• રવિવાર, 28 એપ્રિલ, 2024

અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ્સમાં રૂા. 6661 કરોડના રોકાણ સાથે હિસ્સો વધારી 66.7 ટકા કર્યો   

માળખાકીય ક્ષેત્રમાં ઝડપી વિકાસને અનુલક્ષી રોકાણ વધાર્યું

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 28 : અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણી અને તેમના પરિવારે અંબુજા સિમેન્ટ્સ લિમિટેડમાં રૂા. 6661 કરોડની મુડી આપી તેમાં હિસ્સો વધાર્યો છે. દેશમાં માળખાકીય ક્ષેત્રમાં થઈ રહેલી ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને અદાણી ગ્રુપે તેમનો અંબુજા સિમેન્ટ્સમાં હિસ્સો વધાર્યો છે. અૉક્ટોબર 2022માં કંપનીના બોર્ડે વૉરન્ટ ઈસ્યુ કરવા માટે પરવાનગી આપ્યા બાદ કંપનીએ તે પાછળ રૂા. 5000 કરોડનો ખર્ચ કર્યે હતો. આજે કરેલા રોકાણ બાદ તેમનો અંબુજા સિમેન્ટ્સમાં હિસ્સો 3.6 ટકા વધીને 66.7 ટકા થયો છે. 

આજે શૅરબજારને કરેલા ફાઈલિંગ મુજબ રોકાણ સાથે અંબુજા સિમેન્ટ્સ કંપનીની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વર્ષ 2028 સુધીમાં વધીને 14 કરોડ ટન જેટલી થશે. કંપનીના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ અજય કપૂરે વિશે જણાવ્યું કે નવા ભંડોળની પ્રાપ્તિથી કંપની ઝડપી વિકાસ સાધવા માટે વધારે મૂડીનો ઉપયોગ કરી શકશે અને ક્ષેત્રમાં ઉત્તમ બેલેન્સશીટ ધરાવતી કંપની બનશે. 

અદાણી પરિવારે રોકાણ સાથે કંપનીનું સિમેન્ટ ઉત્પાદન વર્ષ 2028 સુધીમાં લગભગ બમણું કરવાની યોજના રજૂ કરી છે, જેમાં પ્રતિ વર્ષ તબક્કાવાર 14 કરોડ ટનનું ઉત્પાદન લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા કંપની હસ્તગત કરવામાં આવી ત્યારથી કુલ રૂા. 11,661 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે ક્ષેત્રમાં કંપનીનો વ્યૂહ નક્કર પ્રગતિ સાધવાનો અને બેલેન્સશીટને મજબૂત કરવાનો છે, એમ કંપનીએ તેમના શૅરબજાર ફાઈલિંગમાં જણાવ્યું છે. રોકાણથી અંબુજા સિમેન્ટ્સ લિમિટેડને નાણાકીય મોકળાશ મળશે અને તેની પ્રગતિ ઝડપી બનશે.