• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

યુક્રેનમાં યુદ્ધવિરામ થશે : મોદી ઉપર વિશ્વાસ

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ફોન ઉપર શુભેચ્છા આપીને સંબંધ સુધારવાનો સંદેશ આપ્યા પછી રશિયાના પ્રમુખ પુતિને પણ મોદીને શુભેચ્છા આપી છે અને ઈટાલીનાં વડા પ્રધાન જિયોર્જિયા મેલોનીએ પણ શુભેચ્છા આપીને બન્ને દેશોનો વ્યાપાર ડબલ કરવાની આશા દર્શાવી છે. અૉસ્ટ્રેલિયા તથા ન્યૂ ઝીલૅન્ડના વડા પ્રધાનો, યુએઈના પ્રમુખે પણ મોદીને શુભેચ્છા આપી છે. આ શુભેચ્છા દ્વિપક્ષી સંબંધ અને વ્યાપાર વિસ્તારવા ઉપરાંત વિશ્વના તખતા ઉપર ભારતનાં સ્થાન અને માનનો સ્વીકાર પણ છે. ટ્રમ્પ અને પુતિન બન્ને સાથે મોદીએ યુક્રેન યુદ્ધના અંત ઉપર ભાર મૂક્યો છે અને શાંતિ સ્થાપવામાં ભારત સકારાત્મક ભાગ ભજવશે એવી ખાતરી આપી છે. નોંધપાત્ર છે કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને પણ મોદીની આશા છે. ટ્રમ્પ સાથે મોદીના સંવાદ પછી ઝેલેન્સ્કીએ પણ મોદી - ભારતનો આભાર માન્યો છે. એટલું જ નહીં, યુરોપિયન કમિશનરનાં પ્રેસિડન્ટ ઊર્સૂલા વોન ડર લેયને પણ મોદીને ફોન કરી શુભેચ્છા આપી હતી. અત્યાર સુધી યુરોપિયન યુનિયનને વાંધો હતો કે, ભારત રશિયા પાસેથી ક્રૂડતેલ ખરીદે છે. તો, ટ્રમ્પ-પુતિન વચ્ચે શિખર મંત્રણા પહેલાં ભારત-અમેરિકા સંબંધોમાં ટ્રમ્પ ટેરિફના કારણે આવેલા તણાવ બાદ તરત પુતિને મોદી સાથે ફોન પર વાત કરી હતી. અૉગસ્ટની શરૂઆતથી આ બે નેતાઓ વચ્ચે ત્રીજી વાર ફોન પર વાતચીત થઈ એ દેખાડે છે કે રશિયા માટે ભારત સાથેનો સંબંધ વેપાર પૂરતો મર્યાદિત નથી.

વડા પ્રધાને શુભેચ્છાઓનો જવાબ આપતાં કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ટ્રમ્પની પહેલને ભારતનો ટેકો છે. નરેન્દ્ર મોદીએ જન્મદિવસની શુભેચ્છાના જવાબમાં યુક્રેન યુદ્ધ બંધ થાય એવી ઈચ્છા વ્યક્ત કરી છે, એ જ કહી જાય છે કે, તેઓ આ બાબતને લઈને કેટલા ગંભીર છે. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો માને છે કે યુક્રેઈન યુદ્ધ બંધ કરાવવામાં એકમાત્ર મોદી મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે. કારણ કે ટ્રમ્પ અને પુતિન - બન્નેને મોદીમાં વિશ્વાસ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક