• ગુરુવાર, 18 જૂન, 2026

આશાના સૂર્યોદય ટાણે દ્વિધાનાં વાદળ

માર્ચ માસની શરૂઆતથી ખાડી વિસ્તારના યુદ્ધે અનેક દેશનાં અર્થતંત્રને બાનમાં લીધું છે. અમેરિકા-ઇઝરાયલ ઈરાન ઉપર ત્રાટક્યા, ખૌમેનીનો ખાત્મો બોલાવાયો ત્યારે લાગતું હતું કે ઈરાન ઘૂંટણિયે પડશે, પરંતુ તેણે મહાસત્તા અમેરિકા અને સદાય યુદ્ધરત એવા ઇઝરાયલને ટક્કર આપી, ઈરાનના ઈરાદા પણ શુભ અને શુદ્ધ તો નહોતા જ. બન્ને પક્ષે સામ્રાજ્યવાદ, અહંકાર સિવાય કશું નહોતું અને નથી. ત્રણ માસની વિકટ સ્થિતિ પછી જ્યારે વિરામની વાત થઈ, વિશ્વના અન્ય દેશો અને ભારત સહિતનાં શૅરબજારે જેને આવકારી તે સ્થિતિ ફરી આજે ડામાડોળ થઈ ગઈ છે. લેબનોન ફરી સળગે છે. 19મીએ ખ્યાલ આવશે કે સંધિ થશે કે ફરી યુદ્ધ ભડકશે? માંડ આશા જાગી ત્યાં ફરી દ્વિધાનાં વાદળ છવાયાં. ફેબ્રુઆરીના અંતે યુદ્ધ શરૂ થયું. અમેરિકાએ અણુ કાર્યક્રમનું બહાનું આપીને પ્રહાર શરૂ કર્યા હતા. ઇઝરાયલ તો ઘણા સમયથી લડી રહ્યું છે. કારણો-માપદંડોની ચર્ચા વ્યર્થ છે. આ સ્થિતિ યુદ્ધગ્રસ્ત દેશો ઉપરાંત અન્ય દેશો માટે પણ વિડંબણાભરી રહી હતી. સદ્નસીબે અત્યારે મિસાઈલો મ્યાન થઈ છે, પરંતુ ઉચાટ યથાવત્ છે.

યુદ્ધને લીધે ભારત સહિતના દેશોમાં મોંઘવારીનો દૈત્ય વધારે કદાવર બન્યો છે. શરૂઆતમાં ઉદ્યોગોને મળતા ગૅસ ઉપર અસર થઈ પછી કૉમર્શિયલ ગૅસ મોંઘો થયો અને છેલ્લા એક માસથી તો પેટ્રોલ-ડીઝલ શતક વટાવીને વાહનમાં વહી રહ્યા છે. યુદ્ધ દરમિયાન ક્રૂડ અને ફર્ટિલાઈઝરની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો પરિણામે  મોંઘવારી વધી. હવે પુરવઠાની સાંકળ પૂર્વવત્ થવાની શક્યતા છે. હોર્મુઝ સ્ટ્રેટ ખૂલશે તો ઈંધણ-ગૅસનો પુરવઠો પુનઃ પ્રાપ્ત થશે. તેલના વેપાર ઉપરના પ્રતિબંધો ઓછા થશે. યુદ્ધવિરામ કરાર ઉપર 19મી જૂને સ્વિત્ઝરલૅન્ડમાં હસ્તાક્ષર થશે તેવી આશા હતી ત્યાં સ્થિતિ અચાનક પલટાઈ છે. આ ત્રણ માસમાં ઈરાનને અને અમેરિકાને અબજો ડૉલરનું નુકસાન થઈ ચૂક્યું છે, તે ભરપાઈ થતાં તો દાયકા નીકળી જશે.

ભારત અને અન્ય દેશોનાં અર્થતંત્રની સ્થિરતા સામે મોટો પડકાર હતો. કેન્દ્ર સરકારે નિજી અૉઈલ કંપનીઓને બે માસ તોતિંગ ખોટ સહન કરવાનું કહીને પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણમાં રાખવાનું કહ્યું હતું, પરંતુ પછી તો તેમાં વધારો થયો. દેશમાં મોંઘવારી વધી, એક તબક્કો એવો હતો કે લોકોએ ગૅસ સિલિન્ડરનો સંગ્રહ શરૂ કર્યો હતો. પેટ્રોલ પમ્પ રાત્રે વહેલા બંધ થઈ જતા. સરકારે વારંવાર કહ્યું હતું કે ઈંધણની કોઈ અછત નથી. યુદ્ધની સ્થિતિ હોવા છતાં અહીં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી. વડા પ્રધાનના અનુરોધના પગલે મંત્રીઓ, ધારાસભ્યોએ ઈંધણની બચત કરતા હોવાનાં દૃશ્યોનું સર્જન કર્યું. પ્રજાએ ખરેખર બચત કરવા તરફ પગલાં ભર્યાં. સામૂહિક પરિવહનનું પ્રમાણ વધ્યું.

આખરે યુદ્ધ સમાપ્તિની ઘોષણા થઈ છે. જોકે, લેબનોનમાં સ્થિતિ ગંભીર છે. આશા રાખીએ ત્યાં પણ બધું થાળે પડે અને યુદ્ધવિરામનો આ આંતરરાષ્ટ્રીય હાશકારો ટકે, ફરી દુનિયા સામાન્ય શ્વાસ લેતી થઈ જાય.