• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

હવે ફ્રાંસમાં સરકારની સામે લોકો માર્ગો પર

નેપાળમાં રોષે ભરાયેલા નાગરિકોએ ગણતરીના કલાકોમાં સરકારની હકાલપટ્ટી કરીને દુનિયાના દેશોને લોકોની તાકાતનો પરચો કરાવી દીધો છે. દુનિયાના અન્ય દેશોમાં નારાજ લોકો હવે શેરીમાં આંદોલન કરવા ઉતરવા લાગ્યા છે. આમાં નેપાળ બાદ યુરોપના વિકસિત દેશ ફ્રાંસના લોકોનો જુવાળ સરકારની સામે માર્ગેમાં છલકાઈ રહ્યોઁ છે.  લોકોનાં જીવનધોરણને સુધારવા સરકારે કાંઈ કર્યું ન હોવાના આરોપ સાથે ફ્રેન્ચ નાગરિકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. બધું થંભાવી દો એવાં સૂત્રો સાથે આ વખતનું આંદોલન સરકારની સામે લાલ બત્તી સમાન છે.  

ફ્રાંસની સરકારની આ દરખાસ્તોને ત્યાંના સ્થાનિક લોકો કામકાજની વ્યવસ્થા અને આરોગ્યના મુદ્દે છેડછાડ સમાન માને છે.  લોકોનો આરોપ છે કે, સરકાર તેમને આ જરૂરી સેવાઓથી વંચિત કરી રહી છે. આમ તો ફ્રાંસમાં છેલ્લાં થોડાં વર્ષોથી અલગ અલગ મુદ્દા પર લોકોની નારાજગી અને રોષ વધી રહ્યા છે. સંખ્યાબંધ વખત આંદોલનો પણ થયાં છે, પણ આ વખતે જે રીતે લોકોની ઉગ્રતા છે તે ખરા અર્થમાં વધુ ગંભીર સ્વરૂપ લઈ શકે છે.  

ફ્રાંસમાં અગાઉ પણ પેન્શનની ઉંમર વધારવા, ઈંધણના ભાવ વધારવા, મહિલાઓને સમાનતા જેવા મુદ્દા પર આંદોલનો થયાં છે.  લોકોના આ રોષ અને નારાજગી સામે સરકારે જોકે ચિંતા કરવાની તસ્દી લીધી નથી.  ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ ઘરઆંગણાના આ ગંભીર પડકારને ધ્યાને લઈને તેમની સરકારના નીતિવિષયક નિયમનને વધુ લોકભાગ્ય બનાવવાનાં પગલાં લેવાં જોઈએ, પણ તેમની આ નિરસતાથી લોકોનો રોષ વધુ તીવ્ર બની રહ્યો છે.  આગામી સમયમાં સરકાર જાગશે નહીં તો ફ્રાંસ જેવા વિકસતા દેશને લોક આંદોલનની વધુ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  

ફ્રાંસ અને તેના જેવા વિકસિત દેશોએ બહારી હિજરતીઓને માનવતાના નાતે આશ્રય આપવા જે રીતે લાલ જાજમ પાથરી છે, તેનાથી મૂળ નાગરિકોની સેવાઓ પર કાપ આવી રહ્યો છે. ખેરખર તો આ મામલે સરકારોએ નવેસરથી નીતિરીતિ તૈયાર કરવાનો સમય આવી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક