સત્તાના રાજકારણની કેટલી અધોગતિ થઈ છે તે પ્રતિ લાલ બત્તી દેખાડતી બે ઘટનાઓ ચિંતાકારક હોવી જોઈએ. બિહારમાં કૉંગ્રેસની એક સભામાં વડા પ્રધાન મોદીનાં સ્વર્ગસ્થ માતાને ગાળ આપવામાં આવી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં કૉંગ્રેસે જ મૂક્યો. આ પછી મુંબઈના દાદરના શિવાજી પાર્કમાં સ્વ. બાળાસાહેબ ઠાકરેનાં સ્વ. પત્ની - ઉદ્ધવ ઠાકરેનાં માતુશ્રીની પ્રતિમા ઉપર લાલ રંગ રેડવામાં આવ્યો - શિવાજી પાર્કની ઘટના પાછળ રાજકારણ હોય નહીં તો પણ તે માટે પ્રેરણા બિહારથી મળી છે તેનો ઈનકાર કરી શકાય નહીં. સદ્ભાગ્યે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ચિનગારી ચાંપીને અશાંતિ જગાવવાનો પ્રયાસ નિષ્ફળ જશે. વ્યક્તિગત, પારિવારિક ભાવનાને આઘાત લાગ્યો હોવા છતાં એમણે શિવસૈનિકોને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે.
શિવાજી પાર્કની
ઘટનાની જાણ થતાં જ મહારાષ્ટ્ર પોલીસની ત્રણ ટીમોએ તપાસ શરૂ કરી છે. મોડી સાંજે ઉપેન્દ્ર
ગુણાજી પાવસ્કર નામના શખસની ધરપકડ થઈ છે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે સેનાના એક કાર્યકર
શ્રીધર પાવસ્કરનો પિત્રાઈ ઉપેન્દ્ર છે અને તેના જણાવવા મુજબ મિલકતના વિવાદમાં એમના
પક્ષના જ કોઈ નેતા દખલગીરી કરતા હોવાથી ગુસ્સે ભરાયેલા ઉપેન્દ્રએ આ કાર્ય કર્યું છે.
આમ છતાં પોલીસ તપાસ જારી છે. ઉપેન્દ્ર પાછળ કોઈ પક્ષનો હાથ છે કે નહીં તે જાણવું જરૂરી
છે. વ્યક્તિગત કારણ હોય તો પણ ઉદ્ધવ ઠાકરેનાં સ્વ. માતુશ્રીની પ્રતિમા ઉપર લાલ રંગ
ઢોળવાનો વિચાર કેમ આવ્યો? અન્ય પ્રતિમા અથવા ફોટા પસંદ કરી શક્યા હોત.
દરભંગા, બિહારની
ઘટના વધુ ઘૃણાસ્પદ છે કારણ કે તે પાછળનો મકસદ રાજકીય છે. ભરી સભામાં કોઈ કૉંગ્રેસી
કાર્યકર વડા પ્રધાનનાં સ્વ. માતાશ્રીને ગાળ આપે અને અભદ્ર ભાષા વાપરે - અને પછી કૉંગ્રેસ
અઈં આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સની મદદથી વીડિયો તૈયાર કરાવે - જેમાં મોદીને સપનામાં માતાજી
મળે છે અને નોટબંધીથી લઈને અત્યાર સુધીની મોદીની નીતિ-કામગીરી પ્રજાવિરોધી હોવાનું
કહેવાય છે!
આ વીડિયો વિષે
હાઈ કોર્ટમાં ફરિયાદ થતાં જ કોર્ટે મનાઈહુકમ કરીને ફેસબુક, ગૂગલ, યુટયુબ વગેરે તમામ
પ્લૅટફૉર્મ ઉપરથી પ્રસારણ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. અલબત્ત, આ વચગાળાનો હુકમ
છે અને ફરિયાદની સુનાવણી પૂરી થાય તે પછી આખરી ચુકાદો આવશે.
અત્યારે તાત્કાલિક
પ્રસારણ બંધ થાય છે પણ આખરી ચુકાદાની રાહ જોવાઈ રહી છે. માત્ર પ્રસારણ બંધ કરવાથી ન્યાય
મળતો નથી અને ગુનેગારોને સજા થતી નથી. કૉંગ્રેસનો આશય બિહારની ચૂંટણીમાં આ વીડિયોથી
રાજકીય લાભ મેળવવાનો છે. હવે જાહેર સભાઓમાં ઉપયોગ થશે જ. કોઈપણ નાગરિકના પરિવારજનોની
લાગણી દુભાવવા ઉપરાંત ચૂંટણીમાં ભ્રષ્ટાચારી ગેરરીતિ પણ આચરવામાં આવી છે. શ્રાદ્ધ પક્ષમાં
વડા પ્રધાનને ધાર્મિક ક્રિયામાં વિક્ષેપ થાય છે અને બદનક્ષીમાં ઘણો વધારો થાય છે, એમ
પણ ફરિયાદ પક્ષે જણાવ્યું છે.
કૉંગ્રેસ પક્ષે
કાર્યકરની ભાષા અને વર્તણૂક બદલ માફી માગવાને બદલે ઘટનાનો વીડિયો વાયરલ કર્યો છે. હવે
કૉંગ્રેસે મોદીની તથા બિહારની જાહેર માફી માગવી જોઈએ.