જે જગ્યાએ પાઈપ્ડ નેચરલ ગૅસ (પીએનજી) સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં લિક્વિફાઈટ પેટ્રોલિયમ ગૅસના (એલપીજી) સિલિન્ડરનો પુરવઠો ત્રણ મહિના બાદ બંધ કરવાની જાહેરાત પેટ્રોલિયમ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે સર્જાયેલી ઊર્જા કટોકટીને પહોંચી વળવાનાં પગલાંના ભાગરૂપે કરી છે. ભારત પોતાની જરૂરિયાતના 60 ટકા જેટલું એલપીજી આયાત કરે છે અને આમાંથી 90 ટકા પુરવઠો પશ્ચિમ એશિયાના દેશોમાંથી હોર્મુઝ ખાડી માર્ગે આવે છે. એમ તો, લિક્વિફાઈડ નેચરલ ગૅસ (એલએનજી), જેમાંથી પીએનજી અને સીએનજી (કૉપ્રૅસ્ડ નેચરલ ગૅસ) બને છે, તેનો અડધો અડધ જથો પણ આયાત થાય છે. પણ એલએનજીના પુરવઠા પર ઝાઝી અસર થઈ નથી, કેમ કે ભારત આ ગૅસ વિવિધ દેશો પાસેથી આયાત કરે છે અને આ પુરવઠામાં વધારો પણ કરી શકાય છે. વળી, એલએનજીનો ઉપયોગ ખાતર ઉદ્યોગ, પેટ્રોકેમિકલ એકમો તથા અન્ય ઇન્ડસ્ટ્રીઝ અને પાવર પ્લાન્ટ્સમાં મોટા પાયે થાય છે. જ્યાં પીએનજી હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરતા નથી ત્યાં નવાં પગલાંને કારણે એલપીજીનો ઉપયોગ ઓછો કરી જ્યાં તેની તંગી છે અને જ્યાં પાઈપનું નેટવર્ક નથી ત્યાં વાળવાની સરકારની યોજના છે. કટોકટીના કારણે આ પગલું લેવાઈ રહ્યું હોવા છતાં તે મજબૂરી કે છેલ્લા વિકલ્પ તરીકે લેવાયેલો નિર્ણય નથી. પાણી અને વીજળી જેવી જ સુવિધા ગૅસ પણ છે અને જ્યાં સુવિધા છે ત્યાં પીએનજીનો ઉપયોગ ન કરવો એ યોગ્ય નથી.
વિશ્વભરમાં વિવિધ
દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોતાં અને ભૂ-રાજકીય પરિબળોની અસર સામાન્ય નાગરિકો પર નહીંવત્
થાય એ દિશામાં વિચારી રહેલી ભારત સરકારે લીધેલો આ નિર્ણય સરાહનીય છે. જોકે, પીએનજી
માટે દેશભરમાં પાઈપનું નેટવર્ક ઊભું કરવું એ મોટો પડકાર છે, પણ લાંબા ગાળાનો લાભ જોતાં
આ બાબત સમયની માગ છે. વળી, એલપીજી સિલિન્ડર કરતાં પીએનજી ગ્રાહકો માટે પ્રમાણમાં સસ્તું
હોવાના પુરાવા મોજૂદ છે અને મુંબઈ, નવી દિલ્હી અને અમદાવાદમાં અનેક પરિવારો એલપીજીના
રાંધણગૅસ કરતાં પીએનજી માટે મહિને ત્રીસથી ચાળીસ ટકા જેટલી ઓછી રકમ ચૂકવે છે. વળી,
એકવાર મજબૂત પીએનજી નેટવર્ક ઊભું થઈ ગયા પછી ભારત અખાતી દેશો સિવાયના ઈમ્પૉર્ટ ટર્મિનલથી
ગૅસ મેળવી શકશે. ગલ્ફ સિવાયના દેશો સાથે ભારતે એલએનજી ક્ષેત્રે કરારો કરવાની શરૂઆત
કરી છે, જેમાં યુએસ, રશિયા, અૉસ્ટ્રેલિયા અને મોઝામ્બિક જેવાં રાષ્ટ્રોનો સમાવેશ થાય
છે. એલપીજી સિલિન્ડરથી પીએનજી તરફ વળવાથી સાઉદી અને યુએઈ જેવા દેશો પરનો મદાર ઓછો થશે.
જોકે, આપણી એલપીજી આયાત નજીકના ભવિષ્યમાં ઓછી થવાના આસાર નથી, પણ વિકલ્પ સાથે તૈયાર
રહેવામાં કશું જ ખોટું તો નથી જ.