ભારત સાથેના અમેરિકાના સંબંધ સુધરવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે. વ્યાપારની શરતો - ટેરિફ બાબત વાટાઘાટ કરવા માટે નવી દિલ્હી આવેલા ઉચ્ચ કક્ષાના અમેરિકી અધિકારીઓએ ભારતના વ્યાપાર પ્રધાન પીયૂષ ગોયલ અને અધિકારીઓ સાથે લંબાણપૂર્વક વાટાઘાટ કરી છે - જે સકારાત્મક હોવાનું જણાવાયું છે. આ સાથે જ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ સાધવાની તક ઝડપી લીધી. નરેન્દ્રભાઈના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ફોન ઉપર વાત કરી અને પછી સોશિયલ મીડિયા ઉપર લખ્યું : મારા અચ્છા મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મઝાની વાત થઈ. મેં એમને વેરી હૅપ્પી બર્થ ડે કહ્યું. શુભેચ્છા આપી. તેઓ (મોદી) અદ્ભુત કામ કરી રહ્યા છે. `નરેન્દ્ર, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવાના પ્રયાસને ટેકો આપો છો?' જવાબમાં વડા પ્રધાન મોદીએ પણ `િમત્ર પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો શુભેચ્છા બદલ આભાર માન્યો - અમે પણ ભારત- અમેરિકાની ભાગીદારીનાં નવાં શિખર સર કરવા માગીએ છીએ. યુક્રેનમાં શાંતિ સ્થાપવાના તમારા પ્રયાસોને અમે સમર્થન આપીએ છીએ.'
અૉપરેશન સિંદૂર
વખતે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો ટ્રમ્પે કર્યા પછી મોદીએ તેને રદિયો આપ્યો અને સંબંધ
બગડતા ગયા. ભારતમાં વિરોધ પક્ષો ટ્રમ્પના દાવા ગણતા-ગણાવતા રહ્યા કે ટ્રમ્પે 28મી વખત
યુદ્ધવિરામનો દાવો કર્યો છે. મોદીએ રદિયો આપ્યો હોવા છતાં વિપક્ષી નેતાઓ પ્રચાર કરતા
રહ્યા. આ દરમિયાન મોદીએ ટેરિફ આક્રમણને ખાળવા - પ્રતિકાર કરવાનાં પગલાં વ્યાપાર મોરચે
લેવાની શરૂઆત કરી અને સાથોસાથ પુતિન અને શી જિનપિંગ સાથેની મૈત્રી ગાઢ હોવાનું બતાવ્યું.
વિશ્વના તખતા
ઉપર બદલાતા સંજોગો અને સંબંધ સાથે ટ્રમ્પ પણ કૂણા પડયા અને સપ્ટેમ્બરના આરંભમાં જ એમણે
વ્યાપાર અંકુશ હળવા કરવાના નિર્દેશ આપ્યા. વાટાઘાટ સફળ થવા વિષે કોઈ શંકા નથી એમ પણ
કહ્યું અને મારા અચ્છા મિત્ર મોદી સાથે વાત કરવા ઉત્સુક છું, એમ પણ કહ્યું. આ પછી નરેન્દ્ર
મોદીનો જન્મદિવસ આવતાં એમણે તક ઝડપી લીધી છે. તેથી હવે વ્યાપાર સંબંધમાં સુધારો થાય
અને રશિયન તેલના બહાને ભારત ઉપર જે શિક્ષાત્મક ટેરિફ નાખવામાં આવી છે તે રદ થાય એવી
અપેક્ષા રાખી શકાય.
રાહુલ ગાંધી માફી
માગશે?
આ દરમિયાન પાકિસ્તાનના
નાયબ વડા પ્રધાન અને વિદેશપ્રધાન ઈશાક ડારે યુદ્ધવિરામનો ફુગ્ગો ફોડયો છે. એમણે કહ્યું
છે કે અૉપરેશન સિંદૂર વખતે ભારતે તો અમેરિકાને સાફ જણાવી દીધું કે ઈસ્લામાબાદ સાથે
દ્વિપક્ષી મામલો છે અને ત્રીજા પક્ષની દરમિયાનગીરી મંજૂર નથી. પાકિસ્તાને અમેરિકાની
દરમિયાનગીરી માગી હતી પણ ભારતે ચોખ્ખી ના પાડી હતી અને આખરે અમેરિકાએ અમને (પાકિસ્તાને)
કહી દીધું કે તમે જ ભારત સાથે વાત કરો...
હવે ડોનાલ્ડ ટ્રમ્પ
આ હકીકતને રદિયો આપી શકે એમ નથી. ફિલ્ડ માર્શલ મુનીરે તો ટ્રમ્પને શાંતિ પારિતોષક આપવાની
ભલામણ કરી હતી અને ભારતના વિપક્ષી નેતા રાહુલ ગાંધી હવે શું કહેશે? મોદી અને ભારતીય
સેના ઉપર ફાવે તેવા આક્ષેપ કર્યા પછી હવે જાહેરમાં માફી માગશે?