• શનિવાર, 27 એપ્રિલ, 2024

તાતા ગ્રુપ આગામી બે-ત્રણ વર્ષમાં સંખ્યાબંધ આઈપીઓ લાવશે  

તાતા કૅપિટલનું લિસ્ટિંગ આવતા વર્ષે કરવાની યોજના

મુંબઈ, તા. 27 : તાતા ગ્રુપ આવતાં બેથી ત્રણ વર્ષ દરમિયાન કેટલાક આઈપીઓ લાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે. પાછલા બે દાયકામાં ગ્રુપ દ્વારા માત્ર એક આઈપીઓ તાતા ટૅક્નોલોજીસનો લાવવામાં આવ્યો હતો. ગ્રુપ કંપનીઓની હોલ્ડિંગ કંપની તાતા સન્સ તેમની કંપનીઓના મૂલ્યને પારખવા, ભાવિ વિકાસને ઉત્તેજીત કરવા અને અમુક પસંદગીના રોકાણકારોને રોકાણ છૂટું કરવાની તક આપવા માટે વિવિધ કંપનીઓના આઈપીઓ લાવવાની યોજના ધરાવતું હોવાનું કંપનીના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું છે.

જે કંપનીઓના આઈપીઓનું આયોજન વિચારાઈ રહ્યું છે તેમાં તાતા કેપિટલ, તાતા અૉટોકોમ સિસ્ટમ્સ, તાતા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી, બિગ બાસ્કેટ, તાતા ડિજિટલ, તાતા ઈલેક્ટ્રોનિક્સ, તાતા હાઉસિંગ અને તાતા બેટરીઝનો સમાવેશ થાય છે. ગ્રુપ તેમની કંપનીઓને ડિજિટલ, રિટેલ, સેમીકન્ડક્ટર્સ, ઈવી બેટરી જેવા નવા યુગના ક્ષેત્રોમાં પ્રવેશ કરવા ઉત્સુક હોવાનું તેમણે જણાવ્યું હતું. 

વિશે તાતા સન્સે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. મૂડી બજારમાં દાખલ થવાની યોજના હંમેશાં વ્યૂહાત્મક હોય છે અને માત્ર આઈપીઓ લાવવા ખાતર મૂડી બજારમાં દાખલ થવું વિચાર તાતા સન્સનો નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તાતા સમૂહની અનેક કંપનીઓ બેથી અઢી દાયકા પહેલાં શરૂ થઈ હતી અને હવે તે વિકાસના પંથે અગ્રેસર હોવાથી નાણા છૂટા કરવાનો સમય અનુકૂળ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

ગયા નવેમ્બર મહિનામાં તાતા ટૅક્નોલોજીસનો રૂા.3000 કરોડનો આઈપીઓ માર્કેટમાં આવ્યો હતો. વર્ષ 2004માં દેશની સૌથી મોટી સોફ્ટવેર સેવા પ્રદાન કરતી કંપની તાતા કન્સ્લટન્સી (ટીસીએસ)નો આઈપીઓ આવ્યો હતો. અગાઉ ગયા મહિને તાતા મોટર્સે તેમના કમર્સિયલ અને પેસેન્જર વેહિકલ બિઝનેસને અલગ કરવાની ઘોષણા કરી હતી. તાતા ગ્રુપ આવતા વર્ષે તાતા કેપિટલનું લિસ્ટિંગ કરે તેવી શક્યતા છે.