• રવિવાર, 28 એપ્રિલ, 2024

આરબીઆઈએ એઆઈએફનાં ધોરણો હળવાં કરતાં શૅરબજારમાં નક્કર તેજી    

નાણાવર્ષના અંતિમ સત્રમાં બૅન્કિંગ અને ફાઈનાન્સિયલ શૅર્સમાં ધૂમ ખરીદી 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 28 : નાણાવર્ષ 2023-24નું અંતિમ સત્ર સ્થાનિક  શૅરબજારમાં જબરદસ્ત તેજી સાથે પૂરું થયું હતું. સેન્સેક્ષ અને નિફ્ટી મોટા વધારા સાથે બંધ થયા હતા. આજની તેજી માટે સકારાત્મક વૈશ્વિક પરિબળોએ સાથ પુરાવ્યો હતો. તેમાં અમેરિકાના ફુગાવાના આંકડા પહેલાં વૈશ્વિક શૅરબજારોમાં ખરીદીનો માહોલ અને સ્થાનિકમાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફન્ડ (એઆઈએફ)માં બૅન્કો દ્વારા થતાં રોકાણ માટેના નિયમો હળવા કરવામાં આવતાં બૅન્કિંગ અને ફાઈનાન્સિયલ શૅર્સમાં નક્કર ખરીદી નીકળી હતી અને ક્ષેત્રના શૅરોએ તેજીની આગેવાની લીધી હતી. આવતીકાલે ગુડ ફ્રાઈડે નિમિત્તે શૅરબજાર બંધ રહેશે અને તે પછી શનિવાર અને રવિવારની રજાઓ હોવાથી આજે રોકાણકારોએ મન મૂકીને ખરીદી કરી હતી. સત્રના આખરી કલાકમાં નફા તારવણી થવાના કારણે સૂચકાંકો ઈન્ટ્રા ડે હાઈથી ઘટીને બંધ થયા હતા.  

ઈન્ટ્રા ડેમાં સેન્સેક્ષ 1100 પોઈન્ટ્સ વધ્યો હતો, જ્યારે નિફ્ટીએ 22450નું સ્તર પાર કર્યું હતું. સત્રના અંતે સેન્સેક્ષ 655.04 પોઈન્ટ્સ વધી 73651.35ના સ્તરે અને નિફ્ટી 203.25 પોઈન્ટ્સ વધી 22,326.90ના સ્તરે બંધ આવ્યા હતા. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટકેપમાં આશરે રૂા. પાંચ લાખ કરોડનો ઉમેરો થયો હતો અને તે વધીને રૂા. 388 લાખ કરોડને પાર થઈ હતી. અમેરિકાના ફુગાવા આંકડા જાહેર થવા પહેલાં ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ દરમિયાન ત્રણ વાર ધિરાણદરમાં કપાત કરવાના સંકેત મળતાં શૅરબજારમાં રોકાણકારોએ ચિંતા કોરાણે મૂકી ખરીદી કરી હતી. 

હવે આગામી જૂન મહિનામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત થવાની અપેક્ષા રોકાણકારોને છે પણ શુક્રવારે જાહેર થનારા ફુગાવાના આંકડાથી દર ઘટાડાનું સમયપત્રક ખોરવાઈ જાય નહીં તેની ચિંતા પણ રોકાણકારોને છે. આજે એશિયન બજારો મિશ્ર રહ્યા હતા. હેંગસેંગ ઈન્ડેક્સ 1.1 ટકા વધ્યો હતો, જ્યારે સાંઘાઈ કૉમ્પોઝિટ 1.2 ટકા વધ્યો હતો. જપાનનો નિક્કી 1.2 ટકા ઘટયો હતો. યુરોપમાં લંડન શૅરબજાર 0.48 ટકા, ફ્રાન્સ 0.57 ટકા અને જર્મની શૅરબજાર 0.12 ટકાના વધારા સાથે ટ્રેડમાં હતા. 

આજની તેજીમાં એફઆઈઆઈનો હિસ્સો પણ મોટો રહ્યો હતો. બુધવારના આંકડા અનુસાર એફઆઈઆઈએ રૂા. 2170 કરોડના શૅર્સની નેટ ખરીદી કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ 4.80 ડૉલર વધી 2217.50 ડૉલર રનિંગ હતું, જ્યારે ચાંદી 18 સેન્ટ ઘટીને 24.57 ડૉલર પ્રતિ ઔંસ રનિંગ હતી. બ્રેન્ટ ક્રૂડ 49 સેન્ટ વધી પ્રતિ બેરલ 86.58 ડૉલર રનિંગ હતું.