થાણેમાં ત્રણ વર્ષના એક બાળકના જન્મદિવસની ઉજવણીમાં બર્થ-ડે કેક કાપીને ટુકડો હર્ષભેર મોઢામાં મૂક્યો ત્યારે તેનાં માતા-પિતાને કલ્પના પણ ન હતી કે આ કેકનો ટુકડો એમના જીગરના ટુકડાને મોતના મોં સુધી ધકેલી દેશે! બર્થ-ડે કેકના સુશોભનમાં બે પાતળા તાર વપરાયા હતા તે બાળકના પેટમાં આંતરડાં સુધી પહોંચી ગયા અને આ પીડામાંથી બાળકને ઉગારવા સર્જરી કરવી પડે તેમ હતું પણ સદ્ભાગ્યે કુદરતી માર્ગે તાર નીકળી ગયા.
આ ઘટનાનાં બે સપ્તાહ
પછી ખાદ્યપદાર્થોનાં ધારાધોરણ અને નિયમોનાં પાલનની દેખરેખ કરતા ભારત સરકારના વિભાગે
તમામ ખાદ્યપદાર્થોનાં પૅકેજિંગમાં કોઈ પણ ધાતુની પિન-સ્ટેપલિંગ વગેરે વાપરવા ઉપર તાત્કાલિક
પ્રતિબંધ મૂક્યો છે અને દેશભરમાં તેની જાણ કરવામાં આવી છે. આદેશનું પાલન નહીં કરનારા
સામે કાયદેસર કાર્યવાહી અને સખત સજાને પાત્ર થશે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ અૉથોરિટીનો
આદેશ જરૂરી-છે પણ થાણેના એક બાળકના અનુભવે સત્તાવાળાઓની આંખ ખોલી છે! પણ ખાદ્યપદાર્થોમાં
મિલાવટ સામે પગલાં લેવાય છે પણ લોકોનાં સ્વાસ્થ્ય સાથે આવાં ચેડાં-ખેલના ધંધા બંધ થતા
નથી. બનાવટી પનીર અને આઈસક્રીમ પછી હવે મહારાષ્ટ્રમાં દૂધમાં મિલાવટ થાય છે તેની સામે
રાજ્ય સરકારે ગંભીર ચેતવણી આપી છે, પણ ગંભીર પગલાં - સજા આપવાની જરૂર છે. ચેતવણીને
ધોળીને પી જવામાં ધંધાર્થીઓ માહેર છે. હવે વેફર જેવા ખાદ્યપદાર્થોનાં પૅકેજિંગમાં સ્ટેપલિંગ
બંધ થાય અને વિકલ્પ વપરાય તેનો આગ્રહ ગ્રાહકોએ પણ રાખવો જોઈએ.
નોંધપાત્ર છે કે આ ઘટનાનો
પાઠ મળ્યા પછી ખાદ્યપદાર્થોની સલામતી-વિભાગે અન્ય આઠ કંપનીઓને નોટિસ આપી છે. સ્વાસ્થ્ય-હેલ્થના
નામે ગ્રાહકોને આકર્ષતી આવી કંપનીઓનાં નામ `હેલ્થ એઈડ', હેલ્ધી ફૅક્ટરી, હેલ્ધી માસ્ટર
જેવાં નામ બતાવાય છે!
હવે આ અભિયાન અધવચ્ચે
નહીં છોડાય અને આવી તમામ કંપનીઓનાં વિજ્ઞાપન ગ્રાહકોને ખોટી માહિતી આપીને છેતરવાના
ધંધા બંધ થશે એવી આશા રાખીએ.