મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યના ચૂંટણી પંચની ઝાટકણી કાઢતાં સર્વોચ્ચ અદાલતે મુંબઈ મહાનગરપાલિકા તથા અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવા માટે 31મી જાન્યુઆરી, 2026 સુધીની ડેડલાઈન આપી છે. 2022માં આ ચૂંટણીઓ થવી જોઈતી હતી, પણ કેટલીક કાયદાકીય ગૂંચવણો, રાજકીય સમીકરણો તથા વહીવટી કારણોસર આગળ ઠેલાતી રહી છે. ગત છઠ્ઠી મેએ સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકાર અને રાજ્યના ચૂંટણી કમિશનરને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત માટે બે અઠવાડિયાં અને ચાર સપ્તાહમાં તેને લગતી પ્રક્રિયા આટોપી લેવાના નિર્દેશો આપ્યા હતા અને આના માટે છઠ્ઠી સપ્ટેમ્બરની સમયમર્યાદા પણ બાંધી હતી. જોકે, આ આખર તારીખ સુધીમાં ચૂંટણી આટોપી લેવાનું તો દૂર તેની જાહેરાત સુધ્ધાં ન થતાં સુપ્રીમ કોર્ટે આંખ લાલ કરી છે. સર્વોચ્ચ અદાલતના આ આદેશને પગલે 29 મ્યુનિસિપલ કૉર્પોરેશન, 290 નગર પરિષદો તથા જિલ્લા તથા પંચાયત સમિતિઓની ચૂંટણી માટેની પ્રક્રિયામાં વેગ આવશે.
2022થી એક યા
બીજાં કારણોસર બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર (બીએમસી) તથા મહારાષ્ટ્રની અન્ય સ્થાનિક
સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ થઈ નથી. સૌથી પહેલા તો અન્ય પછાત જાતિઓ (ઓબીસી) ક્વૉટાનો
સમાવેશ રાજ્ય સરકાર દ્વારા પ્રયોગમૂલક માહિતી એકત્ર કરવામાં આવે એ પછી કરવાના સર્વોચ્ચ
અદાલતના ચુકાદાને કારણે રાજ્યના ચૂંટણી પંચને બૅકવર્ડ ક્લાસ કમિશનના સર્વગ્રાહી અહેવાલની
રાહ જોવાની ફરજ પડી હતી. જોકે, કમિશને પોતાનો અહેવાલ સુપરત કર્યો એ પછી પહેલા તત્કાલીન
મહા વિકાસ આઘાડી સરકાર અને 2024 પછી મહાયુતિની સરકારમાં ઓબીસી ક્વૉટા અને વૉર્ડની નવેસરથી
આંકણી અંગે સ્પષ્ટતા વિના ચૂંટણી યોજવા અંગે અવઢવમાં હતા. જોકે, આના માટે રાજકીય ગણતરીઓ
જવાબદાર હતી.
સુપ્રીમ કોર્ટના
નિર્દેશો સમયોચિત છે, કેમ કે રાજકીય સુવિધા અથવા વહીવટી વિલંબને કારણે લોકતાંત્રિક
પ્રક્રિયાને ટાળી ન શકાય, એવો સંદેશ તેના કારણે ગયો છે. 2022 પછી લોકસભા અને વિધાનસભા
બંને ચૂંટણીઓ પાર પડી છે, તો સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ જે સરકારમાં સહભાગિતાનો
પાયો છે, તેના માટે કોઈ ઉતાવળ ન હોવી એ ચિંતાનો વિષય છે.