના સંકેતથી સોના-ચાંદીમાં મજબૂતી  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 27 : ફેડ દ્વારા નાણાનીતિ કડક બનાવવાનું હવે શરૂ થવાના સંકેતોને લીધે સોનાના ભાવમાં મજબૂતીથી સુધારાનું વલણ દેખાય છે. વૈશ્વિક બજારમાં ભાવ ઘટી જાય તો ફરીથી ઉછાળો આવી જાય છે. ન્યૂયોર્ક બજારમાં 2160થી 2200 ડોલર વચ્ચેની રેન્જ કેટલાક દિવસોથી ચાલી રહી છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ મોડી સાંજે 2197 ડોલરના સ્તરે હતો અને ચાંદી 24.58 ડોલર હતી. અમેરિકામાં ફુગાવાના આંકડાઓની જાહેરાત થાય પૂર્વે સાવધાનીભર્યા વેપારો થતા હતા. 

અમેરિકાના પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચરના આંકડા ફેબ્રુઆરી માસ માટે શુક્રવારે જાહેર થવાના છે. બજારની ધારણા પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં ઇન્ડેક્સ 0.3 ટકા આવે એવી શક્યતા છે. વાર્ષિક ધોરણે 2.8 ટકાનો ટારગેટ છે. જોકે ફેડ 2 ટકાની નીચે ફુગાવો ઇચ્છે છે. ફુગાવો હજુ થોડો ઉંચો છે પણ ફેડ ચાલુ વર્ષમાં 3 જેટલા ઘટાડા કરવા તૈયાર છે. શુક્રવારે ડેટા જાહેર થાય વખતે યુરોપીયન બજારો બંધ હશે પણ ન્યૂયોર્ક ચાલુ હશે એટલે એમાં વધઘટ વધારે થાય એમ છે. 

બીજી તરફ દુનિયાભરની મધ્યસ્થ બેંકો સોનું ખરીદવા માટે સક્રિય છે. ચીનની ખરીદી ખૂબ સારી છે. મોટાં મોટાં દેશો કરન્સીને બદલે સોનામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. રોકાણ માટે પણ સોનાની માગ છે. ખાસ કરીને ફેડ રેટ કટ કરશે ત્યારે સોનામાં વધુ ઉછાળો આવશે એમ માનવામાં આવે છે. 

જૂન મહિનામાં એક રેટકટ આવી જાય એવી પૂરતી સંભાવના છે. નીચાં વ્યાજદર સોનાની માગમાં વધારો કરશે. એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટ ફંડની સોનાની અનામતો મંગળવારે 0.62 ટકા ઘટીને 830.15 ટન રહી હતી. જોકે ફંડનો ઇનફ્લો ચાલુ વર્ષે વધારે રહ્યો છે.  

ભારતીય બજારોમાં સોનાના ભાવ સાંકડી રેન્જમાં છે. રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રમાણે રૂ. 50ના સુધારામાં રૂ. 66950 અને મુંબઇમાં રૂ. 118 વધીને રૂ. 66834 હતો. ચાંદીનો ભાવ રાજકોટમાં રૂ. 73000 ટકેલો હતો. મુંબઇમાં રૂ. 282 ઘટીને રૂ. 73997 રહ્યો હતો.