આતંકવાદ વિરુદ્ધ ઇઝરાયલ પૂરી ક્ષમતાથી લડે છે તેવી છાપ વિશ્વમાં છે. ઇઝરાયલ હમાસ ઉપર સતત હુમલા કરે છે ઘટનામાં પણ હવે ન્યૂઝ એલિમેન્ટ એટલે કે સમાચારનું તત્ત્વ કે કોઈ નવી વાત રહી નથી. સતત યુદ્ધરત રાષ્ટ્ર તરીકે ઇઝરાયલ પંકાઈ ગયું છે. તેનું યુદ્ધ સામર્થ્ય, શત્રાગાર બધું જાણીતું છે. યુદ્ધનો મોરચો અને ઇઝરાયલ નવી વાત નથી, પરંતુ હવે ખૂલી રહેલું પરિમાણ થોડું ચિંતાજનક અને જોખમી છે. 60 મુસ્લિમ રાષ્ટ્રો હવે એક થઈને ઇઝરાયલનો સામનો કરવા તૈયારી કરી રહ્યાં છે. કતારમાં મળેલા શિખર સંમેલનમાં આના સંકેત નહીં પરંતુ ઈરાદા જાહેર થઈ ગયા છે. જેમ નાટો છે તેમ ઇસ્લામિક રાષ્ટ્રોનું એક સંગઠન બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે. આ બધી ચર્ચા યુદ્ધ નહીં પરંતુ જેને લગભગ વિનાશ કહી શકાય તેવા રક્તપાત તરફ અંગુલિનિર્દેશ કરે છે.
અરબ અને ઇસ્લામિક દેશોના નેતાઓના શિખર
સંમેલનમાં થયેલી ચર્ચા ઘણી સૂચક છે. 9મી સપ્ટેમ્બરે કતાર ઉપર ઇઝરાયલે કરેલા હુમલા પછી
બોલાવાયેલી આ બેઠકમાં હુમલાની ટીકા થવી તો સ્વાભાવિક હતી, પરંતુ આવા પ્રહારનો જવાબ
હવે એક થઈને દેવાનો રહેશે તેવું પણ ત્યાં નક્કી થયું છે. મુસ્લિમ દેશોએ આ હુમલાની આકરી
નિંદા કરી અને અરબ દેશોની એક સંયુક્ત સેના બનાવવાની પણ ચર્ચા થઈ છે. ઇઝારાયલની આક્રમકતાને
રોકવા માટે મુસ્લિમ દેશો પણ નાટો જેવું સંગઠન બનાવે તેની હવે જરૂર છે તે વાત પર જોર
મૂકવામાં આવ્યું.
ગલ્ફ કો-અૉપરેશન કાઉન્સિલ (જીસીસી)ના દેશો
બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને યુએઈના અન્ય સદસ્ય દેશોએ સુરક્ષા સંદર્ભે
કરાર કર્યા. ઇઝરાયલ યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમો તોડી રહ્યું છે, હમાસ તરફથી સમજૂતી
માટે સંવાદ સાધી રહેલા નેતાઓ-પ્રતિનિધિઓને નિશાન બનાવીને ગાઝા યુદ્ધ વિરામના પ્રયાસ
પણ તે નિષ્ફળ બનાવી રહ્યું છે તેવો આક્ષેપ કતારના અમીર શેખ તમીમે સમિટમાં કર્યો. આ
બધી વાતો એવું સ્પષ્ટ કરે છે કે ઇઝરાયલ સામે મુસ્લિમ રાષ્ટ્રોનો ગુસ્સો હવે ચરમ પર
છે. જીસીસી બચાવ ક્ષમતા વિકસાવવા માટે સક્રિય થયું છે. મુસ્લિમ રાષ્ટ્રોના વડા કે તેમના
પ્રતિનિધિઓએ આ સમિટમાં ઇઝરાયલના વલણ વિરુદ્ધ અત્યંત સ્પષ્ટ રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત
કર્યો છે, તેની સામે પગલાં લેવાં જોઈએ તેવી ભલામણ અમેરિકાને કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી ઇઝરાયલની સદસ્યતા
રદ થાય તે જરૂરી છે તેવું પણ તેમણે કહ્યું છે. એક તરફ રાજદ્વારી રીતે ઇઝરાયલ ઉપર દબાણ
લાવવા માટેનો દૃઢ વિચાર છે તો બીજી બાજુ પ્રહારોનો સામનો કરવા પણ આ રાષ્ટ્રો સજ્જ થઈ
રહ્યાં છે. જો મુસ્લિમ રાષ્ટ્રો એક થઈને ઇઝરાયલની સામે લડે તો જે આગ લાગે તેની જ્વાળાઓ
કેટલા દેશો, મહાસત્તાઓની સીમાને અડે તે કલ્પી શકાય તેમ છે અને પછી શું થઈ શકે તેની
કલ્પના જ થઈ શકે નહીં.