વ્યાપક હિંસા અને અરાજકતા પછી હવે નેપાળે રાહતનો શ્વાસ લીધો છે. સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકીને યુવા વર્ગના આંદોલનને `આમંત્રણ' આપનાર સરકારનો અંત આવ્યો છે. હવે સુશીલા કાર્કીએ વચગાળાના વડા પ્રધાનપદની જવાબદારી સંભાળી છે. એમની પસંદગી પણ અૉનલાઈન પ્લૅટફૉર્મ ઉપર થઈ છે તે નોંધપાત્ર છે. આંદોલનકારીઓના સમર્થનથી વડા પ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી છે. નેપાળના સંવિધાનની જોગવાઈ મુજબ વડા પ્રધાન સંસદ - પ્રતિનિધિ સભાના સભ્ય હોવા જોઈએ પણ આંદોલનના કારણે સંસદનું વિસર્જન થયું છે, ભંગ થઈ છે તેથી રાષ્ટ્રપતિએ - આવશ્યકતાના સિદ્ધાંત ઉપર સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીની નિમણૂક કરી છે - આવી વ્યવસ્થા થાય નહીં તો નેપાળી લશ્કરના હાથમાં શાસનની ધૂરા આવી હોત. પણ આખરે લોકતંત્રનો વિજય થયો છે.
વચગાળાના વડા
પ્રધાન હવે નેપાળમાં શાંતિ, કાયદો - વ્યવસ્થા સ્થપાયા પછી સંસદની ચૂંટણી ક્યારે કરાવી
શકે છે તે જોવાનું છે. ચૂંટણી વખતે આંદોલનના નેતાઓમાં મતભેદ જાગે તે સ્વાભાવિક છે.
સુશીલા કાર્કીનું નામ ચર્ચામાં આવ્યું ત્યારે જ આંદોલનકારીઓની જૂથબંધી જાહેરમાં આવી
અને યાદવાસ્થળી શરૂ થઈ તે સૂચક છે.
વચગાળાના વડા
પ્રધાન અને સરકારની જવાબદારી કાયદો - વ્યવસ્થા સ્થપાય અને આંદોલનમાં સરકારી કાર્યાલયો
- સંપત્તિને થયેલા નુકસાન પછી કાર્યાલયો ફરીથી શરૂ કરવાની છે. રાજકીય નેતાઓની વિદાય
પછી હવે અમલદારો ઉપર આધાર છે. ચૂંટણી પણ શાંતિપૂર્વક થાય અને સ્થિર સરકાર આવે તો જ
નેપાળનું ભવિષ્ય સુધરી શકશે.
વચગાળાની સરકારનું
કામ અને જવાબદારી મર્યાદિત હશે પણ નેપાળના નવનિર્માણનો પાયો નાખવાનો પડકાર મોટો છે.
નવી સરકાર આવે તેની કસોટી થશે. દરમિયાન વચગાળાના વડા પ્રધાન સુશીલા કાર્કીને આવકાર
અને શુભેચ્છા આપીને ભારતે કહ્યું છે કે નજીકના પાડોશી અને લોકતાંત્રિક નેપાળ ઘણા લાંબા
સમયથી વિકાસમાં ભારતનું ભાગીદાર રહ્યું છે. બંને દેશોના લોકોની સમૃદ્ધિ માટે સાથે મળીને
કામ કરીશું.
છેલ્લા દાયકાઓમાં
વિદેશી સત્તાઓ - અમેરિકા અને ચીન માટે નેપાળ `અખાડો' બની ગયું હતું. ચીન ભારતને ઘેરવા
માગતું હતું. હવે વચગાળાની સરકાર તથા ભવિષ્યની સરકાર નેપાળ સ્વતંત્રતા અને સ્વાયત્તતાને
આંચ આવે નહીં તે માટે સાવધાન રહેશે એવી આશા રાખીએ. ભારત પણ નેપાળને જરૂર હોય ત્યાં
- અને તેટલી જ - માગે તેવી મદદ કરશે જેથી પૂર્વ વડા પ્રધાન ઓલી જેવા નેતાઓ ભારતવિરોધી
પ્રચાર કરે નહીં.