• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ઉઘાડી લૂંટ સામે સર્વોચ્ચ ઇન્જેક્શન

દેશમાં દવાના અત્યંત ઊંચા અને અનિશ્ચિત ભાવ તથા હૉસ્પિટલોની કાર્યપદ્ધતિ સામે સુપ્રીમ કોર્ટે આંખ લાલ કરી છે. સમાજની અનિવાર્ય વ્યવસ્થા હોવા છતાં અને કદાચ તો એટલે જ સ્વાસ્થ્ય ક્ષેત્ર કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે દવાની `એમ.આર.પી.' તેની `હોલસેલ' કિંમત કરતાં 16 ટકાથી વધારે શા માટે હોય છે ? દરેક દવા ઉપર મહત્તમ 16 ટકાનો ગાળો રહે તે મર્યાદા શા માટે નક્કી થતી નથી? દવાની વધારે કિંમત વસૂલવાની વૃત્તિને દેશની સર્વોચ્ચ અદાલતે `સામૂહિક સંહાર' ગણાવી છે જેના ઉપરથી સમજી શકાય કે આ કેટલો ગંભીર મામલો છે.

કૅન્સરના દરદી માટેની રૂા. 2700માં મળતી દવાના રૂા. 27,000 વસૂલાતા હોવાની જે વાત સામે આવી છે તે અંગે અત્યંત આકરું વલણ દાખવીને કોર્ટે કહ્યું કે, આ તો ધોળે દહાડે થતી જાહેર લૂંટ છે. કેન્દ્ર સરકારે આમાં હસ્તક્ષેપ કરવો રહ્યો. કોર્ટે કહ્યું, કૉર્પોરેટ હૉસ્પિટલ કોઈના ઉપર ઉપકાર નથી કરતા. પોતાને ત્યાં જે દરદી નિદાન કરાવે કે સારવાર લે તેમને ત્યાંથી જ દવા લેવા શા માટે મજબૂર કરાય છે તેવો સવાલ પણ કેન્દ્ર સરકારને કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ સંદર્ભે સંતુલિત સમાધાનની જરૂર છે. 

નિજી ક્ષેત્રની હૉસ્પિટલો, કેટલાક ડૉક્ટરોની કાર્યપદ્ધતિ વગેરે વિશે લોકોમાં સતત ચર્ચા થતી હોય, માધ્યમોમાં પણ કિસ્સા ઉજાગર થતા રહે પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટ આ અંગે વિશેષ રીતે કંઈ કહે અને કરે ત્યારે સ્થિતિનું ગાંભીર્ય સમજી શકાય છે. તબીબી ક્ષેત્ર માટે દેશભરમાં આ પ્રકારના અનુભવ અને ચર્ચા થઈ રહ્યાં છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું તે અનુસાર કૉર્પોરેટ હૉસ્પિટલ સેવા નથી કરતી, પરંતુ ઉદ્યોગની જેમ કામ કરે છે. અલબત્ત, કોઈપણ વ્યવસાયમાં આર્થિક પાસું હોય, ડૉક્ટર કે હૉસ્પિટલ સંચાલક પૈસા કમાય તેની સામેનો આ મુદ્દો જ નથી. સવાલ તે પછી ગુણવત્તાયુક્ત સેવા-સારવારનો છે. સારવાર કે અૉપરેશન કે હૉસ્પિટલમાં થતાં રોકાણ માટે વસૂલાતી રકમમાં થતા અતિરેક ઉપર નિયંત્રણ હોવું જોઈએ.

કેટલીક મલ્ટિસ્પેશિયાલિટી-કૉર્પોરેટ હૉસ્પિટલ બે-ત્રણ દિવસની બીમારીમાં લાખોનું બિલ, તમામ પ્રકારનાં તબીબી પરીક્ષણ એ બધું કાયમનું થઈ ગયું છે. સરેરાશ વ્યક્તિને તબીબી પરિભાષામાં બહુ ખબર ન પડે એટલે મોંઘા ટેસ્ટ તે કરાવે. સરકારી હૉસ્પિટલો છે, પરંતુ ત્યાં વ્યવસ્થાપનના પ્રશ્નો છે. સૌરાષ્ટ્રમાં ટ્રસ્ટની હૉસ્પિટલો છે જેઓ ખરેખર સેવાયજ્ઞ ચલાવે છે. સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હૉસ્પિટલમાં સારવાર માટે કોઈ પ્રકારની ફી લેવાતી નથી, રાજુલાનું મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર કે રાજકોટની પંચનાથ હૉસ્પિટલ બીજે મોંઘી પડતી સારવાર સામાન્ય માણસને પરવડે તે રીતે આપે છે. રાજકોટમાં તો હવે એઈમ્સ પણ છે, છતાં વસ્તીની સાપેક્ષમાં હૉસ્પિટલોની જરૂર વધારે છે. સરકારે સારવાર અને દવા બન્ને બાબતે ધ્યાન આપવું જોઈએ. હૉસ્પિટલ સંચાલકો અને ફાર્મા કંપનીઓ સાથે સંવાદ કરી, તેમનું વ્યાવસાયિક હિત પણ ન જોખમાય અને તેઓ પોતાની રીતે ન વર્તે તેવો વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ. દવાના ભાવનો આધાર સુનિશ્ચિત કરવો જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે દવા તો આવશ્યક ચીજવસ્તુ ધારા અંતર્ગત આવે છે તો પછી તેના ભાવ મનઘડંત રીતે નક્કી થાય તેવું કઈ રીતે ચાલે? કૉર્પોરેટ હૉસ્પિટલો જેનરિક દવા કેમ ન ઉપયોગમાં લે તે સવાલ પણ અગત્યનો છે.