• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

અનંતનાગમાં આતંકવાદીઓને ઠાર મારવા સઘન અૉપરેશન

ખીણમાં વધુ એક જવાન શહીદ

અનંતનાગ, તા. 15 : આતંકવાદના અધમ કૃત્યથી કાશ્મીર કણસી રહ્યું છે. લોહિયાળ ઘર્ષણના ચોથા દિવસે શુક્રવારે વધુ એક જવાન શહીદ થઇ ગયો હતો. ગઇકાલે ગુરુવારે આતંકીઓના ગોળીબારમાં ઘાયલ થયેલા એક જવાને આજે દમ તોડયો હતો. સુરક્ષાદળોએ આતંકીઓને પકડી પાડવા ઘેરાબંદી કરી, તલાશી અભિયાન છેડયું હતું.

લશ્કર--તોયબા કમાંડર ઉજૈરખાન સહિત બેથી ત્રણ આતંકવાદી રાજૌરી સુધી ફેલાયેલાં પીર પંજાલનાં ગાઢ જંગલમાં છૂપાયા હોવાની બાતમી બાદ અભિયાન તેજ કરાયું છે. સેનાના કમાંડોઝ સ્નીફર ડોગ્સ, ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા આતંકવાદીઓને શોધી રહ્યા છે.  ચાર કિ.મી.ના દાયરામાં ઘેરાબંદી કરાઇ છે અને ગમે ત્યારે આતંકીઓને ઠાર કરી દેવાશે, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. 

ચાર દિવસથી જારી ભીષણ ઘર્ષણમાં જવાનોની શહાદનો જડબાંતોડ જવાબ આપવાનાં ઝનૂન સાથે ડ્રોન મારફતે સેના બોમ્બ પણ ફેંકી રહી છે.લશ્કર--તોયબા સાથે જોડાયેલાં પ્રતિબંધિત સંગઠન રેઝીટન્ટ ફ્રન્ટે હુમલાની જવાબદારી લીધી હતી. કોકેરનાગમાં જ્યાં એન્કાઉન્ટર થયું હતું, ત્યાં સેનાના અધિકારીઓએ સટિક સ્થળ જાણવા ડ્રોનની મદદ લીધી હતી.