`વક્ફ (સુધારા) ધારા', 2025 ગેરબંધારણીય જાહેર કરાવવા માટે વિપક્ષોએ સુપ્રીમ કોર્ટને કરેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે વચગાળાનો જે હુકમ કર્યો છે તેને વિપક્ષો, અરજદારો અને કેન્દ્ર સરકારે પણ આવકાર્યો છે. તે જોતાં હવે વધુ સુનાવણી પછી આખરી ચુકાદો આવે તે પણ વિવાદ વિના સ્વીકારાશે એવી આશા રાખી શકાય.
સુપ્રીમ કોર્ટે આ સુધારા-કાયદા ઉપર સમગ્ર
`રોક'-સ્ટે અૉર્ડર આપ્યો નથી તે નોંધપાત્ર અને સમજપૂર્વક છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટની
મંજૂરી મળી છે, માત્ર કેટલીક જોગવાઈઓમાં સુધારા સૂચિત છે. હકીકતમાં સંસદીય ઈતિહાસમાં
સૌથી લાંબી ચર્ચાવિચારણા-14 કલાકથી વધુ-સંસદનાં બન્ને ગૃહોમાં થઈ હતી, સંસદની સંયુક્ત
સમિતિમાં પણ છ મહિના સુધી ચર્ચા થઈ હતી અને તે પછી સુધારા ખરડો પસાર થયો છે. હવે સુપ્રીમ
કોર્ટે આ સમગ્ર કાયદા ઉપર વચગાળાનો મનાઈ હુકમ આપ્યો નથી, પણ ચોક્કસ ત્રણ જોગવાઈઓ ઉપર
વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે. હવે આ કેસનો આખરી ચુકાદો આવે તે પછી - સરકાર સંસદમાં
જરૂરી સુધારા લાવી શકે છે. અત્યારે તો સંસદમાં પૂરી ચર્ચાવિચારણા પછી પસાર થયેલા કાનૂનને
મંજૂરી અપાઈ હોવાથી સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે વિવાદની શક્યતા નથી. તેથી કેન્દ્રીય
પ્રધાન કિરણ રિજિજુએ વચગાળાનો હુકમ આવકાર્યો છે.
વક્ફ મિલક્તોમાં પારદર્શિતા અને વહીવટમાં
હિસાબદારી જળવાય તે માટે આ સુધારા થયા છે. ભારત સરકારે સુનાવણી દરમિયાન આંકડાબંધ માહિતી
રજૂ કરી છે. વક્ફની આઠમાંથી પાંચ પ્રૉપર્ટી વિવાદાસ્પદ હોવાનું જણાયું છે - આવી પ્રૉપર્ટીના
કાયદેસર દસ્તાવેજો પ્રાપ્ય નથી. સુધારા કાયદામાં
એવી જોગવાઈ છે કે જિલ્લા કલેક્ટર આવી પ્રૉપર્ટીની માલિકી નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે
આ જોગવાઈ ઉપર મનાઈ હુકમ આપ્યો છે. વહીવટ અને ન્યાયકીય - બન્ને કામગીરી કલેક્ટરને સોંપાય
નહીં. હવે સરકારે આ જોગવાઈનો વિકલ્પ આપવો પડશે.
સુધારા ખરડામાં એવી પણ જોગવાઈ છે કે ઓછામાં
ઓછાં પાંચ વર્ષ સુધી જે વ્યક્તિએ મુસ્લિમ મઝહબ પાળ્યો હોય તો જ પ્રૉપર્ટી આપી શકે.
પણ આ જોગવાઈમાં નિયમો નક્કી થવા જોઈએ - આ ઉપરાંત, વક્ફ બોર્ડ - સમિતિઓમાં કેન્દ્ર અને
રાજ્યકક્ષાએ બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા મર્યાદિત રાખવા જણાવાયું છે જેથી બિન-મુસ્લિમ
સભ્યોનો અંકુશ આવી જાય નહીં. આ બાબત ટેકઓવરનો ભય રહે નહીં તે જરૂરી છે.
આ વચગાળાના મનાઈ હુકમથી લગભગ સૌને સંતોષ
છે પણ રાજકીય પક્ષો - કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ હજુ વિરોધમાં છે. ભાજપ સરકાર કોમવાદ
ભડકાવવા માટે આ કાયદો વાપરશે એવો આક્ષેપ થાય છે. વાસ્તવમાં વિરોધ પક્ષો પણ વોટબૅન્કના
રાજકારણમાં આ મુદ્દો વાપરે છે.