• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

સ્પિરિટ અૉફ ક્રિકેટ અને પાકિસ્તાન

દેશભક્તિના સ્પિરિટથી આખી વાત હવે સ્પિરિટ અૉફ ક્રિકેટ સુધી પહોંચી ગઈ છે. રવિવારે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપની મૅચ પહેલાં ચર્ચાના ચકડોળે એ વાત હતી કે, પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી બાદ ભારતે નાપાક પાડોશી સામે મૅચ રમવી જોઈએ કે નહીં? પણ સાત વિકેટે ભારતે મૅચમાં મેળવેલા દમદાર વિજય પછી ભારતીય ટીમે પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ મિલાવ્યા નહીં. ક્રિકેટની રમતના અવિભાજ્ય અંગ સમી આ પરંપરા તૂટી એનાથી એક વર્ગ નારાજ છે, તો ભારતીય ખેલાડીઓએ પહેલગામ હુમલાના વિરોધ તથા દેશનાં શસસ્ત્ર દળોની વીરતાને બિરદાવતા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હૅન્ડશૅક પણ ન કર્યું અને મૅચ દરમિયાન તેમની સાથે ક્યાંય વાતચીત પણ ન કરી એ સારું જ કર્યું, એમ માનનારાઓની સંખ્યા ખાસ્સી મોટી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ બાબતની ગંભીર નોંધ લેતાં મૅચ રેફરી ઍન્ડી પાયકૉફ્ટની હકાલપટ્ટી કરવાની માગ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને (આઈસીસી) કરતાં કહ્યું છે કે, મૅચ રેફરીએ આઈસીસીના કૉડ અૉફ કન્ડક્ટ અને સ્પિરિટ અૉફ ક્રિકેટનું ઉલ્લંઘન કર્યું છે. વાસ્તવમાં પાકિસ્તાન બરાબરનું ગિન્નાયું છે, એક તો સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયાએ તેમને મૅચમાં રગદોળ્યું અને એ પછી હસ્તધૂનન ન કરી સીધા ડ્રાસિંગ રૂમમાં જતા રહ્યા એ જાણે તેમના ઘા પર નમક ઘસવા બરાબર હતું. યાદ રહે, એશિયા કપની શરૂઆત પહેલાં સૂર્યકુમારે એસીસીના ચૅરમૅન મોહસીન નક્વી અને પાકિસ્તાની ટીમના સુકાની સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ત્યારે તેની ટીકા થઈ હતી.

ક્રિકેટની રમતમાં પરંપરા રહી છે કે, મૅચના અંતે બાટિંગ ટીમના મેદાન પરના બે ખેલાડી ફિલ્ડિંગ કરનારી ટીમના સભ્યો તથા બંને અમ્પાયરો સાથે હસ્તધૂનન કરે છે અને પછી ડ્રાસિંગ રૂમ તરફ આગળ વધે છે ત્યારે તેમની ટીમના સભ્યો કતારબંધ ઊભા રહી વિરોધી ટીમ મેમ્બર્સ સાથે હૅન્ડશૅક કરે છે. મૅચ દરમિયાનની આક્રમકતાને હસ્તધૂનન દ્વારા મૈત્રીપૂર્ણ વિરામ આપવાનો વિચાર તથા ખેલદિલી આની પાછળનું કારણ છે. અહેવાલો અનુસાર, મૅચ પૂર્વે ટીમ ઇન્ડિયાને ઉપરથી સંદેશ આવ્યો હતો કે, ખેલાડીઓએ મૅચ પૂર્વે કે પછી પાકિસ્તાનના પ્લેયર્સ સાથે હાથ મિલાવવા નહીં. આમ છતાં આવું કરવું ન કરવું એનો નિર્ણય વ્યક્તિગત ખેલાડીઓ પર છોડાયો હોવાનું પણ કહેવાય છે. સૂર્યકુમારે મૅચ પૂર્વે ટૉસ પછી પણ વિરોધી સુકાની સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. જોકે, ભારત છેલ્લે પણ આવું જ કરશે એવી અપેક્ષા કદાચ પાકિસ્તાની ખેલાડીઓએ પણ નહીં રાખી હોય. સ્પિરિટ અૉફ ક્રિકેટનો હવાલો આપી પાકિસ્તાને ફરિયાદ કરી છે. તો, ભારતીય સુકાનીએ આ વિજય પહેલગામ હુમલાના પીડિતોને સમર્પિત કર્યો હતો. કદાચ ટીમ ઇન્ડિયાને આ વર્તણૂક માટે દંડ કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લાં કેટલાંય વર્ષોથી દ્વિ-પક્ષીય શ્રેણી બંધ છે. પણ, વર્લ્ડ કપ કે એશિયા કપ જેવી બહુ-રાષ્ટ્રીય સ્પર્ધામાં આ બંને ટીમો એકમેક સામે ટકરાય છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની સ્થિતિ અત્યારે રમતની દૃષ્ટિએ પણ બહુ સારી નથી અને ભારતીય ક્રિકેટ દિગ્ગજ સુનીલ ગાવસકરે આ ટીમને પોપટવાડી ઈલેવન ગણાવી હતી. જોકે, તેના વહીવટકારોએ કરેલી ફરિયાદ પણ જાણે કે આ વાતની પુષ્ટિ કરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક