આધુનિક સમયમાં વિકાસના સતત બદલાતાં વૈશ્વિક સમીકરણોમાં ભારતે પોતાની અનોખી તાકાતનો પરચો દુનિયાને સાતત્યપૂર્વક આપ્યો છે. આર્થિક વિકાસની તાકાતની સ્વીકૃતિ વિશ્વના વિકસિત દેશોને કરાવી રહેલા ભારતે હવે બૌદ્ધિક સંપદાના મોરચે પણ પોતાની કાબેલિયતનો ડંકો વગાડવો શરૂ કર્યો છે. દુનિયાને આજે આર્થિક સ્થિરતાની સાથે વિવિધ સ્તરે સંશોધનથી માંડીને નવા આવિષ્કાર દ્વારા સમસ્યાઓના ઉકેલની તાતી જરૂરત છે આવા સમયે ભારતે ખરા અર્થમાં વિશ્વગુરુની ભૂમિકા ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અમેરિકા-ઈરાન યુદ્ધથી વિશ્વ સમક્ષ ખડા થયેલા આર્થિક
પડકારોની સાથે જળવાયુ પરિવર્તન, એઆઈ સંબંધી પડકારો તથા ઊર્જાની સુરક્ષા જેવી ગંભીર
સમસ્યાઓ વિકરાળ બની રહી છે. આવામાં વિજ્ઞાન - ટેક્નૉલૉજીમાં અગ્રસર રાષ્ટ્રો જ્ઞાનના
આધારે સતત મથી રહ્યા હોવા છતાં સમસ્યાઓ યથાવત્ રહી છે. ભારે સમૃદ્ધ જ્ઞાનવારસો ધરાવતા
ભારતે સદીઓથી વિશ્વને નવા માર્ગ શોધી આપ્યા છે, તેમ હાલના સંજોગોમાં પણ આ જવાબદારી
અદા કરવા કમર કસી છે. ફ્રાન્સમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ
ઈમેનુઅલ મેક્રોંની સાથે ભારત ઈનોવેટ્સ 2026નું ઉદ્ઘાટન કરીને દુનિયા સામેની સમસ્યાઓના
ઉકેલમાં પોતાની ક્ષમતાની મજબૂત પ્રતીતિ કરાવી આપી.
આ ઉદ્ઘાટન બાદ મેક્રોંએ આજે દુનિયા ભારતની સાથે મળીને
ઈનોવેશન કરવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું. ફ્રાન્સ જેવા સંપન્ન અને શક્તિશાળી દેશના
વડાના આ શબ્દો આખી દુનિયાના વિચારનું પ્રતિબિંબ પાડે છે. ભારતની બદલાતી જતી બૌદ્ધિક
છબી દર્શાવતાં આ પ્રદર્શન અને મેક્રોંના શબ્દોમાં સૂર પુરાવતા મોદીએ ભારત હવે ટેક્નૉલૉજીનો
વપરાશકાર નહીં, પણ વિશ્વની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે સક્ષમ બની રહ્યો હોવાનો મત વ્યક્ત
કર્યો હતો. છેલ્લા એક દાયકામાં ભારતે ટેક્નૉલૉજી અને ડિજિટલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ
કરી છે, જેની નોંધ હવે દુનિયાએ લીધી છે. ડિજિટલ ચૂકવણાંની સલામત અને સરળ વ્યવસ્થા ઉપરાંત
આધાર વ્યવસ્થાને સંબંધિત સુવિધાઓ અને બહુ ઓછા ખર્ચમાં ઉપયોગી ટેક્નૉલૉજીની શોધથી ભારતે
હવે ખરા અર્થમાં વિશ્વગુરુનું સ્થાન હાંસલ કર્યું છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા
સતત વધી રહી છે. આ સાહસો રોજગારીની તકો ઊભી કરવાની સાથોસાથ કૃષિ, ફાઈનાન્સ, શિક્ષણ,
અંતરિક્ષ વિજ્ઞાન, એઆઈ, આરોગ્ય જેવાં ચાવીરૂપ ક્ષેત્રોમાં દુનિયાને પથદર્શન કરાવી રહ્યા
છે.
ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સની મુલાકાતે ગયેલા નરેન્દ્ર
મોદીની મેક્રોં સાથેની વાટાઘાટો આર્થિક કે સંરક્ષણ સોદા પૂરતી મર્યાદિત રહેશે નહીં,
પણ જળવાયુ પરિવર્તન, એઆઈ, સેમિકંડક્ટર, સ્વચ્છ ઊર્જા અને અંતરિક્ષ વિજ્ઞાન જેવા વિષયો
પણ આવરી લેશે. વાટાઘાટોના આ મુદ્દા ભારતના વધી રહેલા બૌદ્ધિક પ્રભાવની પ્રતીતિ કરાવે
છે. ભારત ઈનોવેટ્સ જેવા મંચ દુનિયાને વિશ્વગુરુની ખરી ઓળખ કરાવે એવા બની રહેશે એમાં
કોઈ શંકા નથી.